જયા પાર્વતી વ્રત 2026 | સંપૂર્ણ પૂજાવિધિ, નિયમો, મંત્ર, વ્રતનું ફળ


જયા પાર્વતી વ્રત મહાત્મય :

        જયા પાર્વતી વ્રત અષાઢ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિથી શરૂ થઈને અષાઢ માસના કૃષ્ણ પક્ષની બીજ સુધી પાંચ દિવસ કરવામાં આવે છે.

       જયા પાર્વતી વ્રતના પ્રથમ દિવસે કુંવારી કન્યાઓ વહેલી સવારે બ્રહ્મમુહૂર્તમાં જાગીને સ્નાન કરે છે અને સ્વચ્છ તેમજ સુંદર વસ્ત્રો ધારણ કરીને પરંપરાગત રીતે શૃંગાર સજે છે. ત્યારબાદ તેઓ વ્રત માટે તૈયાર કરેલા જવારા, નાગલા અને પૂજાની અન્ય જરૂરી સામગ્રીને એક સુંદર થાળીમાં ગોઠવે છે. અનેક સ્થળોએ કન્યાઓ સમૂહમાં ભજન-કીર્તન કરતાં નજીકના ભગવાન શિવના મંદિરે જાય છે, જે આ વ્રતનું વિશેષ આકર્ષણ માનવામાં આવે છે.

        મંદિરે પહોંચ્યા બાદ ભગવાન શિવ અને માતા પાર્વતીનું શ્રદ્ધાભાવથી દર્શન કરીને શિવલિંગ સમક્ષ જવારા અને નાગલા અર્પણ કરવામાં આવે છે. જ્યાં મંદિર જવાની સુવિધા ન હોય ત્યાં કન્યાઓ પોતાના ઘરમાં જ ભગવાન શિવ અને માતા પાર્વતીની સ્થાપના કરીને સંપૂર્ણ વિધિથી પૂજા કરે છે. ખાસ કરીને ગૌરીપૂજન દરમિયાન માતા પાર્વતીને અખંડ સૌભાગ્ય અને મંગલમય જીવનના પ્રતિક તરીકે પૂજવામાં આવે છે. 

        પૂજા પૂર્ણ થયા પછી તમામ કન્યાઓ ભગવાન શિવ અને માતા પાર્વતીના ચરણોમાં નમન કરીને હૃદયપૂર્વક પ્રાર્થના કરે છે. તેઓ સદાચારી, ગુણવાન, પ્રેમાળ અને ધર્મનિષ્ઠ જીવનસાથીની પ્રાપ્તિ, અખંડ સૌભાગ્ય, સુખી દાંપત્ય જીવન, સંતાનસુખ તેમજ પરિવારના કલ્યાણ માટે આશીર્વાદ માંગે છે. એવી માન્યતા છે કે માતા પાર્વતી જેવી અડગ ભક્તિ અને ભગવાન શિવ જેવા આદર્શ જીવનસાથીની કૃપા આ વ્રત કરનાર ભક્તોને પ્રાપ્ત થાય છે.

        જયા પાર્વતી વ્રતના પાંચેય દિવસ કુંવારી કન્યાઓ ખૂબ જ શ્રદ્ધા, સંયમ અને નિયમપૂર્વક વ્રતનું પાલન કરે છે. આ દિવસોમાં તેઓ સામાન્ય રીતે મીઠા વગરનું સાદું અને સાત્વિક ભોજન એક જ વખત ગ્રહણ કરે છે. 

       મીઠા વગરનું એટલે કે 'મોળું' ભોજન ગ્રહણ કરવાની પરંપરાને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ વ્રત 'મોળાવ્રત' અથવા 'મોળાકત વ્રત' તરીકે પણ ઓળખાય છે. આજે પણ અનેક પરિવારોમાં આ પ્રાચીન પરંપરા શ્રદ્ધા અને ઉત્સાહ સાથે જળવાઈ રહી છે, અને દર વર્ષે હજારો કન્યાઓ તથા સુહાગિન સ્ત્રીઓ ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા મેળવવા માટે આ પવિત્ર વ્રતનું પાલન કરે છે.

2026 માં આવનાર મુખ્ય વ્રત તહેવારની યાદી

જયા પાર્વતી વ્રત 2026 તારીખ :

વ્રતનો પ્રારંભ: 27 જુલાઈ 2026 (સોમવાર)

વ્રતના દિવસો: 27, 28, 29, 30 અને 31 જુલાઈ 2026

ઉદ્યાપન: 31 જુલાઈ 2026 (શુક્રવાર)


વ્રતના નિયમો :

વ્રતના દિવસોમાં વહેલા ઊઠીને સ્નાન કરવું અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. શક્ય હોય તો બ્રહ્મચર્યનું પાલન કરવું, અસત્ય, ક્રોધ, નિંદા અને તામસિક આહારથી દૂર રહેવું. ભગવાન શિવનું સતત સ્મરણ કરવું અને પોતાની પરંપરા મુજબ ફળાહાર અથવા સાદો સાત્વિક આહાર લેવો.


પૂજાની સામગ્રી :

શિવ-પાર્વતીની મૂર્તિ અથવા ચિત્ર, શિવલિંગ (જો ઉપલબ્ધ હોય), કલશ, ગંગાજળ, કુંકુમ, હળદર, અક્ષત, ચંદન, બિલ્વપત્ર, ફૂલો, ધૂપ, ઘીનો દીવો, પંચામૃત, ફળ, નૈવેદ્ય, પાન, સોપારી અને દક્ષિણા.

સૂતેલી શિવલિંગના આપે ક્યારેય દર્શન કર્યા નહિ જ હોય

વ્રતની પૂજાવિધિ :

પૂજાસ્થળે લાલ અથવા પીળું કપડું પાથરી ભગવાન શિવ અને માતા પાર્વતીની સ્થાપના કરવી. ઘીનો દીવો પ્રગટાવી સૌપ્રથમ શ્રીગણેશજીનું સ્મરણ કરવું.

પછી જમણા હાથમાં પાણી, ફૂલ અને અક્ષત લઈને સંકલ્પ કરવો કે:

"હું ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા, અખંડ સૌભાગ્ય, પરિવારના સુખ, આરોગ્ય, સંતાનસુખ અને સર્વ મનોકામનાઓની સિદ્ધિ માટે શ્રદ્ધાપૂર્વક જયા પાર્વતી વ્રત કરું છું."

ત્યારબાદ ભગવાન શિવનું ધ્યાન કરીને પંચામૃત અથવા શુદ્ધ જળથી અભિષેક કરવો અને સતત "ૐ નમઃ શિવાય" મંત્રનો જપ કરવો.

ભગવાનને ચંદન, અક્ષત, બિલ્વપત્ર, ફૂલો, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરવા. બિલ્વપત્ર અર્પણ કરતી વખતે નીચેનો મંત્ર બોલવો:

ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રયાયુધમ્।

ત્રિજન્મપાપસંહારં એકબિલ્વં શિવાર્પણમ્॥

પછી ઓછામાં ઓછા ૧૦૮ વખત "ૐ નમઃ શિવાય" અને "ૐ હ્રીં ગૌર્યૈ નમઃ" મંત્રનો જપ કરવો.

ત્યારબાદ ભગવાન શિવ અને માતા પાર્વતીની આરતી ઉતારવી અને પરિવારના સુખ, શાંતિ તથા કલ્યાણ માટે પ્રાર્થના કરવી.


ક્ષમા યાચના મંત્ર :

પૂજા પૂર્ણ થયા પછી નીચેનો મંત્ર બોલવો:

આવાહનં ન જાનામિ ન જાનામિ વિસર્જનમ્।

પૂજાં ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર॥

મંત્રહીનં ક્રિયાહીનં ભક્તિહીનં મહેશ્વર।

યત્પૂજિતં મયા દેવ પરિપૂર્ણં તદસ્તુ મે॥

        હે ભગવાન શિવ, હે માતા પાર્વતી ! મેં મારી શક્તિ અને ભક્તિ પ્રમાણે આ વ્રત અને પૂજા કરવાનો પ્રયત્ન કર્યો છે. જો મંત્રોચ્ચારમાં, પૂજાની વિધિમાં અથવા ભાવમાં કોઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો. અમારા પરિવાર પર સદાય આપની કૃપા જાળવી રાખજો. ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, પ્રેમ અને સદભાવ જળવાઈ રહે. અમને સદાય ધર્મના માર્ગે ચાલવાની શક્તિ અને આપના ચરણોમાં અખંડ ભક્તિ આપજો.


વ્રતનું ફળ :

        શ્રદ્ધાપૂર્વક જયા પાર્વતી વ્રત કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે. કુંવારી કન્યાને યોગ્ય જીવનસાથી મળવાની પ્રાર્થના કરવામાં આવે છે, જ્યારે સુહાગિન સ્ત્રીઓ માટે પતિના દીર્ઘાયુષ્ય અને અખંડ સૌભાગ્યની કામના કરવામાં આવે છે. આ વ્રતથી દાંપત્ય જીવનમાં પ્રેમ, વિશ્વાસ અને સમજણ વધે છે, પરિવારના કલહ દૂર થાય છે અને મનમાં શાંતિ તથા ભક્તિનો વિકાસ થાય છે.

યોગિની એકાદશી 2026 ક્યારે છે ? 10 કે 11 જુલાઇ ?

અંતમાં ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રણામ કરીને કહેવું :

"હે ભોળાનાથ! હે માતા પાર્વતી! આપની કૃપાથી મારું વ્રત પૂર્ણ થયું છે. મારા તમામ શુભ સંકલ્પ પૂર્ણ કરજો અને મારા પરિવાર પર સદાય આપના આશીર્વાદ વરસાવતા રહેજો."


ૐ નમઃ શિવાય || ૐ હ્રીં ગૌર્યૈ નમ: || હર હર મહાદેવ

Post a Comment

0 Comments