ચૈત્ર માસમાં વાંચો ઓખાહરણ | ભાગ 5, કડવા 41 થી 50 | Okhaharan in gujarati pdf lyrics

કડવું-૪૧

આપો આણી, એ વર મુને આપો હો આણી,

નીકર કાઢું મારો પ્રાણ, એ વર મુને આપો હો આણી.

મેં તો સ્વપ્ને દીઠો જે છોગાળો રે, તેની પાંપણનો છે ચાળો રે;

મારૂં મનડું હર્યું લટકાળે, તે વર મુને આપો હો આણી. (૧)

જેના દીર્ઘ બાહુ આજાન રે, મકરાકૃત કુંડળ કાન રે;

અંગ શોભે એ ભીને વાન, તે વર મુને૦ (૨)

જેનાં લક્ષણ વીસ ને બાર, મુને પરણી ગયો જે કાલ રે;

તેને વરસ થયાં દશ-બાર, તે વર મુને૦ (3)

વરની લટકતી ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે;

તેને ટપકું કીધું ગોરે ગાલ, તે વર મુને૦ (૪)

રાજે પીતાંબર પરીધાન રે, મુને કહેતો ગયો નહિ નામ રે;

ત્યારે ક્યાંથી સરે મારૂં કામ, તે વર મુને૦ (૫)

ચિત્રલેખા બોલી વાણ રે, સહિયર કેમ થઈ અજાણ રે;

બાઈ દ્વારિકા તે જાયે કોણ, તે વર મુને૦ (૬)

કોટ કાંગરે ચામુંડાય રે, છપ્પન કરોડ તે ચોકીમાંય રે;

ચક્ર ઝળહળતું ત્યાંય રે, મુને મારે હેલામાંય. તે વર મુને૦ (૭)


કડવું ૪૨

ભરથાર લાવી આપવા ઓખા ચિત્રલેખા વિનવે છે :

ઓખા કહે છે સુણ સાહેલી લાવ્યા કંથને વહેલી વહેલી

બાઈ તું છે સુખની દાતા લાવ્યે સ્વામી સુખ શાતા

ચતુરાને કહે ચિત્રલેહા ભાઈ આણ્યા ઉપાય કેવા

દૂર પંથ છે દ્રારામતી કેમ જવાય મારી વાત

જી શકે ન રાય શક્ર રક્ષણ કરે સુદશૅન ચક્ર

જાવુ જોજન સહસ્ત્ર અગિયાર તારા કેમ આવે ભરથાર

નયણે નીરની ધારા વહે છે કર જોડી કન્યા કહે છે

બાઈ તારી ગતિ છે મોટી તને કોઈ ન કરી શકે ખોટી

સૈયરસૈયર ને હોય વહાલી મેં જમણાં હાથે ઝાલી

આપણે બેઉ જણ સંગાથી પ્રાણદાતા છે વિધાત્રી

માબાપ વેરી છે મારા મેં આચરણ સેવ્યાં છે તારા

વિધાત્રી તું દીનદયાલ એમ કહી પગે લાગી બાળ

કીધો ચિત્રલેહાએ વિચાર જાવા દ્રારકા મોજાર

ચિત્રલેખાને ધારણ દીધી પછી દેહ પક્ષિણી ની કીધી

કડવું-૪૩

ચિત્રલેખા અનિરુદ્ધ પલંગ સાથે ઉપાડી લાવે છે :

ચિત્રલેખા કહે ઓખાબાઇ, મારે દ્વારકામાં જાઉ;

પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. (૧)

અગિયાર સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જુગદીશ;

સુદર્શન જો ચક્ર મળે તો, છેદે મારું શીશ. (૨)

બાઇ તુજને તાણ તો નવ પડે રે, જેમ તેમ વહેલી થાને;

લાવ્ય મારા કંથને, તું ખોટી થાય છે શાને ? (૩)

જાતી વેળા ઓખા કહે છે, મારો છે વર રૂડો;

કર્મે મળ્યા છો કુંવારા, માટે રખે પહેરતાં ચુડો. (૪)

ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખો ધીર;

તુજ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો વીર. (૫)

ત્યારે ઓખા કહેવા લાગી, જોઇ રહી વાટડી;

મારો વર રૂડો જાણી, રખે ઓઢતી ઘાટડી. (૬)

હું નહિ ઓઢું ઘાટડી, તું એ શી બોલી વાત ?

તુજ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો ભ્રાત. (૭)

એવું કહીને ઉપડી તે, પવનવેગે જાય;

આકાશ મારગે સંચરી, પહોંચી ગોમતી માંય (૮)

ગોમતીમાં મરદન કર્યું ને, વિચારિયું તે ઠામ;

પ્રભુના ઘરમાં ચોરી કરવી, નહિ એકલાનું કામ. (૯)

પછી તેણે નારદ મુનિ સંભાર્યા, તતક્ષણ આવ્યા ધાઇ

કહે રે મુજને કેમ સંભાર્યો, ચિત્રલેખાબાઇ. (૧૦)

બાણાસુરની દીકરીને, લાગ્યું છે સ્વપ્ન;

અનિરૂદ્ધ સેજે વરી ગયો, વિહવળ થયું છે મન. (૧૧)

ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય;

તે માટે તમને સંભાર્યા, કરવા મારી સહાય. (૧૨)

નારદ કહે છે ઓ રે બાઇ, એમાં તે શું કામ;

એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊઘે બધું ગામ. (૧૩)

ચિત્રલેખા કહે સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ;

મહેરેદાર સુદર્શન ચક્ર મળે તો, છેદે મારું શીશ. (૧૪

ચક્રની ચિંતા નવ કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા;

તેને મારગે હું જઇશ, બેસાડીશ વાતો કરવા. (૧૫)

પછી તામસી વિદ્યા ભણાવી, જીભે જપતી જાય;

ચોસઠ કળામાં ચામુંડા તે, ડળક ડોલું ખાય. (૧૬)

ગામ તો ઘારણ પડ્યું, ઊઘ્યા સઘળા લોક;

ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકીને મનનો શોક. (૧૭)

નારદે વિચારિયું, ચિત્રલેખા અનિરૂદ્ધને લઈ જાશે;

શિવને શામળિયો વઢશે, જોવા જેવું થાશે. (૧૮)

ચક્ર ચોકી કરતું આવ્યું, મારગમાં નિરધાર;

તે મારગે સામા મળીઆ, નારદ બ્રહ્મકુમાર. (૧૯)

નારદ કહે છે ને, દહાડી જાય છે ફરવા;

એક ઘડોવાર બેસને, મુજની સાથે વાતો કરવા. (૨૦)

તું ને હું તો ક્યાં મળીશું, તું સાચી કહેને વાત;

કોઇ દહાડો મુજને સંભારે, દ્વારિકાના નાથ. (૨૧)

ચક્કર મુખથી બોલિયું, વળી મારું તે ધનભાગ્ય;

તમારા દરશનનો તો, ક્યાંથી પામું લાભ. (૨૨)

ભોળું ચક્કર સમજ્યું નહિ, બેઠું નિરાંત લઈ;

પેલી નારી નગરમાં પેઠી, ચોરી કરવા ગઈ. (૨૩)

જોતી જ્યાં ગઈ, કૃષ્ણ તણું રે ભુવન;

ત્યાંથી આઘેરી પરવરી, જ્યાં પોઢ્યો પ્રદ્યુમન. (૨૪)

ત્યાંથી આઘેરી પરવરી, મહાવિષ્ટિ કેરો વીર;

સોડ ઘાલીને પહોઢ્યો, મહાધનુષધારી ધીર. (૨૫)

હમણાં એને જો હું જગાડું, મારામારી કરે કકડાય;

માથે હિંડોળો લઈ લીધો ને, ઉલટ અંગ ન માય. (૨૬)

જુગત અંબે ! જે જુગત અંબે ! કરંતી તે જાય;

હિંડોળો લઈ જાતાં દીઠો, નારદે ત્યાંય. (૨૭)

હિડોળો લઇ પરવરીને, સમર્યા વૈકુંઠરાય;

પવન વેગે સંચરી, આકાશ મારગે જાય. (૨૮)

બેઘડીમાં આવી પહોંચી, શોણિતપુર મોઝાર;

તે ઠેકાણે નારદજીએ, મન કર્યો વિચાર. (૨૯)

એ જ્યારે ગઇ ત્યારે, હું એ મારે જાઉ;

તેનું કામ કર્યું હું, ખોટી શીદને થાઉ ? (૩૦)

નારદ કહે છે ચક્કરને તું, નિકળ્યું ચોકી કરવા;

આવડી વારે મૂરખ કેમ બેઠું, મુજ સાથે વાતો કરવા. (૩૧)

નારદ કહે છે ચક્કરને, ઊઠ જોને તારું ગામ;

કાલે પછી ચોરી થશે, તું ન લઇશ મારું નામ. (૩૨)

આકાશ મારગે પક્ષેણી તે, વેગે ચાલી જાય;

ઓખાબાઇ તો વાટ જુવે છે, મંદિર માળિયા માંય. (૩૩)

માથા ઉપર ઢોલીઓ છે આનંદ મનમાં સાર

ભલે આવી ભલે આવી, હું જગડું ભરથાર રે (34)

કડવું-૪૪

ભરથારનુ કહેલું ન માનવાથી ઊઘ્યા પિયુને જગાડીએ, 

ભર નિદ્રામાંથી ઊઠાડીએ, મન સંગાથે એવાં બીજીએ, 

બ્રહ્મહત્યા તો શીદ લીજીએ. (૧)

ભરથાર પહેલી ભામની, જે અન્ન રાંધીને ખાય;

વાગોળ થઈને અવતરે, ઊંધે મસ્તક ટંગાય. (૨)

ભરથાર પહેલી ભામિની, સુવે સજ્યામાંય;

આંધળી ચાકરણ અવતરે; પડે મારગમાંય. (3૩)

ભરથારનું કહ્યું જે ન માને, આપમતી જે નારી,

તે તો નારી અવતરે, કાંઈ બિલાડી મંઝારી. (૪)

ભરથારનું જે કહ્યું ન માને, તરફોડા કંથ;

હડકાઇ કૂતરી અવતરે, એને માથે પડશે જંત. (૫)

ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલ આપ;

પિયુ પોઢ્યો હોય પારણે, કરડવા આવ્યો હોય સાપ (૬)


કડવું-૪૫

અનિરુદ્ધ મંદિર માળિયામાં જાગૃત થાય છે :

સ્ત્રી ચરિત્ર અનેરડાં, કોઈ તેનો ન લહે મર્મ,

સ્ત્રી શામને ભોળવે, પણ ખોયો પોતાનો ધરમ. (૧)

ઓખા કહે છે ચિત્રલેખાને, હાવે ના બોલીશ આડું;

તું કહે તો મારા પિયુને, પગ ચાંપી જગાડું. (૧)

ચિત્રલેખા કહે ઓખાબાઈ, આવડી ઉતાવળી શું થાય;

એ મોટાનો કુંવર કહાવે, કાંઈક હશે હથિયાર. (૨)

ઓશીકે જઈ જોવા લાગી તો, મોટી એક ગદાય;

ઉપાડીને અળગી કીધી, ઓખા ચાંપે પાય રે. (૩)


કડવું-૪૬

મહા બળીઓ તે જાગીઓ, તેના બળનો નાવે પાર રે;

હરૂડ હાક મારી, કીધો છે હોંકાર રે. (૧)

ડળક ડળક ડાકલાં વાગે, ઠારોઠાર રે;

આ તો ન હોય રે, મારા બાપનું ગામ રે. (૨)

દ્વારકામાં વસે, સઘળા વૈષ્ણવ જન રે;

અહો રાત્રી બેઠા કરે છે, ત્યાં સહુ કીરતન રે (3૩)

અહીંયા લાદ કેરા ચકરડા, તે હોય અપાર રે;

ભૂત ભૈરવ જોગણી, અસુર કોઈની નાર રે (૪)

ડાકણી છો શાકિની છો, કોણ છો બલાય રે;

ચિત્રલેખા કહે છે વીરા, ખમા ખમાય રે. (૫)

કડવું-૪૭

અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે;

કોણ કારણ અમને લાવીઆ હો. (૧)

ચિત્રલેખા બોલે શિર નામી, તમને લાવી છું હું જાણી;

ઓખાને કરો પટરાણી, વર વરવાને અરથે હો, તમને લાવીઆ હો (૨)

તમે નારી ધન્ય, દીસો છો કુંવારી; કન્યા પરણું તો થાય છે અન્યાય, 

કેમ પરણું ઓ અસુર નંદની હો. (૩)


કડવું-૪૮

ચિત્રલેખા અને અનિરુદ્ધ વચ્ચેનો વાર્તાલાપ :

બાણાસુરની નગરમાં, ગડગડિયા નિશાન રે;

એણે રે શબ્દે અનિરુદ્ધ જાગીઆ રે. (૧)

જાગ્યા જાદવરાય જુગતીથી દેખે રે;

પેખે રે અસુરના માળિયાં રે. (૨)

આ તો ન હોય અમારી નગરી, ન હોય અમારું ગામ રે;

ન હોય કનકની દ્વારિકા રે. (૩)

હોય અમારી વાડી રે, અમે રમતાં દહાડી દહાડી રે;

ન હોય પુષ્પ કનકનો ઢોલિઓ રે (૪)

અહીંયાં નાદ ઘણા વાગે, રણતુર ઘણેરાં ગાજે રે;

ન હોય, ન હોય, શંખ શબ્દ સોહામણા રે. (૫)

મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છંડાવી રે;

કઈ ભામિનીએ, મુજને ભોળવ્યો રે. (૬)

આ તો ઊચા ઊચા માળ, લોઢે જડ્યાં કમાડ રે;

રત્નાગર સાગર શે, નથી ગાજતો રે ? (૭)

ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે;

આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. (૮)

ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત, મૂછે ઘાલી હાથ રે;

જાણીજોઈને, જાત ગળીમાં કેમ બોળીએ રે. (૯)

મારો વડવો જુગજીવન, પ્રદ્યુમનરાયના તન રે;

તે માટે નહિ પરણું, દૈત્ય દીકરી રે. (૧૦)

ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે;

હમણાં વાતો કાઢીશ, વડવા તણી રે. (૧૧)

સનકાસુરને મારી રે, સોળહજાર લાવ્યા નારી રે;

તમો સમજો રે, તારા બાપે એક નથી પરણી રે. (૧૨)

એક લગ્ન નવ વરીઆ રે, નવ પૂછ્યાં કુળ ને પળીઆં રે;

જાત જાત કોઈની, પૂછી નહિ રે. (૧૩)

તારા બાપની જે ફોઈ, અર્જીન સંન્‍્યાસીને ગઈ રે;

મોં કાઢીને બોલે એવું, છે નહિ રે. (૧૪)

એણે વાયો વૃંદાવનમાં વંસ, જેણે માર્યો મામો કંસ રે;

ધાવતાં માસી મારી, પુતના રે. (૧૫)

ધાવતાં મારી માસી રે, કરી રાખી કંસની દાસી રે;

કુબજાના કુળની વાત કહેતો નથી રે. (૧૬)

તારો વડવો માખણનો ચોર, ચાર્યા વૃંદાવનમાં ઢોર રે;

છાશ પીતો તે ઉછરિયો રે. (૧૭)

સત્રાજીતને કાજ રે, મણિ લેવા ગયા મહારાજ રે;

ત્યાંથી પરની લાવ્યા જાંબુવતી રીંછડી રે. (૧૮)

લાંબા નખને ટૂંકા કેશ રે, વરવો દિસે વેશ રે,

ભૂંડા મુખના છુંછા ઉપર શું મોહી રહ્યા રે. (૧૯)

કહે તો વાત વધારે કહીએ, નીકર અહીંયાંથી છાનાં રહીએ રે;

પૂછો છો તો, કન્યાનું કુળ સાંભળો રે. (૨૦)

તારો વડવો જગજીવન, એનો વડવો કૈલાસનો રાજન રે;

ઓખાની માડી તો, ઉમિયા સતિ રે, (૨૧)

હિમાચલની ભાણેજી રે, ગણપતિ તેનો વીર રે;

ઉમિયાના અર્ધાગેથી, ઓખા ઉપજી રે. (૨૨)

તારો વડવો જગજીવન, એનો વડવો બળી રાજન;

એક સમે બળી રાયે યજ્ઞ માંડ્યો રે. (૨૩)

બળીરાય જગ્નનો અધિકારી, તારો વડવો ભીખારી રે;

સાડા ત્રણ ડગલાં માટે, કર જોડિયાં રે. (૨૪)

આઅટલી વડાઈ શાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો રે;

કરમહીણના કપાળમાં, કોઈ ચોડે નહિ રે. (૨૪)

કહે તો વાત વધારે કહીએ, નીકર આંહીથી છાના રહીએ રે;

આવ્યા છો તો કન્યાને સુખે વરો રે. (૨૫)

કડવું-૪૯

અનિરુદ્ધ નું ગુસ્સે થવું :

અનિરુદ્ધ વળતો કોપીઓ, ક્યાં ગઈ મારી ગદાય;

બે જણના, મારી કરું કટકાય. (૧)

તમો જાણ્યું અહીંયાં લાવી, કર્યું ભલેરું કામ;

તમને બે જણને મારી, ઊડી જાઉં દ્વારિકા ગામ. (૨)

ઓખા ત્યારે થરથર ધ્રુજી, વચમાં આવી આડ;

મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાડ રે. (૩)


કડવું-૫૦

ઓખાનુ અનિરુદ્ધ ને વિનવવુ :

મારા સોરઠીઆ સુજાણ, મળ્યા મને મેલશો મા;

મારા જીવનપ્રાણ, મળ્યા મને મેલશો મા. (૧)

મારા શરીર ના શણગાર મળ્યા

મારા હઈડા કેરા હાર મળ્યા મને મેલશો માં

સાસુડીના જાયા મળ્યા મને મેલશો માં

સ્વપ્ને શીદ ઝાલ્યો તો હાથ મળ્યા મને મેલશો માં

તમને દાદાજી ની આણ, મળ્યા મને મેલશો મા.(૩)

તમે ચાલો તો કાઢું પ્રાણ, મળ્યા મને મેલશો મા;

ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, સાંભળ સુંદરી. (૪)

એ અબળાએ નાખ્યા બોલ, અમશું લડો;

મારા વડવાની વાત, કાઢી જે વઢી. (૫)

ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસલડી;

કૌભાંડની તે કન્યાય, પગની ખાસલડી. (૬)

ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, હવે હું તને વરું;

તમે ગાળો દીધી સાર, મારૂં વેર અંતર થયો આનંદ મનડું મારૂં ઠર્યું (૭)

ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી;

તમે બે થયાં છો એક, પરણાવું નહિ. (૮)

પરણવાની પેર, સઘળી મેં લહી;

મને મળીઆ નારદમુન્ય, વિદ્યા શીખવી. (૯)

ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શાની;

પરણાવ માળિયા માંય રાજકુંવરી નાની. (૧૦)

વાંચો ઓખાહરણ ભાગ 1 કડવા 1 થી 10

વાંચો ઓખાહરણ ભાગ 2 - કડવા 11 થી 20

વાંચો ઓખાહરણ ભાગ 3 કડવા 21 થી 30

વાંચો ઓખાહરણ ભાગ 4 - કડવા 31 થી 40

વાંચો ઓખાહરણ ભાગ 5 - કડવા 41 થી 50

વાંચો ઓખાહરણ ભાગ 6 - કડવા 51 થી 60

Post a Comment

0 Comments