ચૈત્ર માસમાં વાંચો ઓખાહરણ | ભાગ 4, કડવા 31 થી 40 | Okhaharan in gujarati pdf lyrics

કડવું-૩૧

ઓખાની ઉમિયાજીને શાપનિવારણ માટેની વિનંતી :

ઓખા કહે અમે પેઠાં પાણીમાં, તરવા તુંબા ગ્રહ્યાં;

હું આવી સમુદ્ર વચમાં, તુંબા ફુટી ગયાં. ૧.

ઓખા કહે છે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે હું ગઈ;

પીવા ઝબોળી પાય, મારાં ભર્યા સરોવર ગયાં સુકાઈ. ૨.

આણી જ તીરેથી અમે અળગા થયાં. પેલી નવ ગયાં;

કરમ તણે સંજોગ અમે, મધ્યે જળ વચ્ચે રહ્યાં. ૩.

હું તો આવી ઇશ્વર પૂજવા, સામો દીધો શાપ;

પરણ્યા પહેલા રંડાપણુ થયું, મારાં કીયા જનમનાં પાપ ? ૪.

ઉમિયા તું તો મારી માવડી, છોરૂં છે ના દીજો છેહ;

માવિત્ર તમો કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તેહ. ૫.


ઓખા વિરહ વેદના :

પ્રેમે પ્રદક્ષેણા કરીને, કરજોડી ઊભી બાળ;

પારવતી કહે માગ્ય વર, હું આપું તે તત્કાળ. ૧.

ઓખા વળતું વચન બોલી. હરખશું તેણી વાર,

માતા મુજને આપીએ, મારા મનગમતો ભરથાર. ૨.

ત્રણ વાર માગ્યું ફરી ફરીને, વર આપો આ દિશ;

લાજ મૂકીને ઓખા બોલી, તવ ચઢી પાર્વતીને રીસ. ૩.

નિર્લજ થઈ તેં કામ જ કીધું, માટે દઉં છું તુજને શાપ;

જા પરણજે ત્રણ વાર તું, એમ બોલ્યાં પાર્વતી આપ. ૪.

વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે, ત્રણ હજો ભરથાર:

શાપ એવો સાંભળીને, કંપી રાજકુમાર. ૫.

પુરુષને નારી ઘણેરી, તું સાંભળ મોરી માય;

નારીને તો પુરુષ બીજો, શ્રવણે ન સુણ્યો જાય. ૬.

સુંદર માધવ માસ આવશે, દ્વાદશીનો દન;

ત્યારે સ્વપ્નમાં આવી પરણશે; પ્રાણ તણો જીવન. ૭.

તું જાગ્યાં કેડે ઓળખશે, તુને કહું છું સત્ય વિવેક;

ત્રણવાર તું પરણશે, પણ વર તો એકનો એક. ૮.

વર પામી ઓખાબાઈ ચાલ્યાં, મંદિર માળિયાં સાર;

અરે બાઈ હું પરણી આવી, સુંદર ભરથાર. ૯.

એમ કરતાં ઓખાબાઇના, દિન ઉપર દિન જાય;

સુંદર માધવ માસ આવ્યો; દ્વાદશીનો દિન. ૧૦.

સુંદર સજ્યા પાથરી, શણગાર્યું ભોવન;

આજ સ્વપ્નાંતરમાં આવશે, મુજ પ્રાણ તણો જીવન. ૧૧.

સંધ્યા થઈ રવિ આથમ્યો, આથમિયો કશ્યપ તન;

હજુએ ન આવ્યો, પ્રાણ તણો જીવન. ૧૨.

પહોર રાત વહી ગઈ ને, હજુ ન આવ્યું કોય;

ઉમિયાજીએ વચન કહ્યું તે, રખે મિથ્યા હોય. ૧૩.

વા વાય ને બારી ડોલે, ખડખડાટ બહુ થાય;

ના આવ્યા ઓ આવ્યા કહીને, તુરત બેઠી થાય. ૧૪.

તમો આવ્યા તે હું જાણું છું, મારી સગી નણંદના વીર;

બોલ્યા વિના નહિ ઉઘાડું, હૈડે છે મને ધીર. ૧૫.

વીણા લીધી હાથમાં ને, ગીત મધુરું ગાય;

ચેન કાંઇ પડે નહિ ને, ભણકાર બહુ થાય. ૧૬

તેવામાં એક બારણું, ખડખડવા લાગ્યું જ્યારે;

ઓખાબાઇએ તો દોટ કરી, દ્વાર ઊધાડીયું ત્યારે. ૧૭

બાણાસુરે મહેલ રચ્યો છે, તેનો સ્થંભ જ એક;

તે તણો પડછાયો તે, ઓખા નજરે દેખ. ૧૮

ઓ પેલા આવ્યા છો, તમ ઉપર જાઉ વારી;

બોલ્યા વિના તો નહિ બોલાવું, હું છું ગુણવંતી નારી. ૧૯

બાણાસુર જો જાણશે તો, લેશે બેઉના પ્રાણ;

શાને કાજે અહીં ઊભા છો, સાસુના સંતાન. ૨૦

ઓખાબાઇ તો માળિયામાં, પાડે છે બકોર;

ઇશ્વર ને પાર્વતીએ, ગગને સાંભળ્યો શોર. ૨૧

ઇશ્વર કહે છે ઉમિયાજીને, કોણ રુવે છે નાર;

ઉમિયા કહે છે મહાદેવજીને, ઓખા રુવે નિરધાર. ૨૨.

વચન આપણું મિથ્યા કરવા, બેઠી બાણકુમાર;

તામસી વિધ્યા મોકલી તે, નિદ્રાનો ભંડાર, ૨૩.

મધ્યરાત તો વહી ગઈ ને, મીંચાણાં લોચન;

સ્વપ્નાંતરમાં આવી પરણ્યો, પ્રદયુમનનો તન. ૨૪

કડવું-૩૨

ઓખાને સ્વપ્નમાં દેખેલ ભરથાર :

સ્વપ્નાંતરમાં દીઠી, સોરઠિયાની જાન રે,

સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે ૧.

સ્વપ્નાંતરમાં તે ખળકે મીંઢળ ચૂડી રે,

સ્વપ્નાંતરમાં ઓખા દેસે છે અતિ રૂડી રે. ર.

સ્વપ્નાંતરમાં વરત્યાં છે મંગળ ચાર રે,

સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે ૩.

સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે,

ઓખા હસી હસી તાળી લે હાથ રે. ૪.

ચિત્રલેખા ભરી રે નિદ્રામાંથી જાગી રે,

ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે. ૫

ઓખાબાઇને નાટક ચેટક લાગ્યું રે,

તે તે કેમ કરીને થાય અળગું રે. ૬.

જાગ જાગ ઓખા જાગ રે;

જે જોઈએ તે માગ રે. ૭.

ઓખા ભરી રે નિંદરામાંથી જાગી, અંગોઅંગ અંગીઠી લાગી;

ફટ પાપણી શીદને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી. ૧.

ફટ પાપણી એ શું કીધું, અમૃત લઈને વિખ જ દીધું;

બીડી પાનની અરધી કરડી, ખાધી મન વિના મુખ મરડી. ર.

જુઓ મારા કરમની કરણી, વર શે મેલી ગયા મુને પરણી;

માહરા પિયુને જે મતિ આવી, માહરા નાથ ગયા રે રીસાવી. ૩.

મે તો કરમહીણી કહાવી , નહીં તો થાય ન દશા આવી

સખી મારા હૈયા કેરો હાર, આણી રે આપો આણીવાર ૪.


કડવું-૩૩

સ્વપ્નમાં થી જગાડી :

સહિયર શત્રુ શે થઈને લાગી, મને સ્વપ્નામાંથી જગાડી રે હો;

ઉમિયાનો વર આજ સફળ થયો જે. જપતાં દહાડી દહાડી રે હો. ૧. 

અધવચ કૂવામાં મુજને ઊતારી રે, વચ્ચેથી તરત મેલ્યું વાઢી રેં હો;

બાગબગીચામાં ફુલ ફુલ્યાં છે રે હો, ફુલ મારી તનડાની વાડી રે હો. ૨.

પ્રેમાનંદ પ્રભુ જાતા ન ઓળખ્યો હો

છેતરી જાય છે દહાડી દહાડી રે હો 

સહિયર રે; ભૂંડી સહિયર, શત્રુ શે થઈને લાગી;

મને સ્વપ્નામાંથી જગાડી રે હો. ૩


કડવું-૩૪

ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંજોગ;

શાપ દઉ છું સૂરજ દેવતા, મુજ જાગે પડીઓ વિજોગ. ૧.

સ્વપ્નમાં મહારા પિયુજીશું, અમે કરતાં લીલા લહેર;

અમૃતરસ હું પીતી હતી, તેમાં તેં મેલ્યું ઝેર. ૨.

કંથ વિજોગણ કામની, ગઈ પંડિતની પાસ;

તમને પૂછું પંડિતો, એક દિન કીતના માસ. ૩.

ફરી ફરી પંડિત એ કહે, સાંભળ ઓખા કરજોડ;

એક પળ પિયુ વિના, લાગે વરસ કરોડ. ૪.

ઓખા પૂછે ઓ પંખીડા, તારી બે પાંખો માગીશ;

હું સજ્જનને મળી, તારી પાંખો પાછી દઈશ. ૫.

પાંખો પ્યારી પંથ વેગળો, તારો પિયુ કોણ જ દેશ;

કોણ રંગે તારો પિયુ હશે, પહેરે કોણ જ વેશ. ૬.

લેખ લખ્યા છઠ્ઠી તણા, તે મટી કેમ જાય;

કરમે લખ્યું તે ભોગવે, તેની પક્ષ કરે જદુરાય. ૭.

મધ્ય નિશા સમે રે, માળીયામાં રોતી રાજકુમાર;

ક્યાં ગયો ક્યાં ગયો રે, બાઈ મારા સ્વપ્નાનો ભરથાર. ૧.

મીંઢળ મારૂં ક્યાં ગયું રે, બાઈ મારો ચુડલો હતો જે હાથ;

પીતામાં ઢળી ગયું રે, બાઈ મારે અમૃત આવ્યું જે હાથ રે. ૨.

પિયુ પરદેશિયા રે, ભૂંડા મને લીધી શે નવ સાથ;

આજ વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ના કેરી રાત. ૩.

લાવ સખી વીખ પીઉ રે, બાઈ મારો કાઢું પાપી પ્રાણ;

હવે હું કેમ કરું રે, બાઈ મને વાગ્યાં વિરહના બાણ. ૪.

પાપી મારો જીવડો રે, મુને માગ્યા ન આવે મરણ ઓખાબાઈ

તો ઘણું રડે ને પડતાં મૂકે ધરણ

રોતાં રોતાં જ્યાં ગયાં રે, ઓખાબાઈએ રોપ્યું વાડીવન જઈને પૂછ્યું

દુમને રે ક્યાંય મારો દીઠો પ્રાણજીવન વાડી વન. ૫.

તું ગુણ વેલડી રે બાઈ જોને કર્મ વિચાર તું આધારે વૃક્ષને હું છું નિરધાર

નાથ મેલી ગયાં રે, બાઈ કોણ જનમનાં પાપ;

આજે વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ના કેરી રાત. ૬.

જોબન મેં તો જાળવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ કરીશ;

જો પ્રભુ નહિ મળે રે, હું તો મારા પ્રાણ તજીશ. ૭.


કડવું-૩૫

ચિત્રલેખા દ્વારા ઓખાની સલાહ :

ઓખા રુવે ચિત્રલેખા વિનવે, ઘેલી સહિયર નવ રોય;

સ્વપ્ને દીઠું જો નીપજે, તો દુ:ખ ન પામે કોય. ૧.

જળ વલોવે માખણ નીપજે, લુખું કોઈ નવ ખાય;

મને વહાલી હતી, સખી તું તો ચિત્રલેખાય. ૨.

વેરણ થઈ વિધાત્રી, એણે આડા લખિયા આંક;

એક વાર આવે મારા હાથમાં, તો ઘસીને વાઢું નાક. ૩.

કરમ લખાવે તે લખે, ભરીને મેલ્યો આંક;

કરણીનાં ફળ ભોગવો, તેમાં વિધાત્રાનો શો વાંક ? ૪.

વિધાત્રી આપે તેને લક્ષ દિયે, ન આપે તેને છેક;

એક વાર પોકારે બારણે, તેને પુત્રી જન એક. ૫.

લાંચ લઈ લખતી હોય તો, આપત સહુથી પહેલું;

મારા પિયુ વિજોગણ જાણતી, મારું મરણ લખાવતી વહેલું રે. ૬.


કડવું-૩૬

સ્વપ્નં સાચું ન હોય, સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય :

એક રંક હતો તે રાજ્ય પામ્યો, સ્વપ્નાંતર મોજાર રે;

હસ્તી ઝુલે તેને બારણે, રથ ઘોડા પરમ વિશાળ રે,

જાગીને જોવા જાય ત્યારે, ગંધર્વ ન મળે એક. સ્વપ્નું૦ ૧.

નિરધનીઓ તે ધન પામ્યો, સ્વપ્નાંતરમાં સાર;

તેને દેશ-વિદેશ વહાણ ચાલે; વાણોતર જે અપાર,

જાગીને જોવા લાગ્યો ત્યારે, કોને લાવે પાસ. સ્વપ્નું૦ ૨.

મૂરખ હતો તે સ્વપ્નાંતરમાં, ભણિયો વેદ પુરાણ;

જાગીને ભણવા જાય ત્યારે, મુખે ન આવડે પાષાણ. સ્વપ્નું૦ ૩.

એક વાણિયો તે સ્વપ્નાંતરમાં, વેગે પામ્યો બાળ;

જાગીને જ્યારે જોવા જાય ત્યારે, કોનું લાવે બાળ.

સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય. ૪.


કડવું-૩૭

ઓખાના સ્વપ્ન ભરથાર ને ચિત્રલેખા ચિત્ર દ્વારા આલેખે છે :

ચિત્ર ચાળીને, વાનો વાળીને, રંગ ભેળીને, પટ મેલીને,

લેખણ લાવીને, કરમાં સાહીને, રંગ ભરતી રે, ચિત્ર કરતી રે. (૧)

હવે સ્વર્ગના લોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે;

સુરલોક લખ્યા ને ભુરલોક લખ્યા, જમલોક અને તપલોક લખ્યા. (૨)

સત્યલોક લખ્યા, ને વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા, ગાંધર્વ લખ્યા;

હવે ઓખાબાઇ તમે ઓરાં આવોને, આમાં હોય તો આવીને બોલાવો રે. (૩)

ઓખા આવી કાગળમાં જોય રે, એ તો રાતે લોચન રોય રે;

બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, એને

રણવગડામાં મેલો જઇને રમતું રે. (૪)

ચિત્ર ચાળીને, વાનો વાળીને, લેખણ લાવીને, કરમાં સાહીને, 

રંગ ભેળીને, પટ મેલીને, હવે પાતાળલોક લખાય રે. (૫)

અતળ લખ્યું, વિતળ લખ્યું તેણીવાર રે,

લખ્યા પાતાળલોકના રાય રે, નાગલોક લખ્યા તેણી વાર રે (૬)

વાસુકી નાગ લખ્યા ને ત્રિશ્વક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા,

ને મણિધર નાગ લખ્યા, શેષનાગ લખ્યા તેણી વાર રે. (૭)

મારી ઓખાબાઇ સલુણી ઓરાં આવો ને,

આમાં હોય તેને હસીને બોલાવો ને,

બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. (૮)

આ તો કાળા લીલા પીળા સાપ રે,

લખનારી ચિત્રલેખા તારા બાપ રે. (૯)

ચિત્ર ચાળીને, વાનો વાળીને, દીવો બાળીને, કાજળ પાડોને,

હવે મૃત્યુલોક લખાય રે, લખ્યા મૃત્યુલોકના રાય રે. (૧0)

અજમેર લખ્યું ને અલીઆર લખ્યું, મુલતાન લખ્યું;

મારવાડ લખ્યો ને ખોરાસન લખ્યો ને બંગાલ લખ્યો,

ને એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખીઆ. (૧૧)

શ્વાનમુખા લખ્યા, માંજરમુખા લખ્યા, હસ્તિમુખા

લખ્યા ને ગર્ધવમુખા લખ્યા, લખી વનસ્પતિ ભાર અઢાર રે. (૧૨)

ઓખા આવી જુઓ ભરથાર રે. બાઇ કાગળ લખ્યો તે તારો પાડ રે,

હું શું સ્વપ્નાંતરમાં પરણી આવાં ઝાડ રે. (૧૩)

બાઇ લખતાં તે લેખણ તૂટી રે; ખડિયામાંથી રૂશનાઈ ખૂટી રે,

થયા કાગળોના અંબાર રે, તને સ્વપ્નું નથી લાધ્યું સાર રે. (૧૪)


કડવું-૩૮

ઓખા પોતાનું સ્વપ્ન વર્ણવે છે :

સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ;

રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. (૧)

સોરઠ દેશ સોહામણો, ન ચડ્યો ગઢ ગિરનાર;

ન ન્હાયો ગંગા ગોમતી, તેનો એળે ગયો અવતાર. (ર)

સોરઠ દેશ સોહામણો, ઢેલ કેલ કરંત;

ગંગોદક ભરી કંચૂકી, રાય હરિચરણે ધરંત. (૩)

સોરઠ સુઘડ માનવી, રાજ નિત નિત કરે વહેવાર;

એ નગર રહે માનવી, તેને ઊભા ઊભા જુહાર રે. (૪)

આજે રે, સ્વપ્નમાં દીઠી ગોમતીની તીર રે,

આજ સ્વપ્નામાં દીઠા હળધરજીના વીર રે;

આજ સ્વપ્નામાં દીઠા સુંદર ભરથાર રે,

તેમાં અડધાં ઊઘ્યાં ને અડધાં જાગતાં રે. (૫)


કડવું-૩૯

ઓખા પોતાના ભરથાર ને ચિત્ર દ્વારા ઓળખે છે :

ચિત્ર ચાળીને, વાનો વાળીને, રંગ ભેળીને, પટ મેલીને,

રંગ ભરતી રે, ચિત્ર કરતી રે, લેખણ લાવીને કરમાં સાહીને. (૧)

હાવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે;

લખી જાદવપતિ રાજધાની રે, તેની શોભા સૂરજ સમાણી રે. (૨)

લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેણીવાર રે,

કૃતવર્માં લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા, ને અકુર લખ્યા. (૩)

વસુદેવ લખ્યા તેણીવાર રે, ઓખા આવી જુવોને ભરથાર રે,

બાઇ તે તો એંધાણ મળિયા રે, આ ઘરડાને માથે પળીઆ રે. (૪)

તેને માથે મુગટ કુંડળ કાન રે, એવા જો લખિયા ભગવાન રે,

ઓખા આવી જુવોને ભરથાર રે. (૫)

બાઈ તેના સરખું રૂપ ને તેના ચાળા રે, મારા નાથજી

ગોરા ને આ અતિ કાળા રે;

તેને વડસસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી

સાહીને રહેતા રે. (૬)

લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, એક લાખ ને એંશી હજાર રે,

એથી આગળ લખ્યા તેણીવાર રે, ઓખા આવી જુવોને ભરથાર રે. (૭)

એ તો રીંછડીના બાળ રે, એના માથે મોટા વાળ રે,

એની કુળમાં મારો કંથ રે, એને ધાવણના છે દંત રે. (૮)

એ તો રૂપાળોને ઊચો રે, એને મોઢે નથી મૂછો રે,

ત્યારે લખીઆ પદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે. (૯)

જાણે હોય ન હોય રે, મુજને પરણ્યો તેનું મોય રે;

અને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. (૧૦)

એમ કહીને અનિરુદ્ધ લખિયા, ક્ષણું ન લાગી વાર રે;

મુખ મરડી ઊભી રહી, બાઈ એ તો મારો ભરથાર રે. (૧૧)


કડવું-૪૦

ઓખા ચિત્રલેખા જોઈ વિહહવળ બંને છે :

ચિત્રલેખાના હાથમાંથી, પેલું લખિયું પૂતળું જેહ;

પ્રેમ આણી ઓખાબાઇએ, ઝુંટી લીધું તેહ. (૧)

કરમાં લઇને કામની, કાંઇ દે છે આલિંગન;

માળિયામાં મેલી ચાલ્યા, પ્રાણતણા જીવન. (૨)

આણિવાર હું નહિ જાવા દઉ, મેં ઝાલ્યો છેડો;

મારા પિયુજી પરવરો તો, મુજને જલદી તેડો. (૩)

ચિત્રલેખા એણીપેર બોલી, સજોડે છે જોડ;

તે તો પહોડ્યા દ્વારકામાં, આ તો ચિત્રામણના ઘોડા રે. (૪)

વાંચો ઓખાહરણ ભાગ 1 કડવા 1 થી 10

વાંચો ઓખાહરણ ભાગ 2 - કડવા 11 થી 20

વાંચો ઓખાહરણ ભાગ 3 કડવા 21 થી 30

વાંચો ઓખાહરણ ભાગ 4 - કડવા 31 થી 40

વાંચો ઓખાહરણ ભાગ 5 - કડવા 41 થી 50

વાંચો ઓખાહરણ ભાગ 6 - કડવા 51 થી 60

Post a Comment

0 Comments