ચૈત્ર માસમાં વાંચો ઓખાહરણ | ભાગ 9, કડવા 81 થી 93 | Okhaharan in gujarati pdf lyrics

કડવું-૮૧

અનિરુદ્ધ સ્નાન પીઠી ચોળાય છે :

પાર્વતીને પિયરનાં નોતરડાં રે,

બેસવા તો રૂડા લાવજો પાથરણાં રે;

તેડાવોને ઉદિયાચળ અસ્તાચળ રે,

તેડાવોને વિધ્યાચળ પીનાચળ રે;

વરરાયને નાવણ વેળા થાય રે,

વરરાયને પીઠી ત્યાં ચોળાય રે.


કડવું-૮૨

કૃષ્ણ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે,

અનિરુદ્ધને સિંચારો રુક્ષ્મણી જામવું રે.

બળભદ્ર કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે,

અનિરુદ્ધને તે લઈ સિંચારો, રેવંતી જાગવું રે.

વાસુદેવ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે,

અનિરુદ્ધને તે લઈ સિંચારો, રુક્ષ્મણી જાગવું રે.

મહાદેવ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે,

ઓખાબાઈને તેલ સિંચારો, પારવતી જાગવું રે.

ગણપતિ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે,

ઓખાબાઈને તેલ સિંચારો, શુધબુધ જાગવું રે.

બાણાસુર કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે,

ઓખાબાઈને તેલ સિંચારો, બાણમતી જાગવું રે.

કોભાંડ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે;

ઓખાબાઈને તેલ સિંચારો, રૂપવતી જાગવું રે.


કડવું-૮૩

હલહલ હાથણી શણગારી રે,

ઉપર ફરતી સોનાની અંબાડી .

તેના ઊપર વરજીની માડી રે,

સોનેરી કોર કસુંબલ સાડી રે.

માથે મોડ ભમરીયાળો ઝળકે રે,

ઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન રે.

નાનાંવિધનાં વસ્ત્ર કરાવ્યાં પરિધાન રે,

કનક બેરખો પોંચીઓ બાજુબંધ રે,

અનુપમ ઉપન્યો આનંદ રે.

મુગટ મણીધર ધર્યો અનિરુધ્ધ શીશ રે,

લળકે ઉરવી જેવો દીસે રે.

કસ્તુરીનું તિલક કર્યું છે રે,

વળતી તેને ટપકું કર્યું છે ગોલે રે.

હળધરનો જશ બોલે બધા જન રે,

જાદવ સહીત શોભે છે જુગજીવન રે.

સાત પાંચ સોપારી શ્રીફળ અપાય રે,

વરજીને તો ઘોડીની વેળા થાય રે.


કડવું-૮૪

લગ્ન કરવા અનિરુદ્ધ ઘોડેસવાર થઈને જાય છે :

અનિહાંરે અનિરુદ્ધની ઘોડલી.

અંત્રિક્ષથી ઘોડી ઉતરી રે, પૂજીએ કુમકુમ ફૂલ;

ચંચળ ચરણે ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મૂલ.  ૧.

મોરડો મોતી જડ્યા રે, હિરા જડિત પલાણ;

રત્ન જડિત જેનાં પેગડાં રે, તેના વેદ કરે છે વખાણ. ૨.

અંગ જેનું અવનવું, ઝળકે તે ઝાકમઝાળ;

ઝબુકે જેમ વીજળી રે, તેને કંઠે છે ઘુઘરમાળ. ૩.

દેવ દાનવ માનવી રે, જોઈ હરખ્યા તે સુંદર શ્યામ,

થનક થનક ચાલતી રે, એનું પંચકલ્યાણી છે નામ. ૪.

રૂપવંતી ઘોડી ઉપર, અનિરુદ્ધ થયા સવાર;

પાનનાં આપ્યા બીડલારે, શ્રીફળ ફોફળ સાર. ૫.

હીંડે હળવે હાથીઓ રે, ઉલટ અંગ ન માય,

સુરીનર મુનિજન જાએ વારણે રે, આગળ ઈંદ્ર રહ્યા છડીદાર. ૬.

સનકાદિક શિર છત્ર ધરે, નારદ વીણા વાય;

ચંદ્ર સૂરજ બેઉ પેંગડે રે, આગળ વેદ ભણે બ્રહ્માય ૭.

વાજા છત્રીસ વાગતાં રે, નગર અને પરદેશ;

લોક સર્વ જો મળ્યું, શોણિતપુર દેશ. ૮.

રાયે નગર સોવરાવિયુ રે, સોવરાવી છે વાટ,

ધજાપતાકા ઝળહળે ને સોવારાવ્યા શોણિતપુરના હાટ  ૯.

દેવ સવૅ ત્યાં આવીઆ રે, જશ બોલે બંદીજન,

જાચક ત્યાં બહુ જાચતા રે, જેના હરિ ટાળે વિઘન  ૧૦.

રામણ દીવો કર રુક્ષ્મણી રે, લુણ ઉતારે બેની ધીર;

ગાન કરે છે અપ્સરા રે, ત્યાં તો જોવા ઇચ્છે જદુવીર.  ૧૧.

એવી શોભાએ વર આવીઓ રે, તોરણે ખોટી થાય;

વરરાયને સાળો છાંટે છાંટણાં રે, મળી માનુની મંગલ ગાય. ૧૨.

ધુસળ મુસળ રવઈઓ રે, સરીઓ સંપુટ ત્રાક;

ઈંડી પીંડી ઉતારતાં રે, વરનું તિલક તાણ્યું નાક. ૧૩.

નાચે અપ્સરાય ઈંદ્રની રે, નારદ તંબુર વાય,

મધુરી વીણા વાજતી રે, એવો આનંદ ઓચ્છવ થાય. ૧૪.

પુંખવા આવી પ્રેમદા રે, માથે મેલી મોડ;

રામણ દીવો ઝળહળે રે, રુક્ષ્મણીએ ઘાલ્યો મોડ.૧૫.

ગળે ઘાટ ઘાલી તાણ્યા રે, આવ્યા માંહ્યરા માંહ્ય;

આડા સંપુટ દેવરાવીઆ, ત્યાં વરત્યો જેજેકાર. ૧૬.

ઘોડી ગાય ને સાંભળે તેને ગંગા કેરું સ્નાન;

વાંઝીઓ પામે પુત્રને રે, નિરધનીઓ પામે ધન.૧૭.


કડવું-૮૫

ઓખા અનિરુદ્ધ નાં લગ્ન :

બાણાસુર પખાળે ચરણ, શોભા ઘણેરી રે;

સાથ બાણમતી શુભ વણૅ , શોભા ઘણેરી રે. ૧.

ત્યાં તો પહેલું મંગળ વરતાય,

પહેલે મંગળ સોનાના દાન અપાય.  ૨.

દાન લે છે કૃષ્ણનો સંતાન, 

ત્યાં તો બીજું મંગળ વરતાય, ૩.

બીજે મંગળ ઘેનુનાં દાન અપાય, 

ત્યાં તો ત્રીજું મંગળ વરતાય,  ૪.

ત્રીજે મંગળ હસ્તીનાં દાન અપાય. 

દાન લે છે કૃષ્ણ તણો સંતાન, ૫.

ત્યાં તો ચોથું મંગળ વરતાય,

ચોથે મંગળ કન્યા દાન અપાય,  ૬.

ત્યાં તો વરત્યાં છે મંગળ ચાર, 

આપે ગરથ સહિત ભંડાર,  ૭.

લાવે બાણમતી કંસાર, 

ત્યાં પીરસે છે ચાર વાર,  ૮.

ત્યાં તો આરોગે નરનાર, 

કયું દૂધડે સ્નાન નિરાઘર  ૯.

ચાર સૌભાગ્યવતી બોલાવે

ઓખા સૌભાગ્યવંતી કહેવરાવે,૧૦.

ઓખા અનિરુદ્ધ પરણીને ઊઠ્યા,

ત્યાં તો સોનૈયે મેરુ ત્રુઠયા, શોભા ઘણેરી રે. ૧૧.


કડવું-૮૬

ભોજન નુ શબ્દચિત્ર :

બાણાસુર ગોરવ નોતરે, સૌ કો સાથશું રે;

જમણની શી રીત, હળધર ભ્રાતશું રે,

શ્રીકૃષ્ણ કરે પ્રણામ, હળધર ભ્રાતશું રે.

તમો ગૌરવ વેળા પધારજો, સૌ કો આવશે રે.

સાથ માણસની શી રીત, ગમે તેને લાવજો રે,

વેવાણો ઘરમાં ગઈ; જ્યાં વરની માવડી રે,

તેના કુમકુમ રોળ્યા પાય, જઈ પાયે પડો રે,

અનિરુધ્ધની માવડી, બોલ્યાં રીત અમારડી રે,

ગોરવ મનાવીને ચાલીયાં, મનશું માલતાં રે;

હાલ હાલ કરો રસોઈ, રાંધણ ચાલતાં રે,

રસોઈ બહુ પ્રકારની, ગણતાં કંઈ નવ લહુ રે,

કાંઈ વસ્તુ અનેક, ગણતાં સહુ સહુ રે,

જાદવ કેરી જોડ, સહુકો સાથ શું રે;

આવ્યા શ્રી કૃષ્ણ મહારાજ, છપ્પન ક્રોડશું રે,

વેવાઈની વાત, કાંઇક સાંભળી રે;

ભોજન કરવા ઠામોઠામ, જુગતિઓ ભલી રે,

આજ્ઞા આપી રાય, સહુકો બેઠા થયાં રે;

એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે,

સ્મરણ કીધું નાથનું, બેઠા બેસણે રે;

નવ જોબનવંતી નાર, નીકળી પીરસણે રે,

ચમકતા તકીયા ઘણા; ઝારી ને લોટડા રે,

માહે બેસણે બહુ વિવેક, દીસે ફુટડા રે,

બાવન ગજની થાળી, સોનાના વાડકા રે;

પીરસનારી પ્રમાણ, જમનારા લાડકા રે,

ખાંડ પકવાનના મેવા, અતિ ઘણા રે,

પુરણ ને દૂધપાક, સાકરીયા ચણા રે,

ગોટા તળિયાં તડબૂચા, આંબા સાખશું રે;

પિસ્તા ને અખરોટ, દાડમ દ્રાખશું રે;

તલ સાંકળી મોળા દહીંથરા, સેવ છુટી કળી રે;

ખોબલડે પીરસે ખાંડ, મરકી બેવડી રે,

ખાજા જલેબી દીસતી, દળીયાં મઘમધઘે રે,

ઘેબર ને મોતીચૂર, જમતા સહુ હસે રે,

મગદળ ને મેસુર, પેંડા લાવીઆ રે;

પકવાન બીજા અનેક લાકડશી ભાવીઆ રે,

બાટબંધ ટોપરાં, માંહે ખાંડ ભેળી રે;

ગવરીનાં તાવ્યાં ઘી, એવો ગળીયો રે,

સારો કર્યો કંસાર, પોળી પાતળી રે;

સાકરની મીઠાશ, આવી કચોળે ભરી રે,

જમવા બેઠી નાર, જાદવની બાપડી રે;

જમતાં કહો ભલી રે, લવિંગ સોપારી એલચી રે,

તેવે બનાવિયાં રે બીડલે બાસઠ પાન

સહુને આપિઅઆં રે.

સાજન હતું શ્રીકૃષ્ણનું, તે સર્વે જમયું રે,

જમીને સાજન સહુ મુકામે ગયું રે પ્રેમાનંદનાં નાથ, ત્યાં વહાણું થયું રે. 


કડવું-૮૭

શ્રીકૃષ્ણ અને પરિવારની પહેરામણી :

આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વળાવો.

મારા નવલા વેવાઈઓ રે.

રથ ઘોડા ને પામરીઓ, સહુ જાદવને આપો

મારા નવલા વેવાઈઓ.

જરકશી જામા, તમે કૃષ્ણને પહેરાવો.

મારા નવલા વેવાઈઓ

પંચ વસ્ત્ર ને શણગાર, તમે જમાત્રને આપો. મારા૦

દક્ષિણના ચીર, રાણી રુક્ષ્મણીને આપો. મારા૦

જરી મુગટ ને શાલ દુશાલ જાદવને તમે આપો મારા0

સાળુ ઘરચોળાનો ઘાડ ,ઘણેરાં સતી સત્યભામાને આપો.

મારા નવલા વેવાઈઓ ૦

વલણ પહેરામણી પૂરણ થઈ હૈડે હરખ ન માય રે

કન્યા તેડી કોડે કરી કૃષ્ણ દ્વારિકા જાય રે


કડવું-૮૮

ચિત્રલેખા ને ઓખા આભાર વ્યકત કરે છે :

ઓખા ચાલી ચાલણહાર, સૈયરો વળાયા સંચઈ;

ઓખા ઊભી રહે મળતી જા, માને વહાલી દીકરી.

કોઈ લાવે એકાવળ હાર, કોઈ લાવે સોનાનાં સાંકળાં;

કોઈ લાવે સોળ શણગાર, ઓખાબાઇને પહેરવા.

ઓખાજી વળતાં બોલિયાં, કહે બાઈ રે.

ચિત્રલેખા આવ ઓરી આવ્યાં ઘાઈ રે,

આ લે સોનાનાં સાંકળાં, બોલ્યાં બાઈ રે.

સોનાનાં સાંકળાંબોલ્યાં બાઈ રે

તારા ગુણ ઓશિંગણ થાઉ, બોલ્યાં બાઈ રે.

નિત નિત ગોમતી ને રણછોડ આવ્યા નાહીં રે

ત્યાં મુજને સંભારજો બાઈ રે

એટલે પહોંચ્યા મનના કોડ, લાવ્યાં લાહી રે.


કડવું-૮૯

સાસરિયે જવા ઓખા નીકળે છે :

ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે,

માનુની તો મળીને મંગળ ગાય રે. 

રથ અગ્રે પૈડે શ્રીફળ તે સિંચાય રે,

ઓખાબાઈને લાડુ કચોળુ અપાય રે.

ઓખાબાઈને શિખામણ દે છે માય.


કડવું-૯૦

સાસરીયે જતાં ઓખાને માતાની શિખામણ :

સાસરિયાના સાથમાં, તું ડાહી થાજે દીકરી,

હું તુજને શિખામણ દઉ, તે રખે જાતી વીસરી.

સાસરિયાના સાથમાં, હળવે હળવે ચાલીએ;

સાસરિયાના સાથમાં ખોળે ખાવું ના ઘાલીએ.

સાસરિયાના સાથમાં, કંથ સારુ માલીએ;

સાસરિયાના સાથમાં, સૈડકો આઘો તાણીએ.

સાસરિયાના સાથમાં, કૂવે વાત ન કીજીએ;

સાસરિયાના સાથમાં, પરપુરુષ આવતો હોય 

તો વાત કરતાં બીહીજીએ.

સાસરિયાના સાથમાં, સાસુને ગાળ ન દીજીએ,

સાસરિયાના સાથમાં, ઢુંકી પાણી નવ લીજીએ

સાસરિયાના સાથમાં, પરપુરુષથી હસી તાળી નવ લીજીએ રે.

પિયુજીને પરમેશ્વર જાણી, પગ ધોઈ પીજીએ.


કડવું-૯૧

જાન જતી વખતે ફટાણા ગવાવા :

આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે;

જેણે વગડે ચાર્યા ઢોર, લાખેણી૦

હાર્યો બાણાસુરરાય, કૃષ્ણરાય જીતિયા રે;

વેગે વહીને આવ્યા દ્વારિકાની માંય, કેશવરાય જીતિયા રે.

રાણી રુક્ષ્મણીએ વધાવીને લીધા, ત્રિકમરાય જીતિયા રે;

તે તો પુરાણે પ્રસિદ્ધ, ઢીંગલમલ જીતિયા રે.

તે તો ગોત્રજ આગળ જાય, કલ્યાણરાય જીતિયા રે;

બંનેના હાથ કંકણ મીંઢળ છોડાય, કલ્યાણરાય જીતિયા રે.


કડવું-૯૨

મીંઢણ છોડતા સમયે ઓખા અનિરુદ્ધ વચ્ચે શાબ્દિક યુધ્ધ :

તારા બાપનો બાપ તેડાવ, છોગાળા દોરડો નવ છૂટે રે;

તારો કૃષ્ણ વડવો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે રે.

તારી રૂક્ષ્મણી માત તેડાવ, છબીલા૦

તારો પ્રધુમન તાત તેડાવ, છબીલા૦

તારી રતુમતી માત તેડાવ, છબીલા૦

બ્રહ્માની વાળી ગાંઠ, તે કેમ છૂટી જાય છબીલા૦

તારો બળભદ્ર કાકો તેડાવ, છબીલા૦

તારી રેવંતી કાકી તેડાવ, છબીલા૦

અનિરુદ્ધ બાંધી ગાંઠ, છબીલા૦

દોરડો ઓખા છોડવા જાય, છબીલી દોરડો નવ છૂટે રે.

બેઠી ગાંઠ કેમ કરી કે છૂટી જાય હો લાડી.

તારો બાણાસુર તાત તેડાવ, હો લાડી. દોરડો નવ છૂટે રે

તારી પારવતી માત તેડાવ, હો લાડી.

તારો ગણપતિ ભ્રાત તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે રે.

તારી શુધ બુધ ભોજાઈ તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે રે.

તારી ચિત્રલેખા ચોર તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે રે.

ઓખા છોડે દોરડો ને જાદવ જુવતી ગાય, છબીલા દોરડો નવ છૂટે રે.૦

બેઠી ગાંઠ કેમ કરીને છુટે જાય, છબીલી દોરડો કેમ છુટે રે.


કડવું-૯૩

કથા સમાપ્તિ વેલાએ જય જય શ્રી રણછોડ બોલો :

રીતભાત પરિપૂરણ કરી, ઊઠ્યા કૃષ્ણ તનજી;

નવું રે મંદિર વસાવીને ત્યાં, આપ્યું રે ભુવનજી.

એકવાર શ્રીકૃષ્ણે ઓખાને, ખોળા માંહે બેસારીજી;

માંગવું હોય તે માંગી લેજે, તું છે વહુઅર અમારીજી.

મારા-બાપને એક દીકરો, તમો આપો રે ભગવાનજી;

ભગવાને આપ્યો દીકરો, તેનું ગયાસુર નામજી.

બાણાસુરનો ગયાસુર વંશ ધારણ હારજી;

કહી કથા ને સંદેહ ભાંગ્યો; પરીક્ષિત લાગ્યો પાયજી.

શુકજી અમને પાવન કીધા, સંભળાવ્યો મહિમાયજી;

આરાધું ઈષ્ટ ગુરૂદેવને, ગણપતિને લાગું પાયજી.

શ્રોતા-વક્તા સાંભળો કહે કવિ કરજોડજી;

ભાવ ધરી સહુ બોલજો, જય જય શ્રી રણછોડજી.


ઈતિશ્રી ભાગવત મહાપુરાણે દશમસ્કંધે

શ્રીશુકદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત ઓખાહરણ સંપૂર્ણ.


વાંચો ઓખાહરણ ભાગ 1 કડવા 1 થી 10

વાંચો ઓખાહરણ ભાગ 2 - કડવા 11 થી 20

વાંચો ઓખાહરણ ભાગ 3 કડવા 21 થી 30

વાંચો ઓખાહરણ ભાગ 4 - કડવા 31 થી 40

વાંચો ઓખાહરણ ભાગ 5 - કડવા 41 થી 50

વાંચો ઓખાહરણ ભાગ 6 - કડવા 51 થી 60

Post a Comment

0 Comments