શીતળા સાતમ ની વાર્તા | શીતળા માતાની વાર્તા | Shitala satam ni varta

        એક ગામમાં એક ડોશીમા બે દીકરાની વહુઓ સાથે રહેતા હતા. તે ત્રણેય વિધવા હતા. જેમાં મોટી વહુ સ્વભાવે ખૂબ જ ઝઘડાખોર, ઈર્ષાળુ હતી. નાની વહુ તેનાથી સાવ અલગ સ્વભાવની હતી. તે ભલી, ભોળી અને પરોપકારી હતી, જે પારકાના દુઃખે દુઃખી થતી હતી.

        પવિત્ર શ્રાવણ માસ આવ્યો અને રાંધણ છઠ્ઠનો દિવસ આવ્યો. નાની વહુ રાત્રે રસોઈ બનાવી રહી હતી. મોડી રાત થવાથી તે ખૂબ થાકી ગઈ હતી અને જ્યારે તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી, ત્યારે તેનો નાનકડો દીકરો રડવા લાગ્યો. નાની વહુએ ચૂલો ઠારવાનું કામ પડતું મૂકીને દીકરાને છાનો રાખવા લીધો. આખો દિવસ કામ કરવાથી તે એટલી થાકી ગઈ હતી કે તેની આંખ મળી ગઈ અને તેને ઊંઘ આવી ગઈ. આ કારણે ચૂલો સળગતો જ રહી ગયો.

        મધ્યરાત્રિ થઇ એટલે શીતળા માતા ઘરે ઘરે ચુલા પર રાખેલું ઠંડુ જમવા નીકળ્યા. ફરતા ફરતા તેઓ નાની બહુના ઘરે આવ્યા. પરંતુ નાની વહુના ઘરે સળગતો ચૂલો જોઈને તેઓ તેમાં આળોટ્યા અને તેમનું શરીર દાઝી ગયું. એટલે ક્રોધિત થયેલા માતાએ શ્રાપ આપ્યો, “જેમ મારું શરીર બળ્યું છે, તેમ એનું પેટ બળજો!” આમ શ્રાપ આપીને માતા તો ચાલ્યા ગયા.

        સવારે જ્યારે નાની વહુની આંખ ખૂલી, ત્યારે તેણે જોયું કે તેનો દીકરો બળીને ભસ્મ થઈ ગયો હતો. ચૂલા તરફ નજર કરતાં તે સમજી ગઈ કે આખી રાત્રી ચૂલો સળગતો રહી ગયો એ ભૂલનું આ પરિણામ છે. આંખમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી. તે રડતી રડતી સાસુમા પાસે ગઈ અને આખી વાત કહી સંભળાવી. સાસુમાએ સાંત્વના આપતા કહ્યું, “વહુ બેટા, ગભરાઈશ નહીં. શીતળા માતા ખૂબ દયાળુ છે. તું તેમની પાસે જા અને પોતાની ભૂલ કબૂલીને માફી માંગી લે. એટલે મા જરૂર તારા દીકરાને સજીવન કરશે.”

        સાસુમાના આશીર્વાદ લઈને નાની વહુ મૃત દીકરાને ટોપલામાં મૂકીને શીતળા માતાની શોધમાં નીકળી પડી. રસ્તામાં તેને બે તલાવડીઓ મળી. બંને તલાવડીઓ પાણીથી છલોછલ ભરેલી હતી, છતાં કોઈ તેનું પાણી પીતું નહોતું, કારણ કે જે કોઈ તે પાણી પીવે તેનું મૃત્યુ થઈ જતું. નાની વહુને રડતી જોઈને તલાવડીઓએ તેને પૂછ્યું, “બહેન, તું શા માટે રડે છે?”

        નાની વહુએ પોતાની આપવીતી કહી સંભળાવી. ત્યારે તલાવડીઓએ વિનંતી કરી, “બહેન, તું શીતળા માતાને અમારા પાપ વિશે પણ પૂછતી આવજે, જેથી અમને મુક્તિ મળે.” નાની વહુએ હા પાડી અને આગળ વધી. આગળ જતાં તેને બે આખલા મળ્યા, જેમના ગળામાં ઘંટીના પડ બાંધેલા હતા અને તેઓ સતત લડ્યા કરતા હતા. તેમણે પણ નાની વહુને પોતાની વ્યથા જણાવી અને પોતાના દુઃખનું કારણ પૂછી આવવા કહ્યું. નાની વહુએ હા પાડી અને માથે ટોપલો મૂકીને આગળ ચાલતી થઈ.

        થોડે દૂર એક બોરડીના ઝાડ નીચે એક વૃદ્ધ અને ગંદા કપડાં પહેરેલા ડોશીમા બેઠા હતા. તેઓ બે હાથે પોતાનું માથું ખંજવાળતા હતા. તેમણે નાની વહુને જોઈને પૂછ્યું, “બાઈ, આમ રડતા રડતા ક્યાં જાય છે?” નાની વહુએ પોતાની વ્યથા કહી સંભળાવી. ત્યારે ડોશીમા બોલ્યા, “બહેન, તને ઉતાવળ હોય તો પણ, જરાક મારું માથું જોઈ આપને.” નાની વહુને ઉતાવળ હોવા છતાં, તેના દયાળુ સ્વભાવને કારણે તેણે પોતાના મૃત દીકરાને ડોશીના ખોળામાં મૂકીને તેમના માથામાંથી જૂ અને લીખો વીણવા લાગી. જેમ જેમ તે જૂ કાઢતી ગઈ, તેમ તેમ ડોશીમાના માથાની ખંજવાળ ઓછી થઈ. ખંજવાળ મટી ગઈ એટલે તેમણે નાની વહુને આશીર્વાદ આપતા કહ્યું , “જેવું મારું માથું ઠર્યું છે, તેવું તારું પેટ ઠરજો!”

        આશીર્વાદ મળતાં જ એક મોટો ચમત્કાર થયો. ડોશીના ખોળામાં રહેલો નાની વહુનો મૃત દીકરો જીવંત થઈને હાથ-પગ હલાવવા લાગ્યો અને રડવા લાગ્યો. એટલે  નાની વહુને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમા બીજું કોઈ નહીં, પણ સાક્ષાત શીતળા માતા જ છે. તે તરત જ તેમના ચરણોમાં ઢળી પડી અને માફી માંગી. તે જ ક્ષણે ડોશીમાના સ્થાને તેજસ્વી પ્રકાશ ફેલાયો અને શીતળા માતા પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થયાં. ત્યારે નાની વહુ માતાના ગુણગાન ગાતા બોલે છે કે 


શીતલે ત્વં જગન્માતા, શીતલે ત્વં જગત્પિતા.

શીતલે ત્વં જગદ્ધાત્રી, શીતલાયૈ નમો નમઃ.

અર્થાત: હે માતા શીતળા! તમે આ સંસારના આદિમાતા, પિતા અને સમગ્ર જગતને ધારણ કરનારા દેવી છો, તેથી હું તમને વારંવાર નમસ્કાર કરું છું.


        માતાએ નાની વહુને આશીર્વાદ આપ્યા. એ પછી નાની વહુએ તલાવડીઓ અને આખલાઓના શ્રાપનું નિવારણ પૂછ્યું. એટલે તેમણે કહ્યું કે ગયા ભવમાં તલાવડીઓ શોક્યો હતી કે જે હંમેશા લડતી રહેતી અને કોઈને છાસ આપતી નહોતી. અને આપે તો પણ પાણી નાખીને આપતી એટલે આ ભવમાં તેનું પાણી કોઈ પીતું નથી.  તે તલાવડીનું પાણી ચારેય દિશામાં છાંટીને તું ખોબો ભરીને પીજે એટલે તેનું પાપ દૂર થશે. જયારે આખલાઓ ગયા જન્મમાં  દેરાણી-જેઠાણી હતા. જેઓ કોઈને દળવા ખાંડવા આપતા નહોતા એટલે આ જન્મમાં તેઓ આખલા બન્યા છે. માતાએ વહુને કહ્યું કેઅને આખલાઓના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખજે. એટલે તેઓ લડતા બંધ થઇ જશે.

        નાની વહુ અત્યંત પ્રસન્ન થઈને પોતાના દીકરા સાથે ઘરે પાછી આવી. રસ્તામાં તેણે શીતળા માતાના કહ્યા મુજબ આખલાઓના ગળામાંથી ઘંટીના પડ છોડ્યા અને તલાવડીઓનું પાણી પી ને શાપ મુક્ત કર્યું. ઘરે પહોંચતા જ સાસુમાએ પોતાની વહુના દીકરાને સજીવન જોઈ પ્રસન્ન થયા. આ બધી ઘટનાઓ જોઈને મોટી વહુને પણ શીતળા માતાના આશીર્વાદ મેળવવાની ઈચ્છા થઈ. બીજા વર્ષે શ્રાવણ માસ ના રાંધણ છઠ્ઠની રાત્રે  તેણે જાણી જોઈને ચૂલો સળગતો રાખીને સુઈ ગઈ. એટલે રાત્રે જ્યારે શીતળા માતા આવ્યા, ત્યારે તે દાઝી ગયા અને તેમણે મોટી વહુને પણ એ જ શ્રાપ આપ્યો, “જેમ મારું શરીર બળ્યું , એવું એનું અંતર બળજો.”

        બીજા દિવસે મોટી વહુએ જોયું તો તેનો દીકરો બળી ગયો હતો. પણ તે રડવાને બદલે ખુશ થઈ ગઈ, કારણ કે તે માનતી હતી કે દેરાણીની જેમ તેને પણ હવે શીતળામાં ના આશીર્વાદ મળશે. પરંતુ, તેનામાં દયાભાવ અને શ્રદ્ધા નહોતા. તે પણ દેરાણીની જેમ પુત્રને ટોપલામાં લઈ ચાલી નીકળી. રસ્તામાં તલાવડીઓએ પૂછ્યું કે, "બહેન, ક્યાં જાય છે?"

        મોટી વહુએ મોં મચકોડતા કહ્યું કે, "તમારે શું પંચાત? જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું." એટલે તલાવડીઓએ વિનંતી કરી, કે "બહેન, અમારું એક કામ કરતી આવજે ને." પણ મોટી વહુએ તો તરત જ ના પાડી દીધી. આગળ તેને બે આખલા મળ્યા. તો મોટી વહુએ આખલાઓને પણ તેમનું કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. આગળ જતાં ઝાડ નીચે ડોશીમા સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા. તેમણે આ મોટી વહુને માથું જોઈ આપવાનું કહ્યું. પણ મોટી વહુએ તો ગુસ્સે થઈને ના પાડી દીધી અને કહ્યું કે, "હું કઈ નવરી છું કે હું તારું માથું ખંજવાળ્યા કરું? જોતી નથી કે મારો દીકરો મરી ગયો છે !" આમ છણકો કરતા તે આગળ ચાલી. મોટી વહુ તો આખો દિવસ ભટકી, પરંતુ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં. અને આથી તે રડતી રડતી ઘરે પાછી આવી. ઘરે આવી તેને બધી વાત સાસુમાને કહી.

        આમ, નાની વહુની દયા અને ભક્તિને કારણે તેને ફળ મળ્યું, જ્યારે મોટી વહુને તેના સ્વાર્થ અને દુષ્ટ સ્વભાવને કારણે કંઈ પ્રાપ્ત થયું નહીં. એટલે દેખાદેખી અને સ્વાર્થથી કરેલી ભક્તિ વ્યર્થ છે. સાચું ફળ હંમેશા નિસ્વાર્થ ભાવ, દયા અને શ્રદ્ધાથી કરવામાં આવેલાં કર્મોનું જ મળે છે.

        હે શીતળા માતા! તમે જેવા નાની વહુને ફળ્યાં, તેવા જ તમારા વ્રત કરનાર, વાર્તા સાંભળનાર , વાંચનાર સૌને ફળજો એવી અમારી તમારા ચરણોમાં પ્રાર્થના છે.

બોલો શીતળા માતાની જય

Post a Comment

0 Comments