મિત્રો, મહિનામાં આવતી અગિયારમી તિથિને એકાદશી (અગિયારસ) કહેવાય છે. જે મહિનામાં બે વખત આવે છે. એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં. આ રીતે વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે અને દરેક એકાદશી તિથિને અલગ-અલગ નામ આપેલ છે. કેમકે દરેક અગિયારસનું પોતાનું અલગ ને વિશેષ મહત્ત્વ પણ છે. કહેવાય છે કે એકાદશીનું વ્રત આપણને યજ્ઞ કરતાં પણ વધુ પુણ્ય આપે છે.
પુરાણોમાં લખ્યું છે કે એકાદશીને ભગવાન શ્રી હરિ વિષ્ણુનો દિવસ કહેવાય છે. આપણાં ઋષિ મુનિઓ કહે છે કે એકાદશી વ્રત યજ્ઞ અને વૈદિક કર્મ-કાંડથી પણ વધારે પુણ્યદાયી છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ વ્રતને કરવાથી મળતા પુણ્યને જો આપણાં પૂર્વજોને અર્પણ કરાય છે તો પિતૃઓ સંતુષ્ટ થાય છે. તેમજ આપણાં હિન્દુ ધર્મના સ્કંદ પુરાણમાં પણ એકાદશી ( અગિયારસ ) વ્રતનું મહત્ત્વ લખવામાં આવ્યું છે. કેમકે આ વ્રત કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપનો નાશ થાય છે.
તો આ 24 એકાદશી માંથી આજે આપણે ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં આવતી " આમલકી એકાદશી " કે " રંગભરી એકાદશી " વ્રતની કથા વાંચીશું. કહેવાય છે વ્રત ન થયું હોય અને માત્ર આ કથા વાંચવામાં આવે છે તો પણ તેનું પુણ્યફલ મળે છે.
: આમલકી એકાદશી વ્રતકથા :
યુધિષ્ઠિરે જ્યારે શ્રીકૃષ્ણને ફાગણ મહિનાના શુકલ પક્ષમાં આવતી એકાદશીનું મહાત્મ્ય જણાવવાનું કહ્યું ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યા : “હે રાજન્ ! ફાગણ મહિનાના સુદ પક્ષની અગિયારસનું નામ “ આમલકી “ છે. આનું પવિત્ર વ્રત વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરાવે છે. રાજા માંધાતાએ પણ વશિષ્ઠજીને આવો જ પ્રશ્ન કર્યો હતો. તેના જવાબમાં મુનિ શ્રેષ્ઠે કહ્યું હતું.
પૂર્વકાળમાં ચેત્રરથ રાજાના રાજ્યમાં એક ગરીબ પારધી રહેતો હતો. તે એકદમ નિર્ધન હતો. જંગલમાંથી શિકાર કરી લાવતો અને ઘરનું ગુજરાન ચલાવતો હતો.
એક દિવસની વાત છે. શિકારી શિકાર કરવા માટે જંગલમાં જવાને ઘરેથી નીકળ્યો. કેટલાક ભક્તોને ભગવાન વિષ્ણુની મૂર્તિ રથમાં બેસાડીને આંબાના ઝાડ પર દીવડાં પ્રગટાવીને ભજન કરતાં જોયા. આ જોઈને પારધીને નવાઈ લાગી. કુતુહલવશ તેઓ શું કરે છે એ જોવા લાગ્યો. આમ જોવાની લાલેચમાંને લાલચમાં એને આખી રાતનું જાગરણ થઈ ગયું. થોડા સમય પછી આ પારધીનું મરણ થયું. અને ફરીથી જન્મ લઈને રાજા વિદુશ્યને ત્યાં તેનો જન્મ થયો. તેનું નામ વસુરથ પાડવામાં આવ્યું. સમય જતાં એ ખૂબ જ પરાક્રમી રાજા થયો.
એક દિવસ જંગલમાં શિકાર કરવા માટે ગયો. અને માર્ગ ભૂલી ગયો અને રાત પડતાં તે જંગલમાં જ સૂઈ ગયો. થોડા જ સમયમાં નજીકના ડુંગરોમાં રહેલા યવનોનો કાફલો ત્યા આવ્યો. જે વસુરથ રાજાના દુશ્મનો હંતા. જંગલમાં રાજાને સૂતેલો જોતાં જ તેઓ હર્ષ પામ્યા. વિચારવા લાગ્યા કે હાથમાં આવેલો મોકો પાછો ન ચાલ્યો જાયઃ તેમ વિચારીને રાજાને ઊંઘમાં જ મારી નાખવાનો વિચાર કરવા લાગ્યાં. પરંતુ ત્યાં તો ચમત્કાર થયો હોય તેમ રાજાના શરીરમાંથી એક સુંદર કન્યા પ્રગટ થઈ. તેની આંખો લાલ લાલ હતી. જાણે કે ધગધગતા બે અંગારા ન હોય. તેના હાથમાં વિવિધ પ્રકારના હથિયારો પણ હતાં. આ કન્યાએ રાજાને મારી નાખવા માટે આવેલા યવનોના ખાતમો બોલાવી દીધો.
થોડી જ વારમાં રાજા-જાગી ગયો. પોતાના દુશ્મનોને મરેલી હાલતમાં જોતાં જ રાજાને ઘણી જ નવાઈ લાગી. રાજા વિચારવા લાગ્યો કે આ રીતે મને ઉગારનાર કોણ છે ? ત્યાં જ આકાશમાં ગડગડાટી થઈ અને રાજાને આકાશવાણી સંભળાઈ. “હે રાજન્ ! તેં તારા પૂર્વજન્મમાં કરેલા આમલકી એકાદશીના વ્રતના પ્રભાવથી આજે ખુદ ભગવાને તારું રક્ષણ કર્યું છે. જે કોઈ આ એકાદશીનું વ્રત કરશે તેનો શત્રુઓના અચાનક થતા હુમલામાંથી તો બચાવ થશે જ, સાથો સાથ વૈકુંઠવાસ પણ પ્રાપ્ત થશે.
તો મિત્રો આ રીતે ફાગણ સુદ એકાદશીની વ્રતકથા છે આ ઉપરાંત જો આપને વધુ માહિતી આ વ્રત વિષે જાણવી હોય તો Youtube માં વિડીયો મૂકેલો છે આપ તે જોઈ શકો છો.
વિડીયો જોવા માટે અહિયાં ક્લિક કરો
ધન્યવાદ 🙏
અમારો આ લેખ પસંદ આવ્યો હોય તેમજ આ પોસ્ટ માંથી આપને કઈ પણ ઉપયોગી માહિતી મળી હોય તો આપના મિત્રો સાથે પણ આ Post Share કરજો.
ખાતમુહૂર્ત અને ગૃહપ્રવેશ વિષે આ વાતની આપને ખબર નહિ હોય
સૂતેલી શિવલિંગના આપે ક્યારેય દર્શન કર્યા નહિ જ હોય
હોળી ના દિવસે શું કરવું શું ન કરવું
0 Comments