ચૈત્ર માસમાં વાંચો ઓખાહરણ | ભાગ 7, કડવા 61 થી 70 | Okhaharan in gujarati pdf lyrics

કડવું-૬૧

અનિરુદ્ધ ઓખા વચ્ચે વાર્તાલાપ :

મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણદળ આવ્યું રે, જાદવજી:

દિસે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે. જાદવજી.

એવા બળીયા સાથે બાથ, નાથ કેમ ભીડો રે, જાદવજી;

સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હીંડો રે. જાદવજી.

એ દળ આવ્યું બલવંત, દિશે રીસે રાતા રે, જાદવજી;

એકલડા અસુરને મુખે, રખે તમે જાતા રે, જાદવજી.

ઓ ગજ આવે બલવંત, દંત કેમ સહેશો રે, જાદવજી;

અસુર અણૅવ વાધ્યા, તણાયા જાશો રે. જાદવજી.

એવું જાણીને ઓસરીએ, ન કરીએ ક્રોધ રે, જાદવજી;

એકલડાનો આશરો શાનો, માનો પ્રતિબોધ રે. જાદવજી.

ધીરા થાઓ ને, ધાઓ વઢો ફાંસુ રે, જાદવજી;

મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુ રે. જાદવજી.

મને દિવસલાગે છે ઝાંખો, ભોંગલ હેઠી નાખો રે, જાદવજી;

હું તમને સમજાવું આ વાર, વચન મારૂં રાખો રે. જાદવજી.

તમો મુજ દેહલડીના હંસ, મૂકોને જુધ્ધ રે, જાદવજી;

પાછા વળોજી લાગું પાય, માનો મારી બુધ્ધ રે. જાદવજી.

ઘેલી દિસે છે ગૃહિણી તરૂણી, આ શી ટેવ રે, સલુણી;

અમે બાણ થકી ઓસરશું, તો કરશું સેવ રે, રાણીજી.

આવ્યો બાણાસુર ભુપાળ, તેને હું મારું રે, સલુણી

હું છેદું હાથ હજાર, દળ સંહારું રે. રાણીજી.

અનિરુધ્ધ રણ થકી ઓસરે, તો લાજે શ્રીગોપાલ રે, સલુણી

અંત આપણો આવ્યો, હવે નાઠે આવે આળ રે, રાણીજી.

(વલણ)

નાઠે આવે આળ, નવ કીજીએ આવી વાત રે ;

પ્રેમાનંદ ઓખાબાઇએ, અનિરુધ્ધને કર્યો સાદ રે.


કડવું - ૬૨

અનિરુદ્ધ યુધ્ધ ન કરવા ઓખા વિનંતી કરે છે :

ઓખા કરતી કંથને સાદ રે, હો હઠીલા રાણા;

એ શા સારું ઉન્માદ, હો હઠીલા રાણા. ૧.

હું તો લાગું તમારે પાય, હો હઠીલા રાણા;

આવી બેસો માળિયા માંય, હો હઠીલા રાણા. ૨.

હું તો બાણને કરું પ્રણામ, હો હઠીલા રાણા;

છે કાલાવાલાનું કામ, હો હઠીલા રાણા. ૩.

એ તો બળીયા સાથે સાથ, હો હઠીલા રાણા;

તે તો જોઇને ભરીએ નાથ, હો હઠીલા રાણા. ૪.

એ તો તરવું છે સાગર તીર, હો હઠીલા રાણા;

બળે પામીએ ન પેલી તીર , હો હઠીલા રાણા. પ

મને થાય છે માન શુકન, હો હઠીલા રાણા;

મારું ફરકે છે જમણું લોચન, હો હઠીલા રાણા. ૬.

મારો મોતીનો તૂટ્યો હાર, હો હઠીલા રાણા;

ડાબે નેત્રે વહે જળ ધાર, હો હઠીલા રાણા. ૭.

દિસે ગમને ઝાંખો ભાણ, હો હઠીલા રાણા;

દિસે નગરી તો ઉજડ રાન, હો હઠીલા રાણા. ૮.

રુવે વાયસ ગાય ને શ્વાન, હો હઠીલા રાણા;

એવા માઠા થાય શુકન, હો હઠીલા રાણા. ૯.

હું ધ્રુજતી દેખું ધરણ, હો હઠીલા રાણા;

એ તો સાગરે શોણિત વરણ, હો હઠીલા રાણા. ૧૦.

આવ્યા અગણિત અસવાર, હો હઠીલા રાણા;

માહેમાંહે થાય છે હાહાકાર, હો હઠીલા રાણા. ૧૧.

ઓ દુંદુભી વાગ્યો ઘાય, હો હઠીલા રાણા;

એ તો સૈન્ય તમ પર ધાય, હો હઠીલા રાણા . ૧૨.

ઓ આવ્યું દળ વાદળ, હો હઠીલા રાણા;

ઓ ઝળકે ભાલાના ફળ, હો હઠીલા રાણા. ૧૩.

પાખર બખ્તર પહેયો ટોપ, હો હઠીલા રાણા;

દૈત્ય ભરાયા દિસે કોપ, હો હઠીલા રાણા. ૧૫.

ઓ વાગે ધુધરમાળ હો હઠીલા રાણા

અશ્વ દેતા આવે ફાળ હો હઠીલા રાણા૧૬.

નાથ જુઓ વિચારી મન, હો હઠીલા રાણા ;

જુધ્ધ રહેવા દો રાજન, હો હઠીલા રાણા. ૧૭.

જો લોપો મારી વાણ, હો હઠીલા રાણા;

તમને માતા પિતાની આણ, હો હઠીલા રાણા ૧૮.

આવ્યો બાણ તે પ્રલયકાળ, હો હઠીલા રાણા;

મેઘાડંબર છત્ર વિશા, હો હઠીલા રાણા. ૧૯.

(વલણ)

મેઘાડંબર છત્ર બિરાજે, ઊલટી નગરી બુધ રે;

અગણિત અસ્વાર આવિયા, તેણે વીંટી લીધો અનિરુધ્ધ રે. ૨૦.

કડવું-૬૩

અનિરુદ્ધ બાણાસુર વચ્ચે વાર્તાલાપ :

આવી સેન્યા અસુરની, અનિરુધ્ધ લીધો ઘેરી;

કામકુંવરને મધ્યે લાવી, વીંટી વળ્યો ચોફેરી.

અમર કહે શું નીપજશે, ઇચ્છા પરમેશ્વરી;

રિપુના દૈત્યના જુથ માંહે, અનિરુધ્ધ લઘુ કેસરી.

બાણરાયને શું કરૂં, જો ભોંગળ ધરી ફોગટ;

વેરી વાયસ કોટી મળ્યા, હવે કેમ જીવશે પોપટ.

બાણાસુરે સુભટ વાર્યા, નવ કરશો કો ઘાત;

વીંટો ચોદસ સહુ મળીને, હું પૂછું એને વાત.

માળિયેથી ઓખાબાઇએ, રુદન મૂક્યું છોડી;

પિતા પાસે જોધ્ધા સરવે, હાથ રહ્યા છે જોડી.

બલવંત દિસે અતિ ઘણું, સૈન્ય બિહામણી;

પવનવેગા પાખરીઆ તે, રહ્યા રે હણહણી.

આ દળ વાદળ કેમ સહેશો, ઓ સ્વામી સુકોમલ;

અરે દૈવ હવે શું થાશે, પ્રગટ કામનાં ફલ.

દેવના દીધેલ દૈત્ય મૂવા, તેને દયા નહિ લવલેશ

કાચી વયમાં નાથજીને, નથી આવ્યા મૂછ ને કેશ.

ચાર દિવસનું ચાંદરણું કર ચડી ગયું વહી;

આ જોધ્ધા પિયુને મારશે, દૌવડા જીવું નહિ.

અર્ભક તમારો એકલો, તેને વીંટી વળ્યા અસુર;

એવું જાણીને સહાય કરજો, ઓ શામળિયા સુર.

કષ્ટ નિવારણ કૃષ્ણજી, હું થઇ તમારી વહુ;

જો આંચ તમ આવશે પુત્રને, લજવાશે જાદવ સહુ

પ્રજાના પ્રતિપાળ છો, તમે પનોતા મોરારી;

સંભાળ સર્વની લીજીએ, નવ મૂકીએ વિસારી.

અમને તો પણ આશા તમારી, અમે તમારાં છોરું;

લાજ લાગશે વૃધ્ધને, કોઇ કહેશે કાળું ગોરું.

પક્ષી પલાણે પ્રભુજી, પુત્રની કરવા પક્ષ;

ભામિની ભગવાનને ભજતી, ભરથા છે રિપુ મધ્ય.

મુખ વક્ર નેત્ર બીહામણાં, મુખ મૂછો મોટી;

તેવા અસુર આવી મળ્યા, એક શંખ ને સપ્ત કોટી

દળ વાદળ સેના ઊલટી, મધ્યે આણ્યો અનિરુધ્ધ;

વીર વીંટ્યો વેરીએ, જેમ મક્ષિકાએ મધ.

ધનુષ્ય ચઢાવ્યાં પાંચસે, બહુ ચઢાવ્યાં બાણ;

ગાયે ગુણીજન ગુણ બહુ, ગડગડે નિશાન.

અનંગ અર્ભક એમ વીટીયો, તેમ શોભે છે ઇન્દુ ;

ઉપમાન ઉડુગણતાણી લલાટ પ્રસવેદના બિંદુ

લઘુ કુંજરની સૂંઢ સરખા, શોભે છે બે ભૂજ;

સરાન સરખી ભૃકુટી, નેત્ર બે અંબુજ.

તૃણ માત્ર ત્રેવડતો નથી, બાણનો જે બાહુ,

અનિરુધ્ધ અસુર એવા શોભે, જેમ ચંદ્રમાને રાહુ.

આવી જોયું વક્ર દ્રષ્ટે, કીધા તીવ્ર તાણી ચક્ષ ;

વપુ શોભાવે ભુજ ભાલાને, કેશ રૂપનું છે વૃક્ષ.

આ સમે કોવાડાને, અથવા ભોંગળની ધાર;

અરે ટાળું રિપુ સંસારનો, ઉતારૂં એનો ભાર.

શું વસ્યું બાણનુ દિલ છે એમાં વસો સવૅનો સાથ

કે પેટા માં પૂરવજ વસે છે, પીંડ લેવા કાઢે છે હાથ.

કાષ્ટના કે લાખના, એણે ઘડીને ચોડ્યા કર;

અથવા કોઇ પંખી દિસે છે, એણે વંખેર્યો છે પર.

ત્યારે હસવું આવ્યું બાણને, એ શું બોલે છે બાળ;

કૌભાંડ કહે સાંભળો, એ તમને દે છે ગાળ.

બળીસુત અંતર બળ્યો ને, ચૌદ લોકમાં તે બળવાન;

શું કરું જો લાંછન લાગે, નીકર વિધિએ દઉ કન્યાદાન.

સુભટ નિકટ રાય આવ્યો, બોલ્યો બહુ ગરવે;

નફટ લંપટ નથી લાજતો, વિંટ્યો હણવા સરવે.

કુળલજામણો કોણ છે, તસ્કરની પેઠે નિરલજ;

અપરાધ કરી કેમ ઉગરે, જેમ સિંહ આગળથી અજ.

અમથો આવી ચઢ્યો, કાંઇ કારણ સરખું ભાસે;

સાચું કહે જેમ શીશ રહે મુજ, મન રહે વિશ્વાસે;

કોણ કુળમાં અવતર્યો, કોણ માત તાતનું નામ;

અનિરુધ્ધ કહે વિવાહ કર્યો, હવે પૂછ્યાનું શું કામ ?

પિતૃ પિતામહ પ્રસિધ્ધ જે દ્વારિકા માં સંસાર;

છોડી છત્રપતિને વર્યો, હવે ચતુર મન વિચાર.

વૈષ્ણવ કુળમાં અવતર્યો, મારું નામ તે અનિરુધ્ધ;

જો છોડશો તો નક્કી બાંધી, નાખીશ સાગર મધ્ય.

બાણાસુર સામું જોઇને, કૌભાંડ વળતું ભાખે;

ચોરી કન્યા વર્યો તે, કોણ વૈષ્ણવ પાખે ?

પુત્ર જાણી કૃષ્ણનો, પછી બાણ ધસે છે કર;

નિશ્વે કન્યા વરી, મારું દવ બેઠું ઘર.

રીસે ડોકું ધુણાવીને, ધનુષ્ય કરમાં લીધું;

બાણાસુરે યુધ્ધ કરવાને, દળમાં દુંદુભી દીધું.

કડવું-૬૪

અનિરુધ્ધને બાણાસુરે બાણ વડે બાંઘ્યો :

આવ્યો રથે ભાથા ભરી,બાણાસુર વેગે કરી;

જોઘાને નવ માયે શૂર, ચઢી આવ્યું એમ સાગરપૂર. ૧.

વાજે પંચ શબ્દ રણતુર, મારી જોઘા કર્યા ચકચુર;

બાણાસુરનાં છૂટે બાણ, છાઇ લીધો આભલિયામાં ભાણ. ૨.

થયું કટક દળ ભેળાભેળ; જેમ કાપે કોવાડે કેળ;

આવ્યા એટલા ધરણી ઢળ્યા, તેમાં કોઇ પાછા નવ વળ્યા. ૩.

આવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી ચીસ;

બાણાસુર પર ભોંગળ પડી, ભાગ્યો રથ કડકડી. ૪.

રાયની ગઇ છે સુધ ને સાન, ભાંગ્યું કુંડળ છેદ્યા કાન,

પાછો લઇ ચાલ્યો પ્રધાન, ઘર જાતામાં આવી સાન. પ

પછી બોલે છે રાજન, સાંભળો મારા પ્રધાન;

હાય હમણાં ભોંગળ આવશે, જાણું છું જે જીવડો જશે. ૬.

પ્રધાન કહો કાં થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ;

મેલે તો થાય કલ્યાણ, આફણીએ બંધાશે પ્રાણ. ૭.

તે લઇ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળિયે સંચર્યો;

અનિરુધ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ. ૮.

શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું;

અનિરુધ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ. ૯.

આફરીએ બંધાઇ પડ્યો, ઉપરથી પરવત ગડગડ્યો;

લાતું ગડદા પાટું પડે, તે દેખી ઓખા રડે. ૧૦.

ત્યાંથી મનમાં વિચાર કર્યો, અનિરુધ્ધને લઇને સંચર્યો,

મારતા કુંવરને લઇ જાય, ઓખા રુએ માળિયા માંય. ૧૧.


કડવું-૬૫

ઓખાનો વિલાપ :

મધુરે ને સાદે રે રે રે હો, ઓખા રુવે માળિયે રે હો;

બાઇ મારા પિયુને લઇ જાય, સખી મારા થકી નવ ખમાય ,

હમણાં કહેશે રે હો, પિયુજીને મારીયારે. ૧.

બાઇ મારાં પેલાં તે ભવનાં પાપ, બાઇ મારો આવડો સો સંતાપ;

શે નથી મરતો પાપી બાપ, માથેથી ઊતરતી રે રે રે હો,

પડજો રાગા બાપ ને રે. ૨.

હારે મારા કંથની કોમળ કાય, એવા એવા માર તે કેમ ખમાય;

આ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડાપણ આવ્યું રે રે રે હો,

હો બાળપણા વેશમાં રે. ૩.

અનિરુધ્ધને કારાગ્રહ માં કેદ રાખ્યો :

ચિત્રલેખા કહે બાઇ શેની રડે છે, તારા કંથની નહિ થાય હાણ;

જઇને હું સમજાવું છું જે, નહિ લે તેના પ્રાણ. ૧.

ચિત્રલેખા આવી ઉભી રહી, જ્યાં પોતાનો તાત;

સાંભળો પિતા વિનંતિ, કહેશો સમજાવી આ વાત. ર૨.

એ છે મોટાનો છોકરો તે, તમે જોઇને છેદજો શીશ;

માથા ઉપર શત્રુ થાશે, હળદર ને જુગદીશ. ૩.

એને વડવે બળી પાતાળે ચાંપ્યો, એવા જે એનાં કામ,

વગર વિચારે મારશો તો, ખોશો ઘર ને ગામ. ૪.

પ્રધાને જઇ કહ્યું, જ્યાં બાણાસુર ભૂપાળ;

રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ. ૫.

પરણી કન્યા કોઇ પરણે નહિ, માથે રહેશે આળ;

લોકમાં કહેશે જમાઇ માર્યો, એવી દેશે ગાળ. ૬.

માટે ઘાલો કારાગ્રહમાં, હાથે ન કીજીએ ઘાત;

એકલે દસ લાખ માર્યા, તે મોટી કીધી વાત. ૭.

પુરો વજૂની કોટડીમાં, બેસાડ્યો એ તન;

સાપ એને વીંટીઓ ને કરો ફરતી અગન. ૮.

તે પૂંકે જળની ખાઇઓ ખોદી, મેલો બહુ રખવાળ;

સરપ કેરા ઝેરથી,પ્રજળશે એ બાળ. ૯.

અનિરુધ્ધને બંધન કરીને, વિંટ્યા બહુ સરપ;

કામકુંવરને બાંધીઓ, ગાજીઓ તે નૃપ. ૧૦.

(વલણ)

નૃપ ગાજ્યો મેઘની પેરે, ઊતરાવી ઓખાય રે;

અનિરુધ્ધને બંધન કરી, બાણાસુર મંદિરમાં લઇ જાય રે. ૧૧.

કડવું-૬૬

બાણે બંન્નેને બાંધિયાં, નૌતમ નર ને નાર;

અનિરુધ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર.

બાણે બંનેને બાંધિયાં૦ ૧.

ચૌટામાં ચોર જણાવિયો, ઢાંક્યો વ્યભિચાર;

ઓખા છાની મંદિરે મોકલી, રાખ્યો કુળનો તે ભાર. ૨.

લક્ષણવંતો હીંડે લહેકાતો, બહેકાતો બહુ ;

વાસાદૈત્યનું દળ તે પુંઠે પળે, ઘેરી હીંડે છે દાસ. ૩.

એક પેચ છૂટ્યો પાઘડી તણો, તે આવ્યો પાગ પ્રમાણ;

ચોરે તે મોર જ મારીઓ, તેનાં લોક કરે વખાણ. ૪.

ઓખા ફરીને પરણશે, તો ભૂલશે તે નિરઘાર ;

તે સ્વામીથી શું સુખ પામશે, લીધું અમૃત સાર. પ

કો કહે એમ દવત દીસે ખરૂં, રૂપવંતો રસાળ;

કટાક્ષમાં કામની મોહી પડે, એવી માથા મોહજાળ ૬.

તેની ભૂલવણી ભ્રકુટી તણી, ભૂલી પડી તે નાર;

કુવારી કન્યાને કામણ કરે, સંતાડો સર્વ કુમાર. ૭.

સખી પ્રત્યે સખી ઓચરી, દેખી અંગ ઉમેદ;

બાંધ્યો જૂવે છે આપણી ભણી, એવી એની શી ટેવ. ૮.

ચાર માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ;

માળિયે સુખ પામ્યો ઘણું, પછી લાગ્યો લોક અપવાદ. ૯.

(વલણ)

લાગ્યો લોક અપવાદ પણ, પામ્યો દેવ કન્યાય રે;

પછી બાણાસુરે અનિરુધ્ધને, રાખ્યો ઓખાના ઘરમાંય રે. ૧૦.


કડવું-૬૭

અનિરુદ્ધ ઓખા વચ્ચે વાર્તાલાપ :

શુકદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતજી;

કૃષ્ણકુંવરને બાંધી રાખ્યો, ઓખાના ઘરમાંયજી (૧)

નાનાં વિધનાં બંધન કીધાં, કાઢી ન શકે શ્વાસજી;

એક એકના મુખ દેખી, દામણાં દેખી થાય છે ઉદાસજી (૨)

બાણમતી બાણાસુરની રાણી, જળ ભરે છે ચક્ષજી;

પુત્રી જમાઈને ભૂખ્યા જાણી, છાનું મોકલેં ભક્ષજી (3૩)

કષ્ટ દેખી નાથનું ઓખા, નયણે ભરે છે નીરજી;

અનિરુદ્ધ આપમેળે કરીને, ઓખાને દે છે ધીરજી. (૪)

આદરું તો અસુર કુળને, ત્રેવડું તૃણમાત્રજી;

શોભા રાખવા સ્વસુરની તો, હું બંધાયો છું ગાત્રજી. (૫)

મરડીને ઊઠું તો શીઘ્ર છુટું, દળું દાનવ જુથજી;

શું કરું જો સ્વસુર પક્ષમાં, રાખવું છે સુખજી. (૬)

આકાશ અવનિ એક થાશે, એવા નિપજશે અંધજી;

અગ્નિ કેરી જ્વાળા ધુમ્રથી, અસુર થાશે અંધજી (૭)

સદાય થાશે બળરામ સબળ, સઘળા છુટશે બંધજી;

કૃષ્ણ આવી બાણાસુરનાં, છેદશે સઘળાં સ્કંધજી (૮)

મારા સમ જો સુંદરી તમો, ઝાંખો કરો મુખચંદ્રજી;

બંધનથી દુ:ખ દે છે ઘણું, તારી આંખનાં અશ્રુ બુંદજી (૯)

એમ આસનાવાસના કરીને, રાખ્યું ઓખાનું મનજી;

ત્યાર પછી ત્યા શું થયું, તમે સાંભળો રાજનજી (૧૦)

પછી ભવાનીનું સ્મરણ કરીને, બાળક લાગ્યો પાયજી,

ભગવતી ભવતારણી, આવી કરજે સહાયજી (૧૧)

અનિરુદ્ધ દ્રારા માતાજી નું સ્મરણ નારદજી દ્રારા આશ્ર્વાસન :

મા તું બ્રહ્માણી, તું ઇન્દ્રાણી, તું કૃષ્ણા;

સ્થાવર જંગમ તું સચરાચર, મૃગ ઉપર જેમ તૃષ્ણા. (૧)

દૈત્યને પાતાળ ચાંપ્યો, રક્તબીજ રણ રોળ્યા;

શુભ નિશુંભ મહિષાસુર માર્યો, ચંડમુંડ ઢંઢોળ્યો. (૨)

ધુપ્રલોચનને હાથે હણિયો, મધુકૈટભ તે માર્યા;

અનેક રૂપ ધર્યા તે અંબા, સુરિનર પાર ઊતાર્યા. (૩)

ઓ હિંગળાજ હિંગોળી માતા, કોંઇલાપુર તે કાળી;

આદિ ઇથશ્વરી તું છે અંબા, શંખલપુર બહુચર બાળી (૪)

નગરકોટની તું સીધવાઇ, બગલામુખી લાગું પાય;

રાણી રૂડી ઊંટવાળી માત, બીરાજતી દક્ષિણ માંય (૫)

અન્નપુરણા ભૈરવી ત્રિપુરા, રેણુકા છત્રસંગી;

રાજેશ્વરી ચામુંડા માતા, દુ:ખહરણી માતંગી. (૬)

એવી રીતે સ્મરણ કીધું, તતક્ષણ ભવાની આવી;

અનિરુધ્ધને માયે કહ્યું, તેં બાળક કેમ બોલાવી ? (૭)

અનિરુધ્ધ કહે સાંભળો માતા, મારું દુ:ખ કહ્યું નવ જાય;

સરપ કેરા ઝેરથી, મારી ઘણી બળે છે કાય. (૮)

ભવાનીએ પ્રસન્ન થઈને, ઝેર કર્યું સરવે નાશ;

પછી અંતરધ્યાન થયા માત, બાળકની પહોંચી આશ. (૯)

એવામાં ત્યાં નારદ આવ્યા, બ્રહ્માના કુમાર;

જુએ તો કારાગ્રહમાં અનિરુધ્ધ, વરસે છે જળાધાર. (10)

નારદ કહે અનિરુધ્ધને, મારું સંકટ કાપો;

રૂડી વહુ તમે પરણ્યા માટે, મુજને દક્ષિણા આપો. (૧૧)

તમને દક્ષિણાની પડી ને, જાય છે મારા પ્રાણ;

શરીર ધ્રુજે અતી ઘણું ને, બોલી ન શકે વાણ (૧૨)

શીદ બીહે પરાક્રમી તું, બોલ્ય મુજ સંગાથ;

બાણાસુરની વર્યો પુત્રી તે, થઈ પૃથ્વીમાં પ્રખ્યાત (૧૩)

દિપાવ્યો વંશ વાસુદેવનો, બંધાએ લાંછન શુંય;

કાલે માધવને મોકલું, દ્વારકામાં જાઉ છું હુંય. (૧૪)

ઉંડળમાં તેં આભ ઘાલ્યું, અંતર માં શે ન ફુલે?

ઘોડે ચડે તે પડે પૃથ્વી પરે, ભણે તે નર ભૂલે (૧૫)

વલણ-અંતર શે ન ફુલ્યો જોધ્ધા, મુકાવશે ભગવાન રે,

અનિરુધ્ધની આજ્ઞા લઈ, ત્રષિ થયા અંતરધ્યાન રે (૧૬)

કડવું-૬૮

અનિરુધ્ધ દ્રારા શામળિયાનુ સ્મરણ :

દયા ન આવે દૈત્યપતિને, મહાબળિયા દુરમત્યજી,

બાકરી બાંધી દ્વીજવર સાથે, વેર વધાર્યું સત્યજી.  (૧)

પાતળિયા પંકજ મુખ પિયુજીને, નાગપાશના બંધજી,

બાંધી લીધો બળે કરીને, કોમળ રૂપે કંથજી. (ર)

ધાજોરે રણધીર શ્રીધર, આપદા પામે નાથજી,

પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે, દૈત્યનો સાથજી.  (૩)

ભારે દળ કોભાંડે મેલ્યું, વકાર્યો બળિયો વીરજી,

તોય રણથી નવ ઓસરીઓ, સાગરનું જેમ નીરજી. (૪)

ભેદ કરીને બાંધી લીધો, નાગપાશના બંધજી,

શ્વાસ ન માયે બહુ અકળાએ, સળગે આખું અંગજી (૫)

તાપ સંખાય નહિ સ્વામીને, કરું દેહનો પાતજી,

વાર લાગે લક્ષ્મીવર તમનો, તો થશે મહા ઉત્પાતજી. (૬)

કોમળ મુખ શ્રમથી સુકાયું, કન્યા કરે આક્રંદજી,

અનિરુધ્ધ સમરે શામળિયાને, કમળાવર ગોવિદજી. (૭)

ત્રાહે ત્રાહે રે ત્રિકમજી, સુતની કરજો સહાયજી,

વિપદ વેળા વારે ચડીને, કરો ભક્તની રક્ષાયજી. (૮)

ગજ ગ્રાહથી મુક્ત પમાડયો, કીધી હરિશ્ચંદ્ર રક્ષાયજી,

દાનવ કુળ નિકંદન કીધાં, પ્રહલાદજીની સહાયજી. (૯)

આજ આંખેથી આંસુડાં ચાલે, જાશે મારા પ્રાણજી,

સુખ શરીર શાતા નહિ અંગે, લાગ્યો દવ નિરવાણજી. (૧૦)

મનસા વાચાએ વર વર્યો, અવર તે મિથ્યા જાણજી,

રૂપે અને ગુણવંતો સ્વામી, સત્ય કહું છું વાણજી. (૧૧)

તાત કઠોર દયા નહિ હૃદિયે, કોમળ મારો કંથજી,

પ્રહાર કરીને બાંધી લીધા, શ્રીહરિ વેગળે પંથજી (૧૨)

કોણ સહોદર આવે અવસર, શોધ કરવાને જાયજી;

તાત ભ્રાતને જાણ નહિ, ને કોણ ઊઠીને ધાયજી. (૧૩)

પિતા પિયુજીને વેરી રે દેખે, દુઃખ દે છે બહુ પેરજી,

નાગ તણા ના ફુંફાડા હળાહળ, ફેરવી નાખે લ્હેરજી. (૧૪)

હળાહળ અંગ અગ્નિ ઊઠ્યો, કંઠે પડ્યો શોષજી;

પૂર્વ તણાં કર્મ આવી નડિયાં, કોને દિજે દોષજી. (૧૫)

પતિપીડાએ કાયા રે પાડું, વિખ ખાઉ આ વારજી;

સ્નેહ ન જાણે રે કોઇ મનનો, સહુ પીડે ભરથારજી. (૧૬)

તાત તણે મન કાંઇ નહિ, મુને સબળો લાગે સ્નેહજી;

છોરું પોતાનાં જાણી કીજે, દયાળ ન દીજે છેહજી. (૧૭)

બાણાસુસ મહા-પુરુષ જ્ઞાતા, જેથી ચૂક ન થાયજી;

બાળક ઉપર હાથ શો કરવો, જદપિહોય અન્યાયજી. (૧૮)

વહાલાં થઈને વેર જ વાળો, શું નથી આવતી લાજજી;

નીચ પદારથ નથી કુળ નીચું, કૃષ્ણ કુંવર મહારાજજી.  (૧૯)

નીચું નાક ન હોય એથી, નિરર્થક શો સંગ્રામજી;

મોટા સાથે વિરોધ ન કરીએ, નહિ નિર્બળ હરધર શામજી.  (૨૦)

સકળ પૃથ્વી ચાક ચઢાવી, અસુરનો ફેડ્યો ઠામજી;

વૈર વધારી વિઠ્ઠલ સાથે, ક્યાં કરશો સંગ્રામજી ? (૨૧)

સ્વામી મારાને શિર સમરથ તેમને ચઢશે કોપજી

સારું ઈચ્છો જો તાત મારા વિષનું બીજ ના રોપ્યજી

જુદ્ધ સમે આકાશે રહીને, જોતા તા નારદ દેવજી;

ભયના આણીશ અમે જાશું દ્વારામતી, જુદ્ધ કરશું તતખેવજી.  (૨૨)

નિર્ભય કરી વીણાધર ગયા, પરવરીયા આકાશજી;

વીણા વાતા જાયે નારદ આવ્યાં દ્વારકાં પાસ જી દાય ન આવે (૨૩)

(વલણ)

સંસયૅ નારદ ત્યાંથી થકી દ્વારકાંમાં જાય રે

ભટ્ટ પ્રેમાનંદ કહે કથા સાંભળજો શ્રોતાય રે.


કડવું-૬૯

દ્રારિકામાં નારદજી શ્રીકૃષ્ણ વચ્ચે વાર્તાલાપ :

શુકદેવ કહે છે પરીક્ષિતને, બાંધ્યો ત્યાં જાદવજી;

હવે દ્વારિકાની કહું કથા, જાદવ કરે શોધાશોધજી. (૧)

હિંડોળા સહિત કુંવર હરિયો, છોડી ગયું કોઇ દોરીજુ

હાહાકાર થયો પુર મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી.(૨)

રતિ અતિ આક્રંદ કરે છે, મળ્યું તે વનિતાનું વૃંદજી

રુકમણિ, રોહિણી, દેવકી, સરવે કરે આક્રંદજી. (૩)

જાદવ કહે છે માધવને, બેઠા છો સ્વામીજી;

વિચાર કરી વિલંબ ન કીજે, કુળને આવી લાગી ખામીજી. (૪)

વસુદેવ કહે શામળાને, શું બેઠા છો ભૂપજી;

વિચારી શકે જળમાં બુડ્યો, ક્યાં ગયો કુંવર અનુપજ (પ)

ઉગ્રસેન કહે અચરજ મોટું; કોણે હર્યો હિડોળોજી;

દેવ દૈત્ય રાક્ષસનું કારણ, તે ખપ કરીને ખોળોજી.(૬)

સાથને જદુનાથ કહે છે, ભાઇ શાને કરો છો શ્રમજુ

ગોત્રદેવીનું ગમતું થાશે, કુંવર હરાયાનું કર્મજી. (૭)

અગિયાર વરસ ગોકુળ સેવ્યું, મામાજીને ત્રાસેજી;

પ્રધ્યુમને શંખ હરી ગયો, આવ્યો સોળમે વરસેજી.(૮)

તેમ અનિરુદ્ધ આવશે, સાચવશે કુળદેવજી;

કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું, આશા દીધી એથીજી. (૯)

પાંચ માસ વહીં ગયા ને, જાદવ છે મહાદુ:ખીજી;

શોણિતપુરથી કૃષ્ણસભામાં, આવ્યા નારદત્રકષિજી. (૧૦)

હરિ આદિ જાદવ થયા ઊભા, માન મુનિને દીધુંજી

આનંદે આસન આપ્યું છે, ભાવે પૂજન કીધુંજી. (૧૧)

નારદની પૂજા કરીને, હરિએ કર્યા પ્રણામજી,

કહો મુનિવર ક્યાંથી પધાર્યા, અમ સરખું કાંઇ કામજી ? (૧૨)

કરજોડી નારદ કહે છે, સાંભળો જગજી વવનજી;

પુત્ર તમારા સર્વેનું મારે, કરવું છે દરશનજી (૧૩) 

મારા જોતાં પુત્ર સરવેને, સાથેથી તેડાવોજી;

એક લાખને એકસઠ હજાર, એ સૌ આગળ આવેજી (૧૪)

સર્વે પુત્ર સામું જોઇને, પૂછે છે નારદ મુનિજી;

આટલામાં નથી દીસતો, પ્રધુમનનો તનજી (૧૫)

ભગવાન કહે છે નારદજીને, કાંઇ તમે જાણો છો ભાળજી;

ઘરમાંથી જતો રહ્યો છે, પધ્યુમનનો બાળજી (૧૬)

નારદ કહે છે હું શું જાણું, તમો રહો છો સાગર બેટજી

જેણે ઝાઝા દીકરા, તેને દૈવની વેઠજી. (૧૭)

ત્યારે ભગવાન કહે છે નારદને, પુત્ર વિના કેમ રહેવાશેજી;

ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં, આવશે એવું કહેવાશેજી (૧૮)

પછી આસન વાળી દીધી તાળી, નાક ઝાલ્યું મનજી;

વેઢા ગણીને નારદ કહે છે, સાંભળો જુગજી વનજી (૧૯)

તમારા પુત્રનું એક નારીએ, કર્યું છે હરણજી:

ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે, તે તો પામે મરણજી (૨૦)

નારદ કહે છે તમે સુણો શામળા, સંભળાવું એક વાતજી;

મારી એવી પ્રતિજ્ઞા છે, જૂઠું ન બોલું જાતજી (૨૧).

શોણિતપુર એક નગર છે, તેમાં બાણાસુરનું રાજજી;

પ્રસંગે હું ત્યાં ગયો 'તો, મારે કોઇ કાજજી. (૨૨).

રાજા બાણની પુત્રી ઓખા, તેને હવું સ્વપ્નજી;

અનિરૂદ્ધ સહેજે વરી ગયો, તેનું વિહ્નળ થયું છે મનજી (૨૩).

ચિત્રલેખા ચતુર નારી, વિધાત્રીનો અવતારજી;

તે આવી દ્વારકામાં પછી મન કર્યો વિચારજી. (૨૪)

કઠણ કામ કરવું છે મારે, નહિ એકલાનું કામજી;

મારું તેણે ધ્યાન ધરિયું, હું આવ્યો તેણે ઠામજી (ર૫)

મેં તો તામસી વિધ્યા ભણાવી, તે ઊઘ્યું બધું ગામજી:

અનિરૂદ્ધને લઈ તે ગઈ ને, ઓખાનું થયું કામજી (૨૬).

કઈ પેરે તે લઈ જાયે, એમ બોલ્યા શ્રી જગદીશજી,

ચક્ર મારું ઊઘે નહિ ને, છેદી નાંખે શીષજી. (૨૭)

ચક્રનો વાંક નથી ને એ, નિસરીયું' હતું ફરવાજી;

અમ સરખા સાધુ મળ્યા તેણે, બેસાડ્યું વાતો કરવાજુ (૨૮)

ભગવાન કહે છે શાબાશ નારદિયા, એવા તારા કામજી;

માથા ઉપર ઊભા રહીને, ભલું મરાવ્યું ધામજી (૨૯).

નારદ કહે છે કૃષ્ણને, મેં નથી કર્યો અન્યાયજી;

જોયા પછી તમે જાણજો, ઘણી ફૂટડી છે કન્યાયજી (૩૦).

ભલી રે કન્યા ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી

હવડાં મારા પુત્રના ત્યાં, શા છે સમાચારજી (૩૧).

મહારાજ જણે ભોગવી છે, બાણાસુરની બાળ જી,

દસલાખ દૈત્યોનો એકી વારે, પુત્રે આણ્યો કાળજી (૩૨)

શિવનો વર સાચો કરીને, ગયો અસુરને હાથજી;

હમણાં તમારા પુત્રની, ઘણી દુ:ખની છે વાતજી (૩૩).

ઊંધે મસ્તક બાંધીઓ, તળે લગાડ્યો અગનિજી,

લીલા વાંસનો માર પડે છે, ભાગ્ય હશે તો જીવશે તનજી (34). 

વાત સાંભળી વધમણીની, વગદ્ય નિશાનજી;

શામળા તત્પર થાઓ હવે, જિતવો છે બાણજી (35 )

તે માટે તમને કહું, વિઠ્ઠલજી વહેલા ધાઓજી;

જો પુત્રનો ખપ કરો તો, શોણિતપુરમાં જાઓજી (36). 

કડવું-૭૦

અનિરુદ્ધની સહાયે શ્રીકૃષ્ણ શોણિતપુર જાય છે :

કમળા તો કલ્પાંત કરે છે, હૈડે તે ઊઠી જવાળા જો;

મારો કુંવર કારાગ્રહમાં બાંધીઓ રે,

મારાને પાઘડી બાંધતાં ન આવડે રે;

મારો અનિરુધ્ધ નાનેરું બાળ જો. મારો કુંવર૦ ટેક. (૧.)

રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવિયા રે, તમો સાંભળો દીનાનાથ જો;

મારો બાળક અસુર ઘેર બાંધિયો રે, તે તો કહી

નારદજીએ વાત જો. મારો૦ (૨)

અનિરૂદ્ધ બોલી નથી જાણ તો રે, 

તે તો શું જાણે જુધ્ધ કેરી વાત જો;

હિંડતાં ચાલતાં અથડાઇ પડે રે, 

અનિરુધ્ધ નાનેરું બાળ જો. મારો૦ (૩).

મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, 

નથી સહ્યો અધ્યારુનો માર જો;

પ્રભુએ અમને પુરુષ ન સરજાવ્યા રે, 

તો સૌ પહેલાં વઢવા જાત જો. મારો૦ (૪).

ત્યારે શ્રીકૃષ્ણે ગરુડ તેડાવિયો રે,

 તે તો આવિઓ તત્કાળ જો;

ભગવાન કહે છે ગરુડને રે, 

તમો કેટલો સહેશો ભાર જો. મારો૦ (૫).

તમો છપ્પન કોટી જાદવ જેટલા રે, 

તે તો સરવે થાઓ અસવાર જો;

તમે સાંભળો કૃષ્ણ કોડારે, 

તો એ મુજને ન આવે આંચ જો (૬).

છયાશી જોજન મારી પંખના રે, 

ત્રણ જોજનની મારી ચાંચ જો, મારો૦ (૭).

પછી ગરુડે ચઢીને ગોવિંદ પરવર્યા રે,

 ત્યારે ગડગડીઆં નિશાન જો;

પંખના વાગી જ્યારે ગરુડની રે 

ત્યારે નાસી ગયા સારંગપાણ જો (૮).

શ્રીકૃષ્ણ વાડીમાં ઉતર્યા, 

તેનાં કોણ કરે રે વખાણ જો મારો. (૯).

(વલણ)

કૃષ્ણ વાડીમાં ઊતર્યા, માગ્યું રાયનું વન રે,

ગરુડને આજ્ઞા આપી, મૂકાવી લાવો તન રે. (૧૦)

વાંચો ઓખાહરણ ભાગ 1 કડવા 1 થી 10

વાંચો ઓખાહરણ ભાગ 2 - કડવા 11 થી 20

વાંચો ઓખાહરણ ભાગ 3 કડવા 21 થી 30

વાંચો ઓખાહરણ ભાગ 4 - કડવા 31 થી 40

વાંચો ઓખાહરણ ભાગ 5 - કડવા 41 થી 50

વાંચો ઓખાહરણ ભાગ 6 - કડવા 51 થી 60

Post a Comment

0 Comments