ચૈત્ર માસમાં વાંચો ઓખાહરણ | ભાગ 6, કડવા 51 થી 60 | Okhaharan in gujarati pdf lyrics

કડવું-૫૧

ઓખાનુ અનિરુદ્ધ પરણવું :

માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે,

માળિયામાં દેવતા સાક્ષી લીધા રે;

માળિયામાં નારદ તંબુર વાય રે,

માળિયામાં કળશ ચોરી બંધાય રે.

માળિયામાં પહેલું મંગળ વરતાય રે,

પહેલે મંગળ શાં શાં દાન અપાય રે;

ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે,

દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે.

માળિયામાં બીજું મંગળ વરતાય રે,

બીજે મંગળ, શાં શાં દાન અપાય રે;

ચિત્રલેખા આપે છે સોળ શણગાર,

દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે.

માળિયામાં ત્રીજું મંગળ વરતાય રે,

ત્રીજે મંગળ, શાં શાં દાન અપાય રે;

ચિત્રલેખા આપે છે નવસર હાર રે,

દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે.

માળિયામાં ચોથું મંગળ વરતાય રે,

ચોથે મંગળ, શાં શાં દાન અપાય રે;

ચિત્રલેખા આપે છે ગાયોનાં દાન રે,

દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે.

સમે માળિયામાં વરતે સાવધાન રે,

માળિયામાં આરોગ્યા કંસાર રે;

માળિયામાં ચાર ભાગ્યવંતી તેડાવો રે,

ઓખાબાઈને સૌભાગ્યવંતી કહી બોલાવો રે.

માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઊઠ્યાં રે,

માળિયામાં સોનેયે મેરુ ત્રુઠ્યા રે.

કડવું-૫૨

ચિત્રલેખા બ્રહ્મસદન ગઈ ચિત્રલેખા ને અનિરુદ્ધ નું રંગવિલાસ માણવું :

બોલ્યા શુકજી પ્રેમે વચન, સાંભળ પરીક્ષિત રાજન;

મળી બેથી સૌ સહિયર નારી, બોલી વચન કોભાંડ કુમારી. (૧)

સુખ ભોગવો શ્યામા ને સ્વામી, ચિત્રલેખા કહે શીર નામી;

બાઈ તું કરજે પિયુંના જતન, રાંક હાથે આવ્યું રતન. (ર)

વરકન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો;

અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય ? (૩)

તમે નરનારી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દિજે;

બોલી ઓખા વળતી વાણી, મારી સહિયર થઈ અજાણી. (૪)

હવે સતી ઓખા વલતી ભાખે, બાઈ કેમ જીવું તુંજ પાખે;

આપણ બે જણ દિન નીરગમશું, અન્ન વેંચીને જમીશું. (૫)

દુઃખ થાશે દઈશું થાવા, પણ નહિ દેઉ તુજને જાવા;

બેની હું તો રહીશ ભૂખી, તુજને નહિ થવા દઉ દુઃખી. (૬)

હું તો આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ;

મા-બાપ વેરી થયાં છે મારાં, મેં તો ચરણ સેવ્યાં છે તમારા. (૭)

તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય;

ચિત્રલેખા કહે સુણ વાણી, મારી સહિયર થઈ અજાણી. (૮)

પ્રધાન પુત્રી કહેવાઉ છું માત્ર, હું છું બ્રાહ્મણીનું ગાત્ર;

તુજ અર્થે લીધો અવતાર, મેળવ્યાં નારી ભરથાર. (૯)

એમ કહી કરી પ્રસન્ન, ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન

ઓખાએ આંખડી ભરી, કંથે આસનાવાસના કરી. (૧૦)

સ્વામી એ સંબોધી નારી, પછી ચિત્રલેખાને વિસારી;

જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન. (૧૧)

જાણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેલી'તી બારી;

બેને સરખી વિજોગની પીડા, નરનારી કરે છે ક્રીડા. (૧૨)

બેની ચડતી જોબન કાયા, પ્રીત બંધને બાંધી માયા;

નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજબિહારી. (૧૩)

જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મનભાવે;

પહોંચ્યો ઓખાને અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. (૧૪)

આવ્યા વર્ષા કાળના દન, મેહ ગાજે વરસે બહુ પરજન્ય;

ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકીલા વાણી મધુરી. (૧૫)

મહા તપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે;

તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરચે રંગે. (૧૬)

આંખો અંજન આભ્રણ સાર, તંબોળા કેરા આહાર,

સોહે નિલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદપુનમના જેવો. (૧૭)

શીશ ફૂલ સેંથે સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સુર;

કાને ઝાલ ઝળકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી. (૧૮)

નાકે સોહિએ મોતીની વાળી, તેને રહ્યા અનિરુદ્ધ નિહાળી;

મોહ્યો મોહ્યો ભ્રકુટીને જોડે, મોહ્યો મોહ્યો મુખને મોડે. (૧૯)

મોહ્યો છે અલક વટે, મોહ્યો મોહ્યો કેશની લટે,

ઘુઘરીને ધમકે, મોહ્યો ઝાંઝરને ઝમકે. (૨૦)

દીઠું મેડીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારિકા ગામ;

ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસાર્યા મા ને બાપ. (ર૧)

પામ્યો અધરામૃત પકવાન, તેને વિસાર્યું હરિનું ધ્યાન;

ઓખા સુખતણે સાગર, તેણે વિસાર્યો રત્નાગર. (૨૨)

અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હીંડે નરને નમતી;

નારી નારી મુખે ઓચરતા, હીંડે ઓખાની પૂંઠળ ફરતા. (૨૩)

ઘેલો કીધો મરજાદા મેલી, નવ જુવે દિવસ કે રેણી;

રાત-દિન નિરગમે છે રમી, ચારે આંખે ઝરે છે અમી. (ર૪)

નરનારી રમે રંગ વિલાસ જાયે દિન પછી માસ

શુધબુધ તો વિસારી તહીં, એટલે ચોમાસું ગયું વહી. (ર૫)

(વલણ)

ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે;

કન્યા ટલી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. (ર૬)

કડવું-૫૩

પ્રધાન કૌભાંડ ઓખાના આવસે તપાસ કરવા આવે છે :

વર્ષા વહી ગઈ રે, રમતાં રંગ વિલાસ;

સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. (૧)

અશ્વિન માસ આવી ત્યાં તો, શરદ પુનમની રાત;

માણેકઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દીસે આસો માસ. (૨)

ચંદ્રમાને કિરણ બેઠાં, હિંડોળે નરનાર;

હસ્યવિનોદમાં રે, કરતાં વિવિધ વિલાસ. (૩)

રક્ષક રાયના રે, તેણે દીઠી રાજકુમારી;

કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દીસે મોટી નારી. (૪)

ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દીસે છે ઓખાય;

રાતી રાતી આંખલડી રે, ફુલીફાલી દીસે છે કાય. (૫)

હીંડે ઉર ઢાંકતી રે, શકે થયા છે નખપાત;

અધર શ્યામતા રે, કોઈક પુરુષદંતનો ઘાત. (૬)

સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર;

મંત્રી કૉંભાંડને રે, જઈને કહ્યાં સમાચાર. (૭)

પ્રધાન પ્રવર્યો રે, જ્યાં અસુર કેરા નાથ;

રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ. (૮)

લોકીક વાર્તારે, કાંઈક આપણને લાંછન;

જીભ્યા છેદિએ રે, કેમ કહીએ વજ વચન. (૯)

બાળકી તમ તણી રે, તે તો થઈ છે નાર;

સાંભળી રે ભૂપાળ, આસનથી ઢળીઓ ભૂપ. (૧૦)

ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માત;

બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. (૧૧)

શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન;

તે વારે જાણજે રે, રિપુ કોઈક થશે ઉત્પન્ન. (૧૨)

જુઓ મંત્રી તમો, પુત્રી કેરી પેર;

તેને કોઈ જાણ નહિ, તેમ તેડી લાવો ઘેર. (૧૩)

પ્રધાન પરવર્યો રે, સાથે ડાહ્યા ડાહ્યા જન;

ઓખાને માળિયે રે, હેઠે રહીને કહે છે વચન. (૧૪)

કોંભાંડ ઓચાર્યો રે, ઓખાજી દ્યોને દર્શન;

ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન. (૧૫)

થરથર ધુજતી રે, પડી પેટડીમાં ફાળ;

શું થાશે નાથજી રે, આવી લાગી મહા જંજાળ (૧૬)

રખે તમે બોલતા રે, નાથજી દેશો ના દર્શન;

મુખ ઊડી ગયું રે ઓખા, નીર ભરે લોચન. (૧૭)

બાળા બહુ વ્યાકુળી રે, કોઈ કદળી કરે વર્ણ;

કેશ ગુંથ્યા વિના રે, કંચુકી પહેરી અવળે વર્ણ. (૧૮)

બારીએ બાળકી રે, ઊભી રહીને ત્યાં આવી;

કૌંભાંડે કુવરીને રે, ભયંકર વચને બોલાવી. (૧૯)

ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલડી દીસે બાળ;

કન્યારૂપ ક્યાં ગયું રે, ખીજશે બાણ ભૂપાળ. (૨૦)

શરીર સંકોચતી રે, કરતી મુખડા કેરી લાજ;

ઘરમાં કોણ છે રે, મુજને સાચું કહોને આજ. (૨૧)

ગંડસ્થળ કર ધરી રે, કોઇ પુરુષ દંતનો ઘાત;

શણગટ તાણતી રે, બોલી ઓખા ભાંગી વાત. (૨૨)

દિલ સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન;

તેણે હું આકળી રે, દુઃખણી નીર ભર્યું લોચન. (૨૩)

મંત્રી ઓચર્યો રે, ઓખા બોલી આળ પંપાળ;

હેઠ ઊતરો રે, નહિ તો ચડીને જોઈશું માળ.(૨૪)

(વલણ)

માળ જોઈશું તમતણો, ભાગશે તમારો ભાર રે;

એવું જાણીને ઊતરો, રાય કોપ્યા છે અપાર રે. (૨૫)

કડવું-૫૪

કૌભાંડ ને અનિરુદ્ધ વિષે શંકા થાય છે :

કન્યાએ ક્રોધ જણાવીઓ, હાકોટ્યો પ્રધાન;

લંપટ બોલતા લાજે નહિ, ઘડપણે ગઈ શાન. (૧)

પાપી પ્રાણ લેવા ક્યાંથી આવિયો, બોલતો શુદ્ર વચન;

એ વાત સારુ કરવી જોઈશે, જીભલડી છેદન. (૨)

હું તો ડાહ્યો દાનવ, તને જાણતી ભારેખમ કૌભાંડ;

એવું આળ કોને ન ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ. (૩)

કહેવા દેને તું મારી માતને, પછી તારી વાત;

હત્યા આપું તુજને, કરું દેહનો પાત. (૪)

કૌભાંડ લાગ્યો કંપવા, પુત્રી પરમ પવિત્ર;

પછી કાલાવાલાં માંડિયાં, ન જાણ્યું સ્ત્રી ચરિત્ર. (૫)

બાઇ રાજાએ મને મોકલ્યો, લોકે પાડ્યો વિરોધ;

ઓખાજી પૂછવા માટે, આવડો શો ક્રોધ ? (૬)

એવું કહેતા સેવક મોકલ્યો, બાણાસુરની પાસ;

રાજાએ મંત્રીને કહાવિયું, જુઓ ચઢીને આવાસ. (૭)

કૌભાંડ કોપ કરીને ગાજીઓ, વગડાવ્યાં નિશાન;

માળિયેથી બંને ઉતારો, બાણાસુરની આણ. (૮)

દાસને આપી આજ્ઞા, સ્થંભ કરોને છેદન;

ઓખાએ આંસુડા ઢાળિયાં, ચંપાશે સ્વામીન. (૯)

હોંકારો અસુરનો સાંભળી, ઊભો થયો અનિરુદ્ધ;

મેઘની પેઠે ગાજીઓ, કંપી નગરી બુધ. (૧0)

મંત્રી કહે સુભટ સાંભળો, કોઇ જોદ્ધો બોલ્યો અહીં.

આપણા નાદે ઊઠ્યો, મેઘ શબ્દથી સહી. (૧૧)

ઓખાએ નાથને બાથમાં, ઘાલ્યો શું જાઓ છો વહી;

મરડી જાઓ જુદ્ધને, હવડાં જાઉ કહી.  (૧૨)

આ શો ઉદ્યમ વઢવા તણો, નથી બાપુનું ધામ;

દાનવને માનવ જીતે નહિ, ન હોય તુ સંગ્રામ.(૧૩)

નાથ કહે સુણ સુંદરી, વાત સઘળે થઈ;

હવે ચોરી શાની આપણે, બેસીએ બારીએ જઈ. (૧૪)

(વલણ)

જઈ બેઠાં નરનારી, બંને વાત વિપરીત કીધી રે;

છજે ભજે કામ કુંવરે, ઓખા ઉછંગે લીધી રે. (૧૫)

કડવું-પપ

કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ નું પ્રગટ થવું :

જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખા બેસારી અનિરૂદ્ઠે ખોળેજી,

કંઠમાં બાવલડી ઘાલી બાળાજી; દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. (૧).

જ્વાળા પ્રગટી ભાલ ભ્રકુટી સુભટ દોડ્યા સબળા;

મંત્રી કહે ભાઈ સબળ શોભે, જેમ હરી ઉછંગે કમળા. (૧)

લઘુ સ્વરૂપને લક્ષણવંતો, આવી સૂતા સંગ બેઠો;

જ્યાં સ્પર્શ નહીં પંખીતણા, તે માળિયામાં કેમ પેઠો ? (૨)

નિશંક થઈને છાજે બેઠા, નિર્લજ નર ને નારી;

હાસ્ય વિનોદ કરે ઘણો, લજયાના આણે મારી. (૩)

ઓખાએ અપરાધ માંડ્યો, ધાઈ ધાઈ લે છે સોઈ;

પ્રધાન કહે એ પુરુષ મોટો, કારણ દીસે કોઈ. (૪)

અંબુજવરણી આંખલડો ને, ભ્રફૂટી રહી ખમખમી;

રામવાળી વાંકી, વળી વઢવા રહ્યો ટમટમી. (૫)

માળ ધર્યો સુભટ સર્વે, બોલે છે આનંદ;

અહો વ્યભિચારી ઉતાર હેઠો , એમ કહે કૌભાંડ. (૬)

અલ્પ આયુષ્યના ધણી, જમપુરીનો સત્ય;

અસુર સરીખા રિપુ માથે, કેમ થઈ બેઠો સ્વસ્થ ? (૭)

બાણાસૂરની દીકરી , તેને ઈન્દ્ર ન થાય આળ;

તે રાજકુંવરીની સંગે, તું ચઢીને બેઠો માળ. (૮)

સાચું કહે જેમ શીશ કહે, કોણ નાત કુળ ને ગામ;

યથાર્થ તું ભાખજે, કેમ સેવ્યું ઓખાનું ધામ (૯)

અનિરુદ્ધ વળતી બોલિયો, સાંભળો સુભટ માત્ર;

ક્ષત્રિનંદન હું ઇચ્છાએ, આવ્યો બાણનો જમાત્ર. (૧૦)

મંત્રી કહે અલ્યા બોલ્ય વિચારી, ઉતરશે અભિમાન;

જમાત્ર શાનો બાળકા કોણે દીધું કન્યાદાન ? (૧૧)

અપરાધી પ્રાણી ઊતર હેઠો, તને બાણરાયની આણ;

આ દાનવ તારો પ્રાણ લેશે, મરણ આવ્યું જાણ. (૧૨)

વિચાર હોય જીવ્યાને, જો પડ્યો વરાસે ચૂક;

સિહ તો હાકે ઊઠે, પણ દીસે છે જાંબુક (૧૩)

બેઉ જણાને જોઈને, કૌભાંડ પાછો જાય રાય પાસે જઈને કહે વાર્તાય (૧૪)

સાંભળતામાં ચારલાખ યોદ્ધા, મોકલ્યા તત્કાળ;

તે ઓખાએ આવતા દીઠા, પડી પેટમાં ફાળ. (૧૫)

કડવું - ૫૬

ઓખા બાણાસુર નું સૈન્ય જોઈ નિરાસ થાય છે :

કામની એ જ્યારે કટક દીઠું , ઓખા થઈ નિરાશ,

અરે ! દેવ આ શું કીધું, મારા મનમાં હતી મોટી આશ.

વાલા કેમ વઢશો રે, મારા પાતળિયા ભરથાર. વાલા0૦ (૧) ટેક.

અરે પિયુ તમે એકલા, કરમાં નથી ધનુષ ને બાણ;

એ પાપી કોપીઓ, લેશે તમારા પ્રાણ. વાલા0૦ (૨)

આછી પોળી ઘીએ ઝબોળી; માંહે આંબારસ ઘોળી

તમે જમતા હું વીસરતી, ભરી કનક કટોરી. વાલા૦ (૩)

આળોટે- પાલોટે અવની પર, રૂદન કરે અપાર;

બોલાવી બોલે નહીં, નયણે વરસે આંસુની ધાર. વાલા0 (૪)

વળી બેસે ઊઠીને, વળી થાય વદન વીકાસણ વીર;

તીવ્ર બાણ જ્યારે છૂટશે, સહેશે કેમ કોમળા શરીર. વાલા0 (૫)

મારા માત-પિતાને જાણ થયું, ને કટકા મોકલ્યું પ્રૌઢ;

પાપી બાપે કાંઇ નવ જાણ્યું, બાણાસૂર મહામૂઢ. વાલા૦ (૬)


કડવું - ૫૭

અનિરુદ્ધ બાણાસુર સૈન્યનો નાશ કર્યો :

ઘેલી નારી કાલાવાલા, જે કરે તે ફોક;

અમે એવું જુદ્ધ કરીએ, તે જાણે નગરના લોક. (૧)

તું જાણે પિયુ એકલાને, હાથ નહીં હથિયાર;

તારા બાપે ચાર લાખ મોકલ્યા, તે મારે માના છે ચાર. (૨)

તું જાણે પિયુ એકલાને, કર નહિ ધનુષ ને બાણ;

એક ગદા જ્યારે ફરશે ત્યારે, લઈશ સર્વના પ્રાણ. (૩)

ચિત્રલેખા ચતુરા નારી, વિધાત્રીનો અવતાર;

ઓખાએ તે ધ્યાન ધરિયું, આવી માળિયા મોઝાર. (૪)

અનિરુદ્ધ જોયું શય્યામાં, ગદા તો નવ દીઠી;

ચમકીને પૂછ્યું ચિત્રલેખાને, અંગે લાગી અંગીઠી. (૫)

ચિત્રલેખા કહે મહારાજા હું તો, ચતુરા થઈને ચૂકી;

મેં જાણ્યું મુજને મારશે, ગદા અળગી મૂકી. (૬)

અનિરુદ્ધ કહે શાને વઢું, મારે હાથ નથી હથિયાર;

ચિત્રલેખાએ નારદ સંભાર્યા, માળિયા મોજાર. (૭)

નારદ કહે મુજને કેમ સંભાર્યો, કૌભાંડ કેરી તન;

મહારાજ જુદ્ધે ચઢે અનિરુદ્ધ, દેજો આશીર્વાદ વચન. (૮)

નારદે આશીર્વાદ દીધો, સૌભાગ્યવંતી ઓખાબાઈ;

ભાલોભલો પુત્ર પ્રદ્યુમનનો, ચિરંજીવી અનિરુદ્ધભાઈ. (૯)

ભાલોભલો તું પ્રદ્યુમનનો, વીરા ઘણો વિકરાળ;

અંતરીક્ષ ઊભો હું જોઉં છું, આણ સરવનો કાળ. (૧૦)

અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો ને, વાત તણું નહિ કામ;

બકરામાં બાકરિયો બાંધી, તે બોળ્યું બાપનું નામ (૧૧).

અનિરુદ્ધ કહે શાને વઢું, હથિયાર નથી કંઈ એક;

જોદ્ધા ઝા ઝા શોર કરે છે, ત્યાં શો કરવો વિવેક?. (૧૨)

નારદ કહે ઓખાબાઈને, તું આદ્ય જગતની માત;

તારું સામર્થ્ય હોય જેટલું, તે આપ સ્વામીને હાથ. (૧૩)

ઓખાએ એક ભોંગળ લઈને, કાઢી બાપી ધરમાંથી બહાર;

સ્વામીના કરમાં આપી, તેમાં હજાર મણનો ભાર. (૧૪)

વીર વિકાસી ભોંગળ લીધી, માળિયામાં ધાય,

ચાર લાખ જોદ્ધા તરવરીઆ તે, સામો જુદ્ધે જાય. (૧૫)

ગેડી ગુપ્તિ ફરસી તંબુર, છુટે ઝઝા બાણ;

માળિયાને ઢાંકી લીધું, જેમ આભલિયામાં ભાણ. (૧૬)

આવતા બાણ એકઠાં કરી કરીને, પાછા નાખે બાળ;

ઊંચેથી આવી પડે છે, આણે સર્વનો કાળ. (૧૭)

ભડાક દઈને ભોંગળ મારી, અનિરુદ્ધે જેની વાર;

તે ઝબકારા કરતી આવી, તેણે કર્યો ધણો સંહાર. (૧૮)

અનિરુદ્ધ કેરો માર ઘણો તે, જોદ્ધાએ ન ખમાય;

મારી કટક સરવે કટકા કીધું, આપે નાઠા જાય. (૧૯)

રહો શા માટે નાસો, કાં થાઓ છો રાંક ?

હું તમારા કાજ આવ્યો છું, મારો ન કાઢો વાંક (૨૦)

અંગ જે કાંઈ ન સુજે, આવ્યા રાયની પાસ;

બાણાસુર બેસી રહ્યો, ને કટક થયું સૌ નાશ. (૨૧)

જોદ્ધા નાશ થયા ને આવ્યો નાઠો સાર;

તમને આવ્યો સંભળવવા, ઘણું કરી પોકાર. (૨૨)

નાસ રાજા ભોગળ આવી, પ્રાણ તારો જાય

બાણાસુર થયો ગાભરો આ તો શું કહેવાય ? (૨૩)

બીજા રાયે છ લાખ મોકલ્યા, જઈ કરો સંગ્રામ;

મારી બાંધી લાવો કહું છું, એને તો આ ઠામ. (૨૪)

જોદ્ધા આવ્યા જોરમાં તે કરતા મારોમાર;

છ લાખ આવી ઊભા રહ્યા, તેના બળતણો નહિ પાર. (૨૫)

કોઇ એક ને બે જોજન, ઊંચા જે કહેવાય;

કોને માથે શીંગડા, લોચન ઉદર સમાય. (૨૬)

ખડગ, ખાંડા તુંબર ફરસી, ગોળા હાથે નાળ;

તોપ, કવચ, રણભાલા, બરછી, મુગદર ને ભીંડીમાળ. (૨૭)

સાંગ , ગેડી, ગુપ્તિ, ગદા ને ઝળકતી તલવાર;

બાણાસુરના યોદ્ધા તે, કરતા મારોમાર. (૨૮)

કાંઇક કચરઘાણ થાય ને કાંઇકના કડકાય,

કુંભસ્થળ ફાટી ગયા ને , પડ્યા તે પૃથ્વી માંય. (૨૯)

અનિરુદ્ધે પછી વિચાર્યું, ગદા પડી છે ધર્ણ;

જોદ્ધા આવ્યા જોરમાં તે, કેમ પામશે મરણ ? (૩૦)

પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર, ગદા લીધી હાથ;

કા ચક્રની પેઠે સેજે, સૌ સંહાર્યા સાથ. (૩૧)

કોઇ જોદ્ધાને ઝીકી નાખ્યાં, ઝાલ્યા વળતી કેશ;

કોઇને અડબોથ મૂકીને, કોઇને પગની ઠેસ. (૩૨)

કોઇકના મોઢા ભાંગી નાખ્યા, હાથની લપડાકે;

કોઇને મારી ભુકો કીધો, ભોંગળને ભડાકે. (૩૩)

એમ હુલ્લડ કરીયું ને ત્રાસ પાડીઓ, બુમરાણ બહુ થાય;

છ લાખ ચકચૂર કરીને, ગયો માળિયા માંય. (૩૪)

નાઠા જોદ્ધા વેગે ગયા, જ્યાં છે બાણાસુર રાય;

નાસ રાજા ભોંગળ આવી, પ્રાણ તારો જાય. (૩૫)

ન હોય ન હોય કાંઈ નાનો કુંવર, દીસે છે કોઈ બળિયો;

ઘણીવારનો જુદ્ધ કરે છે, કોઈનો ન જાય કળિયો. (૩૬)

કૌભાંડને તેડાવી પૂછ્યું, હવે શું કરવું કાજ;

આટલે છોકરે નીચું જોવડાવ્યું, ધિકધિક મારું રાજ. (૩૭)

કડવું-૫૮

અનિરુદ્ધ પકડી લાગવા બાણાસુર સૈન્યને લલચાવે છે :

મતવાલો મહાલે માળમાં, જઈ જોદ્ધાએ સભામાં સંભળાયું;

કૌભાંડને ચડિયો કાળ, મતવાલો મહાલે મળામાં. (૧)

જુગ જીત્યું પણ કાંઈ નવ દીઠું, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં;

કહો કૌભાંડ હવે શું, મારો ભાગ્યો ભારે ભૂપાળમાં.  (૨)

સહુ સૈન્યનું સામર્થ ભાગ્યું, બહુ બળદીઠું છે બાળમાં રે;

દસ લાખનો દાટ વાળ્યો, હજી છે વઢવાની ચાલમાં. (૩)

કહો પ્રધાન હવે શી વલે થશે, બાળ પડ્યો જંજાળમાં રે;

રાતમાં જઈને રોકી રાખો, નાસે પ્રાત:કાળમાં રે. (૪)

વિખિયા રે વળગ્યો તે નહિ થાય અળગો, જેમ માખી મધજાળમાં રે;

બાળકને બકરીને શાનો આશરો તેમ જોવા સિંહની ફાળમાં. (૫)

બાળકને જે બાંધી લાવે, તેને વધાવું રતન ભરી થાળ ભરી રે;

સિંહપણું વેરાઇ ગયું ને, થયો સંગ્રામ શિયાળમાં રે,  (૬)


કડવું-૫૯

બાણાસુર કૌભાંડ વચ્ચે વાતૉલાપ અનિરુદ્ધ પર આક્રમણ :

કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ;

એ ભોંગળે દસ લાખ માર્યા, તેણે ન રહ્યો ધર્મ. (૧)

અચરજ એક લાગે છે મુજને, પડી અસંગે વાત;

એક ભોંગળે દસ લાખ માર્યા, કીધો મહા ઉત્પાત. (૨)

પૂરવે મેં તેને પ્રિછવ્યો, અહંકારે થયો તું અંધ;

અહંકારે લંકા ગઇ, રેંસાયો દસસ્કંધ. (૩)

અહંકાર ચંદ્રમાએ કર્યો, તેને રોહીણીશું સંજોગ;

છવ્વીસ નારી પરહરી, માટે ભોગવે ખઈ રોગ (૪)

એવા અહંકાર હું અનેક કહું, સાંભળને ભૂપાળ;

વાંક કોઇનો કહાડીએ નહિ, પણ ફુટ્યું તારૂં કપાળ.(૫)

અહંકાર તુજ બાપે કર્યો, જેણે જીત્યા દસ દિગપાળ;

વામન રૂપ વિઠ્ઠલે ધરીને, બળી ચાંપ્યો પાતાળ. (૬)

અહંકાર કોઇનો છાજ્યો નહિ, ગવૅ ન કીજે રાય

ગવૅ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાંય. (૭)

પહેલી ધજા ભાંગી પડી, વરસ્યો રુધિરનો વરસાદ;

નક્ષત્ર તૂટી પડ્યું ને, થવા માંડ્યો ઉત્પાત. (૮)

હવે તત્પર થઈને સેના સંભાલો, નહિ નાઠાનું કામ;

દસ દિશા તું જીતીને આવ્યો, છોકરે બોળ્યું તારું નામ. (૯)

રાય પહેલો મેં તુને પ્રિછવ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ;

આ સમે એ વિલોકતામાં, ઉદય પામ્યો અસ્ત. (૧૦)

સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, કહેવાયો તું એક;

તરણાવત તુજને કર્યો, એ છોકરે વાળ્યો છેક. (૧૧)

વચન એવું સાંભળીને, રાયની ગઈ છે શુધને સાન;

સ્થૂળ અંગ દેખી રાજાનું, પછી બોલીઓ પ્રધાન. (૧૨)

કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ;

શશક ઉપર સિંહ અખંડ છે, તેમ પૃથ્વી કરું શતખંડ. (૧૩)

કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ;

શોણિતપુરના સુભટ સવૅ ફેડે તેતો ઠામ (૧૪)

રળિયાત થયો વચન સાંભળી, આપ્યા સહુ શણગાર;

તું મારો વડો બાંધવ, આ તારા સર્વ ભંડાર. (૧૫)

જાઓ વીર તમે વેગે જઇને, કરી આવો શુભ કામ;

વધામણી વહેલી મોકલજો, પેલા શત્રુને ફેડી ઠામ. (૧૬)

વચન શીશ ચઢાવી ઊઠ્યો, લીધા હથિયાર

સૈન્યા સઘળી સજ કરી, તેની શોભાનો નહિ પાર. (૧૭)

મહા મોટો ગજ ગિરિવર સરખો, મદગળીત કહેવાય;

હીરા માણેક રત્નજડિત અંબાડી, તેની જ્યોતે રવિ ઢંકાય. (૧૮)

સૂર્યવંશી ને સોમવંશી, પાખે રિયા કેકાણ;

મોરડે મોતી જડિત્ર તેને, હીરાજડિત પલાણ.(૧૯)

અનેક અશ્વ દોંડિયા,બઆગળ ગણતાં ન આવે પાર;

અનેક પાલખી રથ ઊટ ને; તેને સુભટ અસ્વાર. (૨૦)

સિંહલદ્દીપના હસ્તી મોટા, તેને જડ્યાં માણેક અપાર;

મેઘાડંબર છત્ર ધરીને, મંત્રી થયો અસ્વાર. (૨૧)

નગારાની ધોંસ વાગે, શરણાઇઓનાં સૂર;

સૈન્યા સઘળી પરવરી, જાણે સાગર આવ્યું પુર. (૨૨)

નાળ, ગોળા, કવચ, ભાથા, કરતા મારા માર;

માળિયા આગળ ઊભો એટલે, ઓખા કરે વિચાર. (ર૩)

સ્વામી તમારા મનમાં આવે તો, કહું વિનંતિ આજ;

ચિત્રલેખા દ્વારિકા લઇ જાય તો, સીધે સઘળું કાજ. (૨૪)

વચન સુણીને જ્વાળા લાગી, ચઢી અનિરૂદ્ધને રીસ;

ચરણ કેરી આંગળીથી, જ્વાળા લાગી શિશ. (૨૫)

યુદ્ધવિષે સનમુખ ન રહુંતો, લાજે મારો વંશ;

બાણાસુરને એણી પેરે મારૂં, જેમ કૃષ્ણે માર્યો કંસ. (ર૬)

એવા માંહે જોદ્ધા આવ્યા, દેવા લાગ્યા ગાળ;

ક્રોધ ચડ્યો બહુ કામકુંવરને, કીધી ઇચ્છા દેવા ફાળ. (ર૭)

(વલણ)

ફાળ દઉ અંત લઉ, હોકારો તવ કીધો રે;

ઓખાએ અનિરુદ્ધને, માળિયામાં ઊંચકી દંડવત કીધો રે. (૨૮)

કડવું-૬૦

ઓખા કહે કંથને એમ ન કીજે રે, બળીયાશું વઢતાં બીજે..

એ ઘણા ને તમો એક, તાતે મોકલ્યા જોધ્ધા અનેક..

દૈત્યને અનેક વાહન તમો પાળા, એ કઠણ તમો સુંવાળા..

એને ટોપ કવચ બખ્તર, તમારે અંગે પીતાંબર..

દૈત્યને સાંગ બહુ ભાલા, પ્રભુ તમો છો ઠાલામાલા..

આ તો મસ્તાના બહુ બળિયા, તમો સુકોમળ પાતળિયા..

પહેલું મસ્તક મારૂં છેદો, સ્વામી પછી અસુરને ભેદો..

તમારે દેહને દેખીને હું તો મોહું, નેત્રે જુદ્ધ કરતાં કેમ જોવું;

મુવા દૈત્ય કેરા હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા..

ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્યે માળિયું લીધું વીંટી..

ઘણું ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઈંદ્રની જાયે સાન..

જનસ્થંભે તાતની હાકે, બાણે સૈન્ય ચઢાવ્યું ચોકે..

જેને નામે તે મેરૂ હાલે, ચક્રધારી સરખાનું નવ ચાલે..

ક્ષત્રી સાથ રેહે છે બીતો, તમે કોઈ પેર એને જીતો ?

મંત્રી રહ્યો છે દંત જ કરડી, શેં ધાઓ છો મૂછ મરડી..

કંથ કહે ન કરૂં સંગ્રામ, નાસી પેઠાનો કીયો ઠામ ?

હવે જીતવા છુટવું નહિ, સૈન્ય મારીએ સામા થઈ..

નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય ?

નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શશીને લાંછન મુખમાં..

મહુવર વાજે મણીધર ડોલે, ન ડોલેતો અળશીઆ તોલે..

ધન ગાજે કેસરી દે ફાળ, ના ઉછળે તો જાણવો શિયાળ..

ક્ષત્રી શોઢે દેખીને દળ, ન શોઢે તો વ્યંઢળ..

હાંકે વાઘ ન માંડે કાન, તો જાણવો નિશ્ચે શ્વાન..

ઘરમાં જોદ્ધા રહે કો પેસી, તો ચરણ વિનાનો રહે બેસી..

એમ કહીને ઓખા આગળ કીધી, ગાજ્યોને ભોંગળ લીધી..

અસુર સૈન્યમાં જૈને આડીઓ, છજેથી કંપિની પેઠે પડીઓ..

જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરૂદ્ધને લીધો વીંટી દળમાં..

અસુર કહે એ માનવી કશું, બહુ સિંહમં બગલું પશુ..

જો મુગટા મંત્રીને ચરણે ધરે, તો તું મૃત્યુ થકી ઉગરે..

તેના આવા વાક્ય સાંભળી, અનિરૂદ્ધ ધાયો હોંકારો કરી..

નાંખે દૈત્ય ખાંડાને મુદગલ, તેમ વીષ્ણુ નાખે ભોંગલ..

વીસ સહસ્ત્ર અસુર સૌ તૂટ્‌યા, એકી વારે બહુ છૂટ્‌યા..

આયુદ્ધ ધારા રહી છે વરસી, છુટે પરિઘ આયુદ્ધ ને ફરસી..

થાય દાનવ ટોળે ટોળાં, વરસે બીંડી માળને ગોળા..

ગાજે દુંદુભીના ગડગડાટ, થાય ખાંડા તણા ખડખડાટ..

હાંકે હસ્તેને વાંકે ચુચવાટ, રથ ચક્ર વાજે ગડગડાટ..

હોય હયના ઘણાં હણહણાટ, દેખી દોહલા નાથના ઘાટ..

થાય ઓખાનો ઉચાટ, દેખે દોહલો નાથનો ઘાટ..

દાનવનો વાળ્યો દાટ, અનિરૂદ્ધે મુકવી વાટ..

કોઈ ઝીંક્યા જાલી કેશે, કોઈ ઉડાડયા પગની ઠેશે..

કોઈને હણ્‌યા ભોંગલને ભડાકે, કોઈના મંભાંગ્યા લપડાકે..

કોને ભાલા વાગ્યા ભચોભચ, કોના નાક વાઢ્‌યાં ટચ..

કોઈ અધકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચૂરા..

તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલ્લાસે..

મેં તો આવડું નહોતું જાણ્‌યું, ચિત્રલેખાએ રત્ન જ આણ્‌યું..

થય પરસેવો અનિરૂદ્ધને ડિલે, પોતાનાં વસ્ત્રમાં ઓખા ઝીલે..

ભડ ગાઅજ્યું ને પડયું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ..

થઈ બાણાસુરને જાણ, એક પુરૂષે વાળ્યો ઘાણ..

અસુરને ચઢીઓ બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ..

વાગી હાકને ચઢીયો બાણ, તે તો થઈ ઓખાને જાણ..

(વલણ)

જાણ થઈ જે તાત ચઢીઓ, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે;

ઓખા આંખ ભરતી રૂદન કરતી, પછી સાદ કરતી નાથ રે..

વાંચો ઓખાહરણ ભાગ 1 કડવા 1 થી 10

વાંચો ઓખાહરણ ભાગ 2 - કડવા 11 થી 20

વાંચો ઓખાહરણ ભાગ 3 કડવા 21 થી 30

વાંચો ઓખાહરણ ભાગ 4 - કડવા 31 થી 40

વાંચો ઓખાહરણ ભાગ 5 - કડવા 41 થી 50

વાંચો ઓખાહરણ ભાગ 6 - કડવા 51 થી 60

Post a Comment

0 Comments