એક ગામમાં એક નાનકડી ઓરડીમાં બે વિધવા સાસુ-વહુ રહેતા હતા. તેમની ગરીબી એવી હતી કે માંડ માંડ ગુજરાન ચાલતું. ઘરની એકમાત્ર મૂડી તરીકે તેમની પાસે એક ગાય અને તેનું વાછરડું હતું.
શ્રાવણ વદ ચતુર્થી, એટલે કે બોળ ચોથનો પવિત્ર દિવસ આવ્યો. સાસુ નદીએ નાહવા જઈ રહ્યા હતા. જતા પહેલાં તેમણે વહુને કહ્યું, "બેટા, હું નાહીને પાછી આવું ત્યાં સુધીમાં ઘઉંને ખાંડીને રાંધી રાખજે."
નસીબજોગે, તેમના વાછરડાનો રંગ ઘઉં જેવો હોવાથી તેનું નામ પણ 'ઘઉંલો' હતું. વહુ સ્વભાવે ભોળી અને થોડી ઓછી સમજણવાળી હતી. તે વિચારવા લાગી કે કયા ઘઉંને ખાંડવાનો હશે - ઘઉંના દાણાને કે પછી વાછરડા ઘઉંલાને?
કંઈ પણ વિચાર્યા વગર તેણે સીધું ગમાણમાં જઈને વાછરડા ઘઉંલાને વધેરી નાખ્યો. પછી મહા મુશ્કેલીથી તેને ખાંડણીમાં ખાંડીને હાંડલામાં ભરીને ચૂલા પર રાંધવા મૂક્યો.
સાસુ નદીએથી પાછા ફર્યા. તેમણે વહુને પૂછ્યું, "બેટા, ઘઉંલો ચડાવ્યો ને?" વહુ બોલી, "હા બા, ચડાવ્યો તો ખરો, પણ શું તોફાન કરતો હતો! માંડ માંડ વધેર્યો અને ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા."
આ સાંભળીને સાસુના પેટમાં ફાળ પડી. તે ગભરાઈને દોડતા ગમાણમાં ગયા. ત્યાં જઈને જોયું તો વાછરડું ન મળે અને લોહીનું ખાબોચિયું ભાળ્યું. આ દ્રશ્ય જોઈને તેમની આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. મનમાં ને મનમાં વહુને ભાંડવા લાગ્યા, "આ અક્કલની ઓથમીરે તો મોટો અનર્થ કરી નાખ્યો! હવે શું થાય? આજે બોળ ચોથ છે, હમણાં બહેનો પૂજા કરવા આવશે, તેમને હું શું મોઢું બતાવીશ?"
સાસુએ તરત જ રાંધેલા વાછરડાવાળું હાંડલું ટોપલામાં મૂક્યું, વહુને માથે મૂકાવ્યું અને બંને ગામની બહાર ઉકરડામાં જઈને તેને દાટી આવ્યા. પછી ઘરે આવીને તેઓ અંદરથી દરવાજા બંધ કરીને ચૂપચાપ રડવા લાગ્યા.
આ બાજુ, ઘઉંલાની માતા, એટલે કે ગાય ચરવા ગઈ હતી. તે પાછી આવી અને ગંધ પારખીને સીધી ઉકરડામાં પહોંચી. ત્યાં જઈને તેણે દાટેલા હાંડલાને શિંગડું માર્યું. હાંડલું ફૂટતાની સાથે જ વાછરડો જીવતો થઈને કૂદી ઊભો થયો અને તરત જ પોતાની માતાનું દૂધ ધાવવા લાગ્યો. તેના ગળામાં ફક્ત હાંડલાનો કાંઠલો જ રહી ગયો હતો.
એ જ સમયે, ગામની બહેનો હાથમાં પૂજાની થાળી લઈને પૂજા કરવા આવી. તેમણે જોયું તો ઘરના દરવાજા બંધ હતા. સાંકળ ખખડાવી બૂમો પણ પાડી અને કહ્યું, "અરે સાસુ-વહુ, તમે અંદર ભોગળ ભીડીને કેમ બેઠા છો? દરવાજા ખોલો, અમે પૂજા કરવા આવ્યા છીએ."
સાસુ-વહુ તો બીકના માર્યા થરથર કાંપતા હતા અને કોઈ જવાબ આપતા નહોતા. તે જ વખતે ગાય અને ઘઉંલો દોડતા દોડતા તેમના ઘર પાસે આવ્યા. ઘઉંલાના ગળામાં હાંડલાનો કાંઠલો જોઈને બધી બહેનોને ખૂબ નવાઈ લાગી. એક બહેન તો બોલી પણ ખરી, "જુઓ તો ખરી, આજે વાછરડાના ગળામાં ફૂલના હારને બદલે હાંડલાનો કાંઠલો કોણે પહેરાવ્યો હશે?"
ઘરમાં સાસુ-વહુ વિચારવા લાગ્યા કે, "આપણને કેવા મહેણાં મારે છે!" વહુએ કમાડની તિરાડમાંથી જોયું તો ઘઉંલો ખરેખર જીવતો હતો! તેના ગળામાં હાંડલાનો કાંઠલો લટકી રહ્યો હતો. તે તરત જ સાસુને બોલી, "બા! જુઓ તો ખરા, આપણો ઘઉંલો જીવતો છે!"
સાસુને વહુની વાત પર વિશ્વાસ ન આવ્યો. તેમણે પણ કમાડની તિરાડમાંથી જોયું તો ઘઉંલો ખરેખર જીવતો હતો અને પોતાની માતાનું દૂધ ધાવતો હતો. આ જોઈને સાસુના હરખનો પાર ન રહ્યો.
તેમણે તરત જ ઘરના કમાડ ખોલ્યા અને બહાર આવીને બધી બહેનોને આવકાર આપ્યો. તેમણે પોતાની ભયંકર ભૂલ અને ગાય માતાના ચમત્કારની આખી હકીકત કહી સંભળાવી. આનંદના આંસુ સાથે કહ્યું, "બહેનો, તમારા વ્રતના પ્રતાપે જ ઘઉંલો સજીવન થયો છે. અમારાથી તો અજાણતા જ ઘોર પાપ થઈ ગયું હતું."
સાસુએ તરત જ ઘઉંલાના ગળામાંથી હાંડલાનો કાંઠલો કાઢીને તેને ફૂલનો હાર પહેરાવ્યો. પછી સૌએ સાથે મળીને ગાય-વાછરડાની પૂજા કરી. સાસુએ ગાય માતાના કાનમાં કહ્યું, "હે ગાય માતા, સત તમારું, વ્રત અમારું."
તે દિવસથી ગામની તમામ બહેનોએ બોળ ચોથનું વ્રત કરવાનો નિર્ણય લીધો. તેમણે નિયમ લીધો કે આ દિવસે ખાંડવું કે દળવું નહીં.
બોળ ચોથનું મહત્ત્વ
આપણા શાસ્ત્રોમાં ગાય માતાના શરીરમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હોવાનું કહેવાય છે. તેથી, બોળ ચોથના દિવસે ગાય માતાની પૂજા કરવાથી સર્વે દેવી-દેવતાઓની પૂજા થઈ જાય છે.
હે ગાય માતા, તમે જેવા આ સાસુ-વહુને ફળ્યાં અને આ પૂજા કરતી બહેનોને ફળ્યાં, તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર અને કથા સાંભળનાર સૌને ફળજો.
બોલો ગાય માતાની જય !
0 Comments