એક ગામમાં એક ડોશીમા તેમના સાત દીકરા અને તેમની સાત વહુઓ સાથે રહેતા હતા. મોટી છ વહુઓ સમૃદ્ધ પિયરથી આવેલી હતી, જ્યારે સૌથી નાની વહુને પિયરમાં કોઈ નહોતું. આથી, અન્ય વહુઓ અને સાસુ તેને હંમેશા "ન બાપી, ન પીરી" કહીને મહેણાં મારતા. તે બિચારી ચૂપચાપ બધું સહન કરતી અને ઘરનું બધું કામકાજ સંભાળતી, છતાં તેને પૂરતું ખાવા પણ ન મળતું.
એક વખત શ્રાદ્ધના દિવસોમાં ઘરમાં ખીર બનાવવામાં આવી. છ વહુઓ અને સાસુએ પેટ ભરીને ખીર ખાધી, પરંતુ નાની વહુના ભાગે કંઈ ન આવ્યું. તેને દિવસો જઈ રહ્યા હોવાથી ખીર ખાવાની તીવ્ર ઈચ્છા થઈ. તે કામ પતાવીને ખાવા બેઠી, ત્યાં જ સાસુએ બૂમ પાડી, "અલી, ન પીરી, ઊભી કેમ છે? આ એઠું બધું સાફ કરી નાખ અને વાસણ માંજી નાખ." નાની વહુએ જોયું તો ખીરનું તપેલું ખાલી હતું. તેની આંખોમાં આંસુ છલકાઈ ગયા. ભૂખ્યા પેટે તે એઠા વાસણો લઈને નદીએ ગઈ.
નદી કિનારે વાસણો ઉટકતી વખતે તેણે જોયું કે એક વાટકીમાં કોઈની એઠી ખીર પડી છે. આ જોઈને તે ખૂબ ખુશ થઈ ગઈ. તેણે તે વાટકીને એક ઝાડ નીચે મૂકી અને વિચાર્યું કે વાસણ ધોઈને હું આ ખીર ખાઈશ. પછી તે નદીમાં નાહવા ગઈ. જ્યારે તે નાહીને પાછી ફરી, તો જોયું કે વાટકી ખાલી હતી. તે ઝાડ નીચે એક રાફડો હતો અને તેમાંથી એક નાગણ આવીને ખીર ખાઈ ગઈ હતી. નાગણને લાગ્યું કે આ સ્ત્રી મને ગાળો દેશે. પરંતુ નાની વહુએ ગુસ્સે થવાને બદલે કહ્યું, "હશે કોઈ મારા જેવી દુખિયારી, ભલે ખાઈ ગઈ. મારું પેટ ઠરે તેમ તેનું પેટ ઠરજો." નાગણી આશીર્વાદ સાંભળીને અત્યંત પ્રસન્ન થઈ. તે રાફડામાંથી બહાર આવી અને બોલી, "દીકરી, મને ખૂબ ભૂખ લાગી હતી, એટલે હું તારા ભાગની ખીર ખાઈ ગઈ. બોલ, તને શું દુઃખ છે અને તેના બદલામાં તારે શું જોઈએ છે?"
નાની વહુએ રડતા રડતા નાગણ માતાને પોતાની બધી વ્યથા કહી. "હે માં, મારા પિયરમાં કોઈ નથી, એટલે બધા મને મહેણાં મારે છે. મને ખાવા પણ પૂરતું મળતું નથી. મારો ખોળો ભરવાનો છે, પણ મારો કોઈ ભાઈ નથી. હું કોને ખોળો ભરવા બોલાવું?" નાગણીને તેના પર દયા આવી. તેણે નાની વહુને શાંત પાડતા કહ્યું, "બેટા, તું રડીશ નહીં. જ્યારે તારો ખોળો ભરવાનો થાય, ત્યારે આ રાફડા પાસે કંકોત્રી મૂકીને જજે."
થોડા દિવસો પછી ખોળો ભરવાનો દિવસ આવ્યો. છ જેઠાણીઓ ફરીથી મહેણાં મારવા લાગી. નાની વહુએ તો ચૂપચાપ એક કંકોત્રી લઈને નાગણના રાફડા પાસે મૂકી દીધી. ખોળો ભરવાના દિવસે સાસુએ મોટી વહુઓને કહ્યું, "ઝટપટ લાપસીના આંધણ મૂકો. હમણાં નાની વહુના પિયરિયાવાળા આવશે, પોટલા ભરીને કપડાં અને ઘરેણાં લાવશે." ત્યાં જ ઘૂઘરમાળનો અવાજ સંભળાયો અને સાત ગાડાં આવતા જોયા. પાછળ સોનાની પેટીઓ ઉપાડીને માણસો આવી રહ્યા હતા. સાસુ અને જેઠાણીઓની આંખો ફાટી ગઈ. ગાડામાંથી નાગદેવતા, નાગણ અને નાગકુમારો ઉતર્યા. સાસુએ દૂધના દેગડા ચૂલે ચડાવ્યા, પણ નાગણીએ કહ્યું, "અમને દૂધ સિવાય બીજું કંઈ જ નહીં ચાલે."
નાગકુટુંબે દૂધ પીધું અને પછી નાની વહુનો ખોળો ભર્યો. સોના-રૂપાની ભેટો આપી અને હીરા-માણેકથી પગલાં ભર્યા. બહેનને કિંમતી વસ્ત્રો ઓઢાડ્યા. ખોળો ભરાયા પછી નાગણી બોલી, "બેવાણ, દીકરીને હવે વિદાય આપો. સુવાવડ પછી સવા મહિને અમે જાતે તેને મૂકવા આવીશું." સાસુ તો આવો વૈભવ જોઈને હેબતાઈ ગયા. તેમણે નાની વહુને નાગકુટુંબ સાથે વળાવી. તેઓ રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે નાની વહુને કહ્યું, "દીકરી, તું ડરીશ નહીં, તું અમારી પાછળ પાછળ ચાલી આવ." નાની વહુ રાફડામાં પ્રવેશી અને અંદર એક વિશાળ ભોંયરું અને સુંદર રાજમહેલ જોયો. નાગણે તેને સુખ-સાહ્યબીમાં રાખી અને કહ્યું, "તારે ફક્ત એક જ કામ કરવાનું, સવાર-બપોર-સાંજ રૂપાની ઘંટડી વગાડીને નાગકુંવરોને દૂધ પાઈ દેવાનું."
સમય જતાં નાની વહુને દેવ જેવો દીકરો આવ્યો. એક દિવસ તે દૂધની દેગડી ચૂલેથી ઉતારીને બહાર ગઈ. છોકરાના હાથમાં ઘંટડી આવી ગઈ. તેણે ઘંટડી વગાડતા જ નાગકુમારો દૂધ પીવા દોડી આવ્યા. છોકરો ડરી ગયો અને ઘંટડી તેના હાથમાંથી પડી જતાં બે નાગકુમારોના પૂંછડા કપાઈ ગયા. બીજા ગરમ દૂધથી દાઝ્યા. નાની વહુ દોડી આવી અને તેને અપાર દુઃખ થયું. નાગ-નાગણીએ કુંવરોને શાંત પાડ્યા, પણ તેમના મનમાં વેર રહી ગયું.
સમય થતાં નાગણી માતાએ નાની વહુને મનપસંદ ચીજવસ્તુઓ અને સોનાનો ચૂડો આપીને સાસરે વળાવી. તેમણે કહ્યું, "દીકરી, જ્યારે પણ તને દુઃખ પડે, ત્યારે આ ઘરને તારું પિયર સમજીને અહીં ચાલી આવજે." નાની વહુ સાસરે આવી, ત્યારે સાસુનું હૈયું હેતથી ઉભરાઈ ગયું.
પેલા નાગકુમારોએ વિચાર્યું કે માતાએ બાળકને કરડવાની ના કહી છે, પણ આપણે તેના સાસરે જઈને તો તેને કરડી શકીએ. આમ વિચારીને તેઓ નાની વહુના સાસરે પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા. નાની વહુ પાણીનું બેડું ભરીને આવી અને ઉંબરે ઠેસ વાગતા બોલી, "ખમ્મા મારા બાંડિયા-બુછિયા વીરોને!" આ સાંભળીને નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેનને આપણા પ્રત્યે હજી કેટલો પ્રેમ છે! બીજા દિવસે વાવના પગથિયે પણ ઠેસ વાગતા તે ફરીથી બોલી, "ખમ્મા મારા બાંડિયા-બુછિયા વીરને!" બહેનનો આટલો બધો પ્રેમ જોઈને તેમનો કરડવાનો વિચાર માંડી વાળ્યો અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા.
એક દિવસ મોટી વહુની દૂધની તાંબળી છોકરાએ ઢોળી નાખી. તે ગુસ્સે થઈને બોલી, "અમારા ગરીબનું દૂધ કેમ ઢોળી નાખો છો? તમે તો મોટા પિયરના છો, કાલે ગાયો લાવીને બાંધશો, પણ અમે શું કરીશું?" આ સાંભળીને નાની વહુને ખૂબ ખોટું લાગ્યું. તે પોતાના દીકરાને લઈને ફરીથી નાગમાતા પાસે ગઈ અને દુઃખની વાત કરી. નાગમાતાએ તેને આશ્વાસન આપીને કહ્યું, "દીકરી, તું બે દિવસ અહીં રોકાઈને ઘરે જા. પછી ઘરે વાળો કરાવ, હું કાલે ગાયો-ભેંસો મોકલાવીશ."
વહુ બે દિવસ પછી ઘરે ગઈ અને વાળો કરાવ્યો. એટલામાં તો પેલા બાંડિયા-બુછિયા ભાઈઓ પુષ્કળ ગાયો-ભેંસો લઈને આવી પહોંચ્યા. બહેનનો વાળો ભરાઈ ગયો. તેણે થોડી ગાયો-ભેંસો પોતાની જેઠાણીઓને પણ આપી, જેથી તેઓ રાજી થઈ ગઈ. આખા ઘરમાં આનંદ છવાઈ ગયો.
હે નાગદેવતા, હે નાગમાતા, તમે જેવા નાની વહુને ફળ્યાં, તેવા આ વ્રત કરનાર, કથા સાંભળનાર અને વાંચનાર સૌને ફળજો.
0 Comments