વનેડા ની વાર્તા || Vandiya dev ni varta | Vaneda ni varta

    સોનપુર નામનું એક નગર હતું. નગરમાં એક કન્યા રહે. એનું નામ ‘સોનબાઈ’. આ સોનબાઈને સાત ભાઈ અને સાત ભાભી. સાત ભાઈની એકની એક બહેન એટલે લાડકી. એવી કે એનો પડ્યો બોલ ઝીલે. ભાભીઓ એને કાંઈ જ કામ ન કરવા દે. એટલે આખો દિવસ નવરી ને નવરી. રસોઈ થાય એટલે જમી લે. પથારી થાય એટલે સૂઈ જાય. સોનબાઈ જેવી રૂપવાન એવી જ ગુણવાન અને એવી જ ધાર્મિક. સવાર-સાંજ દેવદર્શન જાય, દાન-પુણ્ય કરે અને ભજન-ભક્તિમાં લીન રહે. વ્રતેયકરે અને ઉપવાસેય કરે. કથાવાર્તાય સાંભળે ને ધરમ-ધ્યાનેય કરે.

    એવામાં શ્રાવણ માસ આવ્યો. સાતેય ભાભીઓએ વ્રત આદર્યા. સોનબાઈએ પણ વ્રત આદર્યું. ધીમે ધીમે દિવસો જવા લાગ્યા. એકમનો દિવસ આવ્યો. સાતેય ભાભી સોનબાઈને કહેવા લાગી કે “નણંદબા રે નણંદબા, ચાલો, વનડિયાની વાર્તા સાંભળવા. જેણે વ્રત કર્યું હોય એણે વનડિયાની વાર્તા સાંભળવી જ પડે, નહીંતર વનડિયો નડે.” આ સાંભળીને સોનબાઈ બોલી કે “ના રે બાઈ, ના, મારે તો મારો પ્રભુ ભલો ને હું ભલી. ગુણ ગાઉં તો એક મારા ભગવાનના… બીજા કોઈની કથાયે ન સાંભળું ને વાર્તાયે ન સાંભળુ. મારે તો કાઈ પાપમાં પડવું નથી.”

    ભાભીઓ સોનબાઈને બહુ સમજાવે છે, પણ સોનબાઈ માનતી નથી. આ જોઈને વનડિયાના ક્રોધનો પાર ના રહ્યો. આ તો વનડિયો દેવ. કોપે તો દાટ વાળી દે અને રીઝે તો રાજ આપી દે. કનડે તો એવો કનડે કે ભલભલા સીધા દોર થઈ જાય. વનડિયાએ નક્કી કર્યું કે આ કુંવારી કન્યાના કપાળે એવું કલંક લગાડવું કે એનું જીવતર હરામ થઈ જાય.

    દિવસ આથમ્યો ને રાત પડી. સોનબાઈ પથારીમાં સૂતાં છે, ત્યારે વનડિયો વેર વાળવા આવી ગયો. એણે ભમરાનું રૂપ લીધું અને બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશ્યો. પછી એણે રૂપરૂપના અંબાર જેવા રાજકુમારનું રૂપા ધર્યું. અબીલ છાંટ્યાં… ગુલાલ છાંટ્યાં… અત્તર છાંટ્યાં… અને ગુલાબના ફૂલ પાથર્યા… એવી સ્થિતિ ઊભી કરી દીધી કે કુંવારી કન્યાને તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવાની ઈચ્છા થઈ જાય.

    સવાર પડતાં જ નાની ભાભી સોનબાઈને જગાડવા આવી. અંદર પગ મૂકતાં જ એની તો આંખ ફાટી ગઈ. એને તો ખાત્રી થઈ ગઈ કે નક્કી નણંદબા રાતે કોઈની સાથે રંગરાગ ખેલે છે. એ તો દોડતી ગઈ જેઠાણી પાસે. જઈને બધી વાત કરી. પાંપણના પલકારે આખાય ઘરમાં ખબર પડી ગઈ અને સોનબાઈને બધાં ફીટકાર આપવા લાગ્યા.

    આવી વાત તો પાંખ વગરના પંખી જેવી ગણાય. વા વાત લઈ જાય… સાંજ પડતાં તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને બધાય સોનબાઈના નામ પર થું… થું… કરવા લાગ્યા.

    આ તો હજાર મોઢાવાળું જગત કહેવાય. આમેય બોલે ને તેમેય બોલે, સતી સીતાને કલંક લગાડે. સાતેય વહુઓ એક થઈ ગઈ અને પોતપોતાના ધણીને વાત કરી. વાતમાં સારીપેઠે મીઠું મરચું ભભરાવ્યું. આ તો આખા કુળનું નાક જાય એવી વાત. સાતેયની આંખોમાં આગ વરસવા લાગી. ગયા બહેન પાસે અને ત્રાડા પાડીકે “સાચુંબોલી નાખ. કોણ છે તારી પાસે આવનાર ? નામ જણાવ એનું ! નહીંતર ધડથી માથું જુદું થઈ જશે.”

    બિચારી સોનબાઈ તો સાવ નિર્દોષ હતી. એણે માથે હાથ મૂકીને કહ્યું : “મારા પ્રભુના સોગંધ. સપનેય મેં પુરૂષનો વિચાર કર્યો હોય તો અત્યારે જ મારો જીવ નીકળી જાય. જો વિશ્વાસ ન આવતો હોય તો ખુશીથી મારું માથું ઉતારી લો.”

    ભાઈઓ વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું ? સાંભળેલી વાત પર વિશ્વાસ કરવો કે ન કરવો? ખાત્રી કર્યા વગર બેનની હત્યા કરીએ તો તો નરકે જવું પડે. પહેલાં વાતની ખાત્રી તો કરવી જ પડે. સાતેય ભાઈઓએ રાત આખી જાગીને ઉઘાડી તલવારે ચોકી કરવાનું નક્કી કર્યું.

    મધરાત થઈ. સાતેય ભાઈઓ ઉઘાડી તલવારે આંટા મારે છે. અંદર સોનબાઈ ઘસઘસાટ ઊંઘે છે. મધરાત થતાં જ વનડિયો ભ્રમરનું રૂપ લઈનેઆવ્યો અને અબીલ-ગુલાલ છાંટીને ગુલાબના ફૂલ પાથરવા લાગ્યો. ગુલાબની મહેક આવતાં જ સાતેય ભાઈઓએ તિરાડમાંથી અંદર જોયું. રૂપાળા રાજકુંવરને જોતાં જ પાટું મારીને બારણું તોડી નાખ્યું અને વનડિયા સામે તલવાર ઉગામીને પૂછવા લાગ્યા કે “ કોણ છે તું ? માનવ છે કે દાનવ છે ? ગંધર્વ છે કે કિન્નર છે ? યક્ષ છે કે દેવ છે ? જલ્દી બોલ, નહીંતર તલવારના એક ઘાએ માથું જુદું થઈ જાશે.”

    આ સાંભળીને વનડિયો હસીને બોલ્યો કે “મારું નામ વનડિયો દેવ… શસ્ત્ર મને મારી ન શકે. શસ્ત્રો મારો વાળ પણ વાંકો ન કરી શકે. રીઝું તો રાજ આપું અને ખીજાઉં તો ખેદાનમેદાન કરી નાખું. તમારી બહેને મારી વાર્તા સાંભળવાની ના પાડી એટલે વેર વાળવા આવ્યો છું.”

    આ સાંભળીને સાતેય ભાઈઓ ઠંડાગાર થઈ ગયા અને વિનયથી પૂછવા લાગ્યા કે “હે દેવ ! શો ઉપાય કરીએ તો તમે પ્રસન્ન થાઓ ?”

    ત્યારે વનડિયો બોલ્યો કે “એક ઉપાય છે, જો સોનબાઈ વાડને પાડુ, પાળને પુરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપ્યા પછી ભક્તિભાવ પૂર્વક મારી વાર્તા સાંભળે તો અવશ્ય દોષમુક્ત થાય…”

    “હે વનડિયા દેવ ! અમારી બેન તમે કહેશો એ પ્રમાણે જરૂર કરશે, પણ એના કપાળે જે કલંક લાગ્યું છે એ કેમ કરીને દૂર થાય ? ગામના મોંઢે ગળણું કઈ રીતે બાંધવું ?” “એનોય ઉપાય છે” વનડિયો બોલ્યો : “ નગરના રાજાએ કુળદેવીનું શિખરબદ્ધ મંદિર બનાવરાવ્યું છે. એના પર સુવર્ણનો કળશ ચઢાવવાનો છે. આ કળશ સતી સ્ત્રી વગર કોઈ ચઢાવી ન શકે. રાજા ઢંઢેરો પીટાવીનેસતીને બોલાવશે ત્યારે સોનબાઈને મોકલજો. સોનબાઈ કળશ ચઢાવશે એટલે એના સતનું આખા ગામને પ્રમાણ મળી જશે. સત્યનું તેજ ઝળહળશે અને કલંકની કાલિમા દૂર થશે.”

    સાતેય ભાઈઓએ વનડિયાને મસ્તક નમાવીને પ્રણામ કર્યા. વનડિયો હસતો હસતો અંતર્ધ્યાન થઈ ગયો. સવાર પડી એટલે સોનબાઈએ વનડિયાના કહેવા પ્રમાણે વાડને પાડુ, પાળને પુરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપ્યો. પછી અત્યંત ભક્તિભાવથી વનડિયાની વાર્તા સાંભળી, તત્કાળ એ વનડિયાના દોષમાંથી મુક્તિને પામી.

    આ બાજુ મંદિરનું કાર્ય પૂર્ણ થતાં જ રાજાએ રાજ જ્યોતિષીને તેડાવ્યા અને પૂછવા લાગ્યા કે “હે મહારાજ! મંદિરનો કળશ ચઢાવવાનો છે તો એ માટે શું કરવું એ કૃપા કરીને કહો.”

    રાજ જ્યોતિષીએ શાસ્ત્રમાં ગ્રહ નક્ષત્ર અને તિથિ-વાર જોયાં. પછી કહ્યું કે : “હે રાજન ! કળશ તો સતી સ્ત્રીના હાથે જ ચઢે, જે સ્ત્રી વાવમાંથી કાચા સૂતરના તાંતણે ચાળણીમાં નીર સિંચે અને એ જળ સુવર્ણ કળશને છાંટીને કળશને સ્પર્શ કરે તો કળશ આપોઆપ ચઢી જાય. પણ હે રાજન ! આ જગતમાં આવી સતી સ્ત્રી મળવી દુર્લભ છે. છતાં ઢંઢેરો પિટાવી જુઓ, કુળદેવીની કૃપા હશે તો અવશ્ય કોઈ સતી મળી જશે.”

    તત્કાળ રાજાએ ઢંઢેરો પિટાવ્યો. ઢંઢેરો સાંભળીને બધી સ્ત્રીઓ એકબીજાનાં મોં સામે જોવા લાગી. આ તો સતનાં પારખાં કહેવાય. હસતા મુખે અગ્નિ પરીક્ષા આપવાની. જો કળશ ન ચઢે તો ગામ આખામાં ફજેતો થાય.

    આ બાજુ સોનબાઈ  સાતેય ભાઈ-ભાભીઓ સાથે દરબારમાં આવી અને રાજાને કહેવા લાગી કે “ હું કળશ ચઢાવીને મારા સતીત્વનું પ્રમાણ આપીશ.” એની વાત સાંભળીને દરબારીઓ ખડખડાટ હસવા લાગ્યા પણ સોનબાઈ દ્ર્ઢ રહી.

    બીજા દિવસે સોનબાઈનો ફજેતો અને તમાશો જોવા આખું નગર ભેગું થયું. બધા તાળી દઈ દઈને વાતો કરતા હતા કે આજ સોનબાઈના સતીત્વની પોલ ખુલી જશે. એનો ફજેતો થશે.

    સોનબાઈએ પ્રભુનું સ્મરણ કર્યું અને વનડિયા દેવનું નામ લઈને ચાળણી સાથે કાચા સૂતરનો દોરો બાંધીને વાવમાં નાખી અને નીર સિંચવા લાગી. જોનાર તો અવાક થઈ ગયા. બધાની આંખો ફાટી ગઈ. સોનબાઈના સતીત્વનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈએ ચાળણીમાંથી જળ લઈને કળશ પર છાંટ્યું અને જમણા હાથ વડે સ્પર્શ કર્યો, તત્કાળ કળશ સડસડાટ કરતો શિખર પર ચડી ગયો.

    આખું નગર સોનબાઈના ગુણગાન ગાવા લાગ્યું. સત્યનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈ સાતેય ભાભીઓ સાથે મળીને ગાવા લાગી :


વનડિયા તું વનડીશ મા;

ભાઈની બેનને કનડીશ મા;

કુડા કલંક ચઢાવીશ મા;

સતમાં વહેમ જગાડીશ મા;

રીઝે તો તું આપતો રાજ;

બગડેલાં સુધારતો કાજ;

તું ખિજાય તો વાળે દાટ;

ચો દિશ ગુંજે તારી હાક;

તારો વાસ પ્રભુની પાસ;

અમે તારા ચરણોના દાસ;

પુણ્ય ફળ્યાને પાતક ટળિયાં;

પુરૂષોત્તમ પ્રભુ આવી મળિયા.


          હે વનડિયા દેવ ! તમે જેવા સોનબાઈને ફળ્યા, એવા તમારી વાર્તા સાંભળનાર સૌને ફળજો.

Post a Comment

0 Comments