મથુરામાં રાજા ઉગ્રસેન રાજ કરતા હતા. તેમની રાણીનું નામ પવનરેખા હતું. એક દિવસ તેઓ પોતાની સખીઓ સાથે વનવિહાર કરવા ગયા. ત્યાં દુમિલક નામનો રાક્ષસ આવ્યો અને તેણે રાજા ઉગ્રસેનનું માયાવી રૂપ ધારણ કરીને રાણી સાથે આનંદ માણ્યો. રાણી આ વાત સમજી શક્યા નહીં અને તેમને ગર્ભ રહ્યો. આ ગર્ભમાં કાલનેમિ નામના રાક્ષસે પ્રવેશ કર્યો. નવ માસે રાણીને એક પુત્રનો જન્મ થયો, જેનું નામ કંસ રાખવામાં આવ્યું. કંસ જન્મથી જ રાક્ષસી લક્ષણો ધરાવતો હતો.
કંસનો કાકા દેવક હતો, જેને દેવકી નામની એક પુત્રી હતી. કંસે તેને ઉછેરીને મોટી કરી. દેવકીના લગ્ન યાદવકુળના વસુદેવ સાથે ધામધૂમથી થયા. કંસ પોતાની બહેનને વળાવવા માટે પોતે રથ હાંકી રહ્યો હતો. રથ થોડે દૂર ગયો ત્યાં જ આકાશવાણી થઈ: "હે કંસ! આ દેવકીનું આઠમું સંતાન તારા મૃત્યુનું કારણ બનશે."
આ સાંભળીને કંસ ગભરાઈ ગયો અને તેણે દેવકીને મારવા માટે તલવાર કાઢી. વસુદેવે તેને રોકીને કહ્યું, "હે કંસ! તું સ્ત્રીહત્યાનું પાપ શા માટે કરે છે? જો તને દેવકીના સંતાનોનો ડર હોય તો, હું તને મારાં બધાં જ સંતાનો જન્મતાં જ આપી દઈશ." વસુદેવની સત્યવાદીતા પર વિશ્વાસ રાખીને કંસે તેમને મારવાનું ટાળ્યું, પરંતુ તેણે દેવકી અને વસુદેવ બંનેને કારાગૃહમાં પૂરી દીધા. પોતાના પિતા ઉગ્રસેનને પણ ગાદી પરથી હટાવીને કેદ કરી દીધા અને પોતે રાજા બની ગયો.
થોડા સમયમાં દેવકીને પ્રથમ પુત્ર થયો, જેને કંસે નિર્દયતાથી મારી નાખ્યો. આ રીતે તેણે એક પછી એક છ પુત્રોનો વધ કર્યો. તે સમયે પૃથ્વી પર દૈત્યોનો ત્રાસ વધી ગયો હતો, જેનાથી કંટાળીને પૃથ્વી દેવી બ્રહ્માજી પાસે ગઈ. બધા દેવો ભેગા થઈને પૃથ્વીને આશ્વાસન આપ્યું અને સ્વયં અવતાર લેવાનું નક્કી કર્યું. દેવાંગનાઓ ગોપીઓ બની, અને દેવો ગોવાળિયા બન્યા.
દેવકીજી સાતમી વાર સગર્ભા થયા. તે ગર્ભમાં શેષનાગ હતા, પરંતુ યોગમાયાએ તે ગર્ભને વસુદેવની બીજી પત્ની રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કરી દીધો. નવ માસે રોહિણીજીને પુત્ર થયો, જેનું નામ બલરામ પાડવામાં આવ્યું. આઠમી વાર દેવકીજી સગર્ભા થયા ત્યારે ગોકુળમાં વસુદેવના પરમ મિત્ર નંદરાજા અને તેમનાં પત્ની યશોદાજી પણ સગર્ભા હતાં. તેમના ગર્ભમાં સ્વયં યોગમાયાએ પ્રવેશ કર્યો હતો.
શ્રાવણ વદ આઠમ ને બુધવાર, રોહિણી નક્ષત્ર, બરાબર રાત્રે બાર વાગ્યે મથુરાની જેલમાં પરમકૃપાળુ પરમાત્મા ચતુરભુજ સ્વરૂપે અવતર્યા છે. વસુદેવ દેવકીએ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા. અને કહેવા લાગ્યા કે ” “હે પ્રભુ !આપ આપનું ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી લો. ભગવાન કહે, “હે વસુદેવ—દેવકી ! ત્રણ જન્મથી તમે મારી આરાધના કરતાં હતાં. જ્યારે તમે અદિતિ અને કશ્યપના સ્વરૂપે હતાં ત્યારે તમારે ત્યાં વામન સ્વરૂપે મેં જન્મ લીધેલો. પાંચ વર્ષની ઉમરે માતાપિતાનો ત્યાગ કરી ઇશ્વર આરાધના અર્થે ચાલી નીકળેલો. આજે તમારી આશા પૂરી કરવા હું તમારા બાળક તરીકે આવ્યો છું. હું મારું ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી બાળસ્વરૂપ ધારણ કરું છું. જુઓ, સામે ત્યાં વાંસની ટોપલી પડી છે. તેમાં મને મૂકી ગોકુળ લઇ જાવ અને ત્યાં યશોદા માતાને દીકરી જન્મી છે. તેને લાવી મારી જગ્યાએ મૂકી દેજો.” આટલું કહી વસુદેવ દેવકીને આશીર્વાદ આપી પરમ કૃપાળુ પરમાત્માએ ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી લીધું અને બાળસ્વરૂપ થઇ દેવકીના ખોળામાં આવી ગયા.
વસુદેવે બાળકૃષ્ણને ટોપલીમાં મૂક્યા. પીળું વસ્ત્ર ઓઢાડ્યું. ચુંબન કર્યુ. માથા પર ટોપલી મૂકી અને જેવા નીકળ્યા કે જેલના દરવાજા આપોઆપ ખૂલી ગયા. પહેરેદારો નિદ્રામાં પોઢી ગયા. ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. વસુદેવ ચાલ્યા જાય છે. નદીમાં પહોચ્યા ત્યારે શેષનાગે બાળકૃષ્ણ પર છાયા કરી. મહારાણી યમુના બાળકૃષ્ણનો ચરણસ્પર્શ કરવા જોર જોરથી ઊછળવાં લાગ્યાં. બાળકૃષ્ણના જમણા પગના અંગુઠાને મહારાણી યમુનાએ સ્પર્શ કરી લીધોએટલે ધીમે ધીમે યમુનાનો વેગ શાંત થયો અને વસુદેવને યમુનાજીએ માર્ગ કરી આપ્યો. વહેલી સવારે ધીમે ધીમે વસુદેવ ગોકુળ પહોંચ્યા. યશોદાના પડખામાં રહેલી દીકરી સ્વરૂપ યોગમાયાને લઇ તેની જગ્યાએ બાળકૃષ્ણને મૂકી વસુદેવ મથુરા પાછા આવી ગયા.. કંસે તે બાળકીને મારી નાખવા પ્રયાસ કર્યો, ત્યારે તે અદૃશ્ય થઈ ગઈ અને બોલી, "હે કંસ! તારો કાળ તો ગોકુળમાં ઉછરી રહ્યો છે."
આ સાંભળીને કંસ ગભરાઈ ગયો અને તેણે કૃષ્ણને મારવા માટે પૂતના, બકાસુર, અઘાસુર વગેરે રાક્ષસોને મોકલ્યા. પરંતુ કનૈયાએ તે બધાનો નાશ કર્યો. તેમણે ગોકુળમાં અનેક બાળલીલાઓ કરી, માખણચોરી કરી, ગોપીઓ સાથે રાસ રમ્યા અને અનેક ચમત્કારો બતાવ્યા. મોટા થયા પછી ભગવાન કૃષ્ણ અક્રૂરજી સાથે મથુરા ગયા. ત્યાં તેમણે કંસના હાથી, ચાણુર, મુષ્ટિક અને છેવટે કંસનો વધ કર્યો. કંસનો વધ કરીને તેમણે ઉગ્રસેનજીને ફરીથી રાજા બનાવ્યા. ત્યારબાદ દ્વારિકામાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું, શિશુપાલ અને જરાસંઘ જેવા દુષ્ટોનો નાશ કર્યો.
મહાભારતના યુદ્ધમાં તેમણે પાંડવોનો પક્ષ લીધો અને જ્યારે અર્જુન યુદ્ધ લડવા તૈયાર નહોતો, ત્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપીને તેને કર્તવ્યપાલન માટે પ્રેર્યો. અંતે તેમણે યાદવોને પણ અંદરોઅંદર લડાવીને મોક્ષને માર્ગે વાળ્યા અને પોતે પણ લીલા સંકેલી લીધી.
આમ, ભગવાન શ્રીકૃષ્ણ નારાયણના આઠમા અવતાર હતા, જેમણે પૃથ્વી પર જન્મ લઈને ભક્તોની રક્ષા કરી, અધર્મનો નાશ કર્યો અને ધર્મની સ્થાપના કરી. આ જ કારણે તેમનો જન્મદિવસ શ્રાવણ વદ અષ્ટમી, એટલે કે જન્માષ્ટમી તરીકે ઓળખાય છે. આ વ્રત સુખ-સમૃદ્ધિ, સંતતિ અને સંપત્તિ આપનારું છે.
0 Comments